લિમયે, મધુ (જ. 1 મે 1922, પુણે; અ. 1996, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સમાજવાદી ભારતીય નેતા. પિતાનું નામ રામચંદ્ર તથા માતાનું નામ શાંતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમની રાજકીય કારકિર્દીના શરૂઆતના ગાળામાં તેમણે મહારાષ્ટ્રના ખાનદેશ વિસ્તારમાં કૉંગ્રેસ વતી કામ કર્યું હતું. 1938–48 દરમિયાન કૉંગ્રેસ સમાજવાદી પક્ષના સક્રિય સભ્ય હતા. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો તથા ભૂગર્ભમાં રહ્યા અને ધરપકડ બાદ બે વર્ષનો કારાવાસ ભોગવ્યો. 1948–52ના ગાળામાં સમાજવાદી પક્ષના સક્રિય સભ્ય અને 1955–58 દરમિયાન પ્રજા સમાજવાદી પક્ષના અગ્રણી કાર્યકર. 1964માં સંયુક્ત સમાજવાદી પક્ષના સ્થાપક સભ્યોમાંના એક સભ્ય અને 1964–77ના ગાળામાં આ પક્ષમાં કામ કર્યું. દરમિયાન 1955માં ગોવા મુક્તિ આંદોલનમાં ભાગ લેવા બદલ પૉર્ટુગીઝ શાસકોના કારાવાસમાં છ માસ સુધી બંદીવાન રહ્યા. 1958માં પંજાબ સરકારે તેમની ધરપકડ કરી હતી, જેના વિરોધમાં નાગરિક સ્વાતંત્ર્ય માટેની ચળવળ તેમણે શરૂ કરી.
1978માં વિરોધ પક્ષોની બનેલી જનતા પાર્ટીની સ્થાપના થતાં તેના મહામંત્રીપદે મધુ લિમયેએ કામ કર્યું. 1964 –70, 1973–76 અને 1977–79નાં વર્ષો દરમિયાન લોકસભાના સભ્ય રહ્યા. એક સારા સાંસદ તરીકે તેમની છાપ હતી.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘કૉમ્યુનિસ્ટ પાર્ટી : ફૅક્ટ્સ ઍન્ડ ફિક્શન’; ‘વ્હાય એસ એસ. પી. ?’; ‘પોલિટિકલ હોરાઇઝન્સ’ તથા ‘ફ્યૂચર ઑવ્ હિંદુસ્તાન’ – આ ચાર ગ્રંથો નોંધપાત્ર છે.
તેમનાં પત્ની ચંપા લિમયે પણ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં પતિની જોડે સક્રિય રહ્યાં છે. મધુ લિમયેને વાચન અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ભારે શોખ હતો. તેમની છ દાયકાની સમગ્ર રાજકીય કારકિર્દી અણિશુદ્ધ રહી છે. જીવનના છેલ્લા દાયકામાં તેમણે રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે