કૅસલ, ધ (જર્મન ભાષામાં પ્રકાશન-વર્ષ 1926, અંગ્રેજી અનુવાદ વિલા મુઈર અને એડવર્ડ મુઈર – 1930) : કાફકાની મરણોત્તર પ્રકાશિત થયેલી અતિખ્યાત નવલકથા. પહેલી વખત જર્મન ભાષામાં પ્રગટ થઈ ત્યારે એકી અવાજે તેને આવકાર પ્રાપ્ત થયો હતો અને એ કૃતિમાં વીસમી સદીના એક મહાન પ્રતિભાશાળી સર્જકનાં દર્શન થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ બહાર પડ્યા પછી ખાસ્સા એવા સમય સુધી અંગ્રેજીભાષી પ્રજા આ નવલકથા વિશે બહુ ઓછું જાણતી હતી. કાફકાએ આ નવલકથા અધૂરી રાખી હતી. પાછળથી છેલ્લું પ્રકરણ કાફકાની કાચી નોંધો, વાતચીતો ઉપરથી તૈયાર કરવામાં આવ્યું હતું.
આ નવલકથાનો નાયક કે. મોજણીદાર તરીકે ફરજ બજાવવા માટે કોઈ ગામમાં જઈ ચડે છે. રાતે વિશ્રાંતિગૃહમાં આરામ કરે છે પણ તેની પાસે રાતવાસો માટે પરવાનો છે કે નહિ તેની તપાસ માટે તેને જગાડવામાં આવે છે ત્યારથી તેની જિંદગી સમૂળગી બદલાઈ જાય છે. કે. પોતાની જાતને મોજણીદાર તરીકે ઓળખાવે છે પણ કોઈ એ વાત સ્વીકારવા તૈયાર નથી. તે પોતાના વ્યક્તિત્વની સ્થાપના કરવાના પ્રયત્નો શરૂ કરે છે અને બીજી બાજુએ દુર્ગ જવા માટે નીકળે છે પણ રસ્તામાં કોઈ તેને રાતવાસો કરવા દેતું નથી. કે.ને મળેલા મદદનીશો પણ વિચિત્ર છે. તેઓ કે.ને પદભ્રષ્ટ કરવા મથે છે. છેવટે મોજણીદાર તરીકે તેને માન્યતા મળે છે. પણ એક દિવસ જાણવા મળે છે કે ગામને મોજણીદારની કોઈ જરૂર જ ન હતી. છતાં મોજણીદાર તરીકેની તેની કામગીરીનાં વખાણ થાય છે ખરાં. આ બધા વિરોધાભાસોને કારણે કે.ને બધા વિશે, પોતાની જાત વિશે પણ શંકા થવા માંડે છે. છેક સુધી કે. પોતાની જાતને સ્થાપિત કરી શકતો નથી અને અંતે તેને જાકારો મળે છે. પણ કાફકાના મિત્રે સુધારેલા છેલ્લા પ્રકરણ પ્રમાણે નવલકથાનો નાયક કે. પોતાની લડત અટકાવતો નથી. એ લડતથી તે થાકી જાય છે. છેવટે તેની મરણપથારી આગળ ગ્રામજનો ભેગા થાય છે અને કે. માટે સંદેશો આવે છે કે તેનો કાયદેસરનો હક સ્વીકારાતો નથી. પરંતુ તે ગામમાં રહીને કામ કરી શકે.
આ કૃતિને રૂપક તરીકે ઓળખાવાઈ છે. કાફકા આ નવલકથામાં તંત્રગ્રસ્ત બનેલા આધુનિક માનવીની હતાશા, વિરતિ અને એકલતાને સામર્થ્યપૂર્વક અભિવ્યક્ત કરી આપે છે. ત્રીસી પછીની નવલકથાની વિભાવના કાફકાની આ નવલકથાને કારણે બદલાઈ ગઈ છે.
શિરીષ પંચાલ