કેશવ દૈવજ્ઞ (સમય ઈ. સ. 1478 આસપાસ) : ‘વિવાહ વૃંદાવન’ તેમજ ‘કરણકંઠીરવ’ના કર્તા. જ્યોતિષી કમલાકરના પુત્ર કેશવ દૈવજ્ઞ વૈજનાથ પાસે અધ્યયન કર્યા બાદ કોંકણમાં સમુદ્રતીરે આવેલા નંદિગ્રામ(નાંદગાંવ)માં રહેતા હતા. પરંતુ તેમણે કરણગ્રંથ ગ્રહકૌતુકના આરંભકાળ તરીકે તેમણે શક 1418(ઈ. સ. 1496)નો ઉલ્લેખ કર્યો છે. પ્રખ્યાત ગ્રહલાઘવકાર ગણેશ દૈવજ્ઞ આ કેશવના પુત્ર થાય.

કેશવરચિત ‘ગ્રહસિદ્ધિ’ અને ‘તાજક પદ્ધતિ’ એ બે ગ્રંથો ઉપલબ્ધ છે. તેમણે ‘જાતકપદ્ધતિ નિવૃત્તિ’, ‘સિદ્ધાન્તવાસના પાઠ’, ‘મુહૂર્ત’, ‘તત્વ’, ‘કાયસ્થાદિ ધર્મપદ્ધતિ’, ‘કુડાષ્ટકલક્ષણ’, ‘ગણિતદીપિકા’ વગેરે ગ્રંથોની રચના પણ કરી છે. કેશવના ગણિતગ્રંથો તેના સુવિખ્યાત પુત્ર ગણેશ દૈવજ્ઞના સુપ્રસિદ્ધ ગ્રંથોને કારણે પાછળ પડી ગયા હોય તેમ લાગે છે, વેધના વિષયમાં કેશવની યોગ્યતા ઘણી મોટી છે. ‘ગ્રહકૌતુક’ ઉપરની સ્વરચિત મિતાક્ષરી ટીકામાં તેમણે પોતે લીધેલા વેધોની હકીકત આપી છે.

ઈન્દ્રવદન વિ. ત્રિવેદી