કૅવલિયર – આર્પિનો

January, 2008

કૅવલિયર, આર્પિનો (Cavalier, Arpino) (જ. 14 ફેબ્રુઆરી 1568, આર્પિનો, નેપલ્સ, ઇટાલી; અ. 3 જુલાઈ 1640, રોમ, ઇટાલી) : મૅનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. આ શૈલીનો ઇટાલી બહાર પ્રસાર કરવામાં તેનો ફાળો નિર્ણાયક રહ્યો છે. તેનું મૂળ નામ જિવસેપે ચેસારી (Givseppe Cesari) હતું. વળી તે ઇલ જિવસેપિનો (Il Giseppino) નામે પણ ઓળખાતો હતો.

વૅટિકનના મૅનરિસ્ટ શૈલીના ફ્રેસ્કો (ભીંત) ચિત્રકાર ક્રિસ્તૉફૉરો રોન્ચાલી(Cristoforo Roncalli)નો કૅવલિયરનાં શરૂઆતનાં ચિત્રો ઉપર ઘેરો પ્રભાવ છે. 1589થી 1591 સુધી કૅવલિયેરે નેપલ્સ ખાતેના સેંટ માર્તિનો ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં; આ માટે તેમને તેમના ભાઈ બર્નાર્દિનોએ સહચિત્રકાર તરીકે ખાસ્સી મદદ કરેલી. આ પછી રોમમાં તેમની મોટા ચિત્રકાર તરીકે ખૂબ નામના થઈ.

આર્પિનો કૅવલિયર

રોમમાં પોપ ક્લેમેન્ત સાતમા માટે પણ તેમણે વૅટિકનમાં ભીંતચિત્રો ચીતર્યાં; જેના વડે આ પોપ પ્રભાવિત થયા; પરંતુ કૉન્ઝર્વેતૉરી મહેલમાં તેમણે 1596માં ચીતરવાં શરૂ કરેલાં ભીંતચિત્રો કદી પૂર્ણ થયાં નહીં. એ પછી રોમ ખાતેના સેંટ જિયોવાની લાતેરાનો ચર્ચમાં તેમણે સેંટ જોન ધ બૅપ્ટિસ્ટના જીવનમાંથી ચાર પ્રસંગોનાં ચાર ચિત્રો ચીતર્યાં. આ ચાર ચિત્રો કૅવલિયરની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ મનાય છે. ત્યારબાદ રોમના સેંટ પીટર્સબર્ગ કૅથીડ્રલ માટેના મોઝેક માટે તેમણે ડિઝાઇનો તૈયાર કરી આપી. એ પછી તેમણે સેંટ મરિયા મેજ્યોરે ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં અને છેલ્લે સેંટ પ્રાસેદી (Prassede) ચર્ચના તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. એક ઉત્કૃષ્ટ ચિત્રકાર હોવા છતાં સમકાલીન મહાન ચિત્રકારો કારાવાજિયો (Caravaggio) અને કારાચી(Carracci)ની ખ્યાતિને કૅવિલિયર આંબી શક્યા નહીં.

અમિતાભ મડિયા