સાર (Saar) : ફ્રાન્સ-જર્મનીની સીમા પર આવેલું જર્મનીનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 20´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાંથી વહેતી સાર નદી પરથી આ રાજ્યને નામ અપાયેલું છે. તે સાર થાળાના નામથી પણ ઓળખાય છે. જોકે તેનું સ્થાનિક જર્મન નામ સારલૅન્ડ છે. આ પ્રદેશ તેની કોલસાની ખાણો તેમજ લોખંડ-પોલાદના એકમો માટે ખૂબ જાણીતો છે. સારબ્રુકેન તેનું પાટનગર (49° 14´ ઉ. અ. અને 6° 59´ પૂ. રે.) છે.

પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ સાર પ્રદેશ જર્મનીના કબજામાં હતો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ, યુદ્ધથી થયેલી નુકસાનીના વળતર રૂપે સાર ફ્રાન્સમાં ભેળવી દેવાય તો સારું, એવી ફ્રેન્ચ વહીવટકારોની ઇચ્છા હતી. આ અંગે થયેલી વર્સેલ્સની સંધિની ફલશ્રુતિ રૂપે ફ્રાન્સને થયેલા નુકસાનને ભરપાઈ કરવા સારની કોલસાની ખાણો 15 વર્ષના ગાળા માટે ઉપયોગમાં લેવા ફ્રાન્સને આપવામાં આવી. ફ્રાન્સનો તેના પર કબજો રહ્યો તે ગાળા માટે રાષ્ટ્રસંઘે તેનો વહીવટ સંભાળેલો. તેની વહીવટી સમિતિમાં એક ફ્રેન્ચ નાગરિક, એક જર્મન નાગરિક તથા અન્ય રાષ્ટ્રોની ત્રણ વ્યક્તિઓને સામેલ કરેલી. આ માટે જર્મનીએ વિરોધ નોંધાવેલો, તેથી 1930માં રાષ્ટ્રસંઘે સંયુક્ત કબજાનો અંત આણવાનો આદેશ કર્યો. આ વિસ્તારની મોટાભાગની વસ્તી જર્મન હતી, તેમણે 1935માં સારનો વિસ્તાર જર્મનીનો ભાગ બની રહે એવો મત આપેલો.

બીજા વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું, તેથી 1945માં ફ્રાન્સે સારનો કબજો લઈ લીધો. ફ્રાન્સે તેના સંરક્ષણ તેમજ વિદેશી બાબતોને પોતાને હસ્તક રાખી તથા તેના ભારે ઉદ્યોગોનો કબજો લીધો. સારના લોકોએ પણ ફ્રાન્સના રીતરિવાજો તથા નાણાંનું ચલણ સ્વીકાર્યાં. 1947માં સારને પોતાની સરકાર સ્થાપવા આંશિક મંજૂરી આપી. 1955ના ઑક્ટોબરમાં સારના લોકોએ સંરક્ષણ તેમજ વિદેશી બાબતોની જવાબદારી ફ્રાન્સ પશ્ચિમ યુરોપીય સંઘને સોંપે તે અંગે વિરોધ કર્યો. 1955ના ડિસેમ્બરની 18મીએ સારને પશ્ચિમ જર્મની સાથે જોડવા સંસદસભ્યો ચૂંટી કાઢ્યા. ફ્રાન્સ અને પશ્ચિમ જર્મની વચ્ચે 1957ના જાન્યુઆરીની પહેલી તારીખે થયેલા કરાર મુજબ સાર જર્મનીનો ભાગ બન્યું. 1999 મુજબ સારલૅન્ડની વસ્તી 1,07,150 જેટલી છે. વહીવટી સરળતા માટે સારલૅન્ડને 6 ગ્રામીણ જિલ્લાઓમાં અને 52 કૉમ્યૂનમાં વહેંચેલું છે.

ગિરીશભાઈ પંડ્યા