સાયેમોપ્સિસ (ગવાર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકાના દેશોમાં વિતરણ પામેલી છે. તેની 4 જાતિઓ નોંધાઈ છે. ભારતમાં તેની એક જાતિ [Cyamopsis tetragonoloba (Linn.)] Taub. (ગુ. ગવાર; હિં. ગોવાર; ક. ગોરી કાઈ; મ. બાવચી, ગોવાર; સં. ગૌરાણી, ગોરક્ષા; ત. કોઠાવેરાય; તે. ગોરચીકુડુ; અં. ક્લસ્ટર બીન) થાય છે. તે શાકભાજી, ચારો અને લીલા ખાતર માટે વાવવામાં આવે છે. તેનું મૂળ વતન વિષુવવૃત્તીય આફ્રિકા છે. કેટલાક તેનું મૂળ વતન ભારત હોવાનું માને છે.

ગુજરાતમાં ગવાર તરીકે જાણીતી આ વનસ્પતિ ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી. ઊંચી, એકવર્ષાયુ શાકીય હોય છે અને તે કથ્થાઈ રંગના રોમથી આચ્છાદિત હોય છે. પ્રકાંડ ઘીસીવાળું હોય છે. પર્ણો ત્રિપર્ણી પંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે. પર્ણિકા લંબગોળ, અણીદાર, દંતુરિત અને બંને સપાટીએથી રોમિલ હોય છે. તેની મુખ્ય શિરા ખૂબ જ ઊપસેલી હોય છે. પર્ણદંડ 2.5 સેમી.થી 3.75 સેમી. લાંબો હોય છે. પુષ્પવિન્યાસ અગ્રીય અપરિમિત પ્રકારનો હોય છે. પુષ્પો નાનાં, જાંબલી રંગનાં, નિપત્રી (bracteate) અને પતંગિયાકાર હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું જોવા મળે છે. બીજ 6થી 8 જેટલાં, ચોરસ અને સહેજ દબાયેલાં હોય છે.

આકૃતિ : ગવાર(Cyamopsis tetragonoloba)ની શાખા

આ વનસ્પતિની કુમળી શિંગો શાકભાજી તરીકે રાંધીને ખવાય છે. તેનું અથાણું કરવામાં આવે છે. બીજનો અધકચરો ભૂકો ચારા તરીકે દુધાળા ઢોરને અપાય છે. બીજમાંથી પ્રાપ્ત થતો ગુંદર વસ્ત્ર (textile) અને પેપરઉદ્યોગમાં વપરાય છે. ટપાલની ટિકિટ પાછળ તેનો ગુંદર લગાડાય છે. આઇસક્રીમમાં, બેકરી-ઉદ્યોગમાં, શાહીની બનાવટમાં અને છાપકામમાં તે વપરાય છે.

આયુર્વેદની ષ્ટિએ ગવારની શિંગો રૂક્ષ, વાતકર, મધુર, ગુરુ, સારક, કફકર, અગ્નિદીપક અને પિત્તશામક હોય છે. તેનો ઉપયોગ દાદર અને નાડીવ્રણ ઉપર થાય છે.

યોગેશ ડબગર