સામાજિક વીમો : એકસરખા અને સમાન પ્રકારના જોખમથી પ્રભાવિત થાય તે પ્રકારના આખા જૂથને આર્થિક નુકસાનનું વળતર ચૂકવી આપવાનો વીમો અથવા વ્યવસ્થા. પ્રત્યેક પ્રકારના વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. અનેક કારણોએ સમાજમાં જે જોખમો ઊભાં થાય છે તેને માટે સમાજના બધા સભ્યો જવાબદાર હોતા નથી. આગળ વધીને જેઓ જોખમના ભોગ બને છે તેમણે જ માત્ર જોખમો પેદા કર્યાં હોતાં નથી. સમાજની પોતાની પ્રવૃત્તિઓ અને ઢાંચાને કારણે જોખમો પેદા થાય છે. આથી જેઓ જોખમના ભોગ બને એમને સમાજના બાકીના સભ્યોએ નુકસાનનું વળતર ચૂકવી આપવાની વિચારધારામાંથી વીમાનો જન્મ થયો છે. સમય જતાં પ્રીમિયમ ભરનારાઓ વચ્ચે જોખમનું નુકસાન વહેંચી લેવામાં આવે એવો એક સંકીર્ણ કહી શકાય તેવા પ્રકારનો વીમો અસ્તિત્વમાં આવ્યો. મૂળ વિચારધારા અનુસાર પ્રત્યેક વીમાનો કરાર સામાજિક પ્રવૃત્તિ છે. જેમ વીમાનો પ્રવર્તમાન પ્રકાર સંકીર્ણ થયો, તેમ સામાજિક વીમાનો પ્રકાર પણ સંકીર્ણ થયો છે. અલબત્ત, સમાજના ચોક્કસ જૂથ કે વર્ગને જે સમાન જોખમના ભોગ બનવું પડે છે તેના નુકસાનના વળતર માટે સામાજિક વીમો અસ્તિત્વમાં આવ્યો છે. ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં આ બાબત વધારે સ્પષ્ટ થઈ તેથી તે સમયથી સામાજિક વીમાથી સમાજના વધુ ને વધુ વર્ગોને આવરી લેવામાં આવે છે.

સામાજિક વીમો એક પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યો, તે પહેલાં જીવન વીમો, દરિયાઈ વીમો, આગનો વીમો જેવા પ્રકારો અસ્તિત્વમાં હતા. સમાજના જુદા જુદા વર્ગોના લોકોના હિતની જાળવણી માટે તેમજ તેના થકી સમગ્ર સમાજનું હિત જળવાય તે માટે સામાજિક વીમો ઉતારવામાં આવે છે. આ વીમાની શરૂઆત યુરોપમાં થઈ હતી. આજે વિશ્વના બધા જ દેશોમાં તેનું અસ્તિત્વ છે. કેટલાક વર્ગો માટે તો તે ફરજિયાત છે. ઔદ્યોગિક કામદારો માટેનો સામાન્ય વીમો લેવાની અને તેનું પ્રીમિયમ ભરવાની જવાબદારી માલિકો પર નાંખવામાં આવી છે. કારખાના જેવા સ્થળે સમાન પ્રકારનાં જોખમો સામે મોટી સંખ્યામાં વીમાદારો મળતા હોય છે, તેથી વીમાકંપનીઓ પણ સામાજિક વીમા માટે અગ્રેસર બને છે. સરકાર પણ તેમાં સમાજનું સ્વાસ્થ્ય જળવાય છે તેમ વિચારીને તેને પ્રોત્સાહન આપે છે. કેટલાક કિસ્સાઓમાં કાયદાથી સામાજિક વીમાને ફરજિયાત બનાવવામાં આવે છે. તે બાબત સૂચવે છે કે સરકાર સામાજિક વીમાને એક કલ્યાણ-યોજના તરીકે ગણે છે. કેટલીક વાર તો સરકાર આગળ વધીને વિદ્યાર્થીઓ, ખેતમજૂરો અને સીમાંત ખેડૂતોના પાક માટે પોતે જ પ્રીમિયમ ભરીને સામૂહિક વીમા ઉતરાવે છે. કારખાનામાં યંત્રો વગેરેને કારણે થતા અકસ્માત, ખેતરમાં કુદરતી પ્રકોપને કારણે પાકનો થતો નાશ અને બૅંકોમાં નાના થાપણદારોની થાપણ ઓળવાઈ જવાની પરિસ્થિતિ આખા સમૂહને મુશ્કેલીમાં મૂકે છે. ઘણી વાર એમાં આર્થિક રીતે નબળા લોકોના આવકના સ્રોત બંધ થઈ જાય છે અથવા તો મહામૂલી બચત ધોવાઈ જાય છે. આ બધાં સામે સામાજિક વીમો રક્ષણ આપે છે.

સામાજિક વીમાનાં જુદાં જુદાં સ્વરૂપો હોય છે; જેવાં કે, કામદાર વળતર વીમા-યોજના, નાની બૅંક થાપણ માટેની વીમા-યોજના, જૂથ વીમા-યોજના કે જે અકસ્માત અથવા અણધાર્યા અવસાન પ્રસંગે જૂથના કોઈ પણ સભ્યને વળતર ચૂકવે છે. આ સ્વરૂપો જોતાં સ્પષ્ટ થાય છે કે કારખાનાં, કાર્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં બહુ મોટી સંખ્યા ધરાવતો સમૂહ રોજ આવે છે, લગભગ સમાન એવી પ્રવૃત્તિ કરે છે અને તેમ કરવાથી તેઓ એકસરખા અને સમાન પ્રકારનાં જોખમોનો સામનો કરે છે. આ લોકોનો એક સમાજ બની જાય છે. જ્યારે તેમના પર જોખમ ત્રાટકે છે ત્યારે બધાંને એક જ સમયે, એક જ પ્રકારનું નુકસાન થાય છે. આથી એ આખા જૂથને એટલે કે એ સમાજને આવરી લેતો સામાજિક વીમો ઓછા પ્રીમિયમે વધારે વીમાદારોને જરૂર પડે તો વળતર આપતો હોય છે.

અશ્વિની કાપડિયા