રિચડર્ઝ જુનિયર, ડિકિન્સન ડબ્લ્યૂ. (જ. 30 ઑક્ટોબર 1895, ઑરેન્જ, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 23 ફેબ્રુઆરી 1973, લેકવિલે, કનેક્ટિક્ટ, યુ.એસ.) : 1956ના આન્ડ્રે ફ્રેડેરિક કોર્નન્ડ તથા વર્નર ફોર્સમન સાથેના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકવિજેતા. આ અમેરિકન તબીબની ટુકડીને હૃદયમાં નિવેશિકા (catheters) નાંખીને તપાસ કરવાની પદ્ધતિના વિકાસ માટે તથા રુધિરાભિસરણતંત્રમાં થતા વ્યાધિજન્ય વિકારોના અભ્યાસ માટે

ડિકિન્સન ડબ્લ્યૂ. રિચડર્ઝ જુનિયર
આ સન્માન પ્રાપ્ત થયું હતું. સન 1928માં ઇંગ્લૅન્ડમાં તબીબીવિદ્યાનો અભ્યાસ કરીને તેઓ અમેરિકાના કોલંબિયા ખાતે આવેલી કૉલેજ ઑવ્ ફિઝિશ્યન્સ અને સર્જ્યન્સમાં સંશોધનાર્થે જોડાયા. સન 1945થી 1961 દરમિયાન તેઓ ત્યાં પ્રોફેસર ઇમેરિટસ હતા અને તેમણે કોર્નન્ડ સાથે સંશોધન-સહકાર કરીને હૃદયમાં નિવેશિકા નાંખવાની ક્રિયા- (હૃદનિવેશિકાયન, cardiac catheterisation)નો ઉપયોગ કર્યો અને તેને સંવર્ધિત કરી. તેના વડે હૃદયમાંના લોહીના દબાણ અને વાયુઓના પ્રમાણને જાણી શકાય છે. તે માટે તેમણે ફોર્સમનની કોણીના આગળના ભાગમાં આવેલી શિરામાંથી વળી શકે એવી વલનશીલ નિવેશિકા (flexible catheter) નાખવાની પદ્ધતિ વાપરી હતી. તેમની આ પદ્ધતિથી માનવહૃદયના રોગો તથા તેની સંરચનામાંની વિકૃતિઓ અંગે માહિતી મળી શકે છે.
શિલીન નં. શુક્લ