રાય (Rye)-2 : ઇંગ્લૅન્ડના પૂર્વ સસેક્સ પરગણાના રૉથર જિલ્લામાં રૉથર નદી નજીકની ટેકરી પર આવેલું નષ્ટપ્રાય નગર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 0° 44´ પૂ. રે.. મૂળ તે એક દરિયાઈ બંદર હતું. 1289માં તેને બંદર-જૂથમાં ભેળવવામાં આવેલું. 1350ના અરસામાં તે સિંક (Cinque) બંદરોનું પૂર્ણ સભ્ય પણ બન્યું હતું. એડ્વર્ડ ત્રીજાએ આ નગરને કિલ્લેબંધી કરાવેલી. ચૌદમી સદીનાં તેનાં ત્રણ પ્રવેશદ્વારો (દરવાજા) પૈકી આજે માત્ર લૅન્ડ ગેટ નામનો એક જ દરવાજો રહ્યો છે. તેની નજીકનો યપ્રેસ ટાવર (બારમી સદીનો) પણ હયાત છે. આ નગરના કાંકરીમઢ્યા માર્ગો અને જ્યૉર્જિયન સમયના લાકડાના આવાસો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલા છે. અન્ય જોવાલાયક ઇમારતોમાં 1420ની એક મર્મેઇડ ધર્મશાળા તેમજ નવલકથાકાર હેન્રી જેમ્સે જ્યાં પોતાનાં છેલ્લાં વર્ષો ગાળેલાં તે અઢારમી સદીના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. ઈ. એફ. બેન્સન અહીંનો મેયર (1934-37) હતો અને તે પછીથી હેન્રી જેમ્સના ઘરમાં રહેતો હતો. અગાઉ દરિયાકિનારે આવેલું આ બંદર તેમાં કાંપપૂરણી થતી ગયેલી હોવાથી હવે કિનારાથી 3 કિમી.ના અંતરે જોવા મળે છે. આથી પંદરમી સદીથી બંદર તરીકેનું તેનું મહત્ત્વ ક્રમશ: ઘટતું ગયું છે. બંદર નજીકનું નગર પણ મધ્યકાલીન યુગમાં જ્યાં હતું ત્યાંથી બહારના ભાગોમાં વિકસ્યું છે. 1991માં તેની વસ્તી આશરે 3,700 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા