રહેમાન, ઇન્દ્રાણી (જ. 19 સપ્ટેમ્બર 1930; અ. 2 મે 1999, ન્યૂયૉર્ક) : ભારતીય નૃત્યાંગના. પિતાનું નામ રામલાલ અને માતાનું નામ એસ્થર શરમન (પાછળથી રાગિણીદેવી). વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં પશ્ચિમનાં ટોચનાં નર્તક-નર્તકીઓ નૃત્યકલાનો વ્યાપ વિસ્તારવા અને પૂર્વીય દેશોની પારંપરિક નૃત્યશૈલીઓમાંથી પ્રેરણા લેવા આવતાં હતાં. તેમાં એક અમેરિકી યુવતી હતી એસ્થર શરમન. ભૌતિકશાસ્ત્રી રામલાલ બજાજ સાથે લગ્ન કરી તેમણે ભારતીય સંગીતના અચ્છા જાણકારોનો પરિચય કેળવ્યો અને દેશવ્યાપી પ્રવાસ ખેડી ભારતીય કલાપરંપરા અને કલાકારોનો પરિચય કેળવ્યો. ‘ઍન ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન ડાન્સિંગ’ (1924) નામની પરિચય-પુસ્તિકા લખી દેશના અને વિદેશના નૃત્યરસિકોને ભારતીય નૃત્ય-પરંપરાનો પરિચય કરાવ્યો. આવી સંશોધક-પ્રવૃત્તિ ઉપરાંત નૃત્ય અને નાટ્યશૈલીઓના ગુરુઓ પાસેથી તેમણે તાલીમ લીધી. કથકલીના નાટ્યસ્વરૂપને પિછાણી તેની તાલીમ લઈ જાહેરમાં રજૂ કરનાર તેઓ પ્રથમ કલાકાર હતાં. આમ ભારતના નૃત્યના રાગ અને તાલથી તરબોળ થઈ ચૂકેલ એસ્થરે ‘રાગિણીદેવી’ જેવું ભારતીય નામ પસંદ કર્યું. દક્ષિણમાં તેમનું નૃત્ય-સંશોધન, શિક્ષણ અને રજૂઆતનું કાર્ય ચાલુ હતું તે દરમિયાન ચેન્નઈ પાસે તેમની પુત્રી ઇન્દ્રાણીનો જન્મ થયો. હજી ચાલતાં શીખે તે પહેલાં જ તેઓ નૃત્ય કરવા લાગ્યાં અને માતા પાસેથી પ્રારંભિક તાલીમ લઈ પાંચ વર્ષની વયથી રાગિણીદેવીની નૃત્યમંડળીમાં સામેલ થઈ કાર્યક્રમો આપવા લાગ્યાં.
માતાના પગલે ઇન્દ્રાણીએ તે સમયે અજ્ઞાત રહેલી શૈલીઓને અગ્રગણ્ય ગુરુઓ પાસેથી શીખી લઈ જાહેરમાં રજૂ કરી. ભરતનાટ્યમની વિશેષ તાલીમ તેમણે પંદરનલ્લુર ચોકલિંગમ્ પિલ્લૈ ઉપરાંત સિક્કિમ રામસ્વામી પિલ્લૈ તેમજ તાંજોર કીટ્ટપ્પા પિલ્લૈ પાસેથી મેળવી. મોહિનીઅટ્ટમ્ કેરળ કલામંડલમ્નાં ચિન્નમમ્મુ અમ્મા પાસેથી, કુચીપુડી કોરડા નરસિંહ રાવ પાસેથી અને છેવટે ઑડિસ્સી ગુરુદેવપ્રસાદ દાસ પાસેથી શીખ્યાં. આ ત્રણેય શૈલીઓને પ્રથમ વાર વિદેશી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનું શ્રેય પણ તેમને ફાળે જાય છે.
19 ફેબ્રુઆરી, 1958ના રોજ દિલ્હી ખાતે તેમના દ્વારા ઓડિસ્સી શૈલીનો ‘રંગપ્રવેશ’ થયો ત્યારે સુજ્ઞ પ્રેક્ષકો અને વિવેચકો ખૂબ પ્રભાવિત થયા હતા.
બાળપણથી માતા રાગિણીદેવી સાથે દેશ-વિદેશમાં નૃત્યપ્રવાસો ખેડનાર ઇન્દ્રાણીએ વિશ્વની ટોચની રાજકીય વ્યક્તિઓ સમક્ષ નૃત્ય પ્રસ્તુત કર્યું. તેમાં જૉન એફ. કૅનેડી, ચાઉ એન લાઈ, માઓ ત્સે તુંગ, રાણી એલિઝાબેથ-2, આઇઝનહોવર, ફિડેલ કાસ્ત્રો, ક્રુશ્ર્ચેવ, રાજા હેલ સિલાસી અને પં. નહેરુ જેવા અનેક મહાનુભાવોનો સમાવેશ થાય છે.
1960માં અમેરિકાના પૂર્વથી પશ્ચિમ સીમાડા સુધીનો નૃત્યપ્રવાસ ખેડ્યો અને ભારતીય નૃત્યોથી પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. નૃત્યના કાર્યક્રમો ઉપરાંત તેનું વિધિસર શિક્ષણ આપવાનું પણ તેમણે ચાલુ રાખ્યું હતું. અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં નૃત્ય-વિભાગમાં તેમણે ભારતીય નૃત્યોનું માર્ગદર્શન આપ્યું. અમેરિકાના સ્થપતિ હબીબ રહેમાન સાથે પરિચય થયા બાદ તેઓ તેમની સાથે લગ્ન-ગ્રંથિથી જોડાયાં અને તેથી અમેરિકા અને ભારતમાં તેમની નૃત્યપ્રવૃત્તિ જળવાઈ રહી હતી. 1972માં રાગિણીદેવીએ ભારતનો પ્રવાસ ખેડી તૈયાર કરેલ પુસ્તક ‘ડાન્સ ડાયલેક્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ પ્રસ્તુત કરવામાં તેમણે મદદ કરી. 29 સપ્ટેમ્બર 1979માં માતા, પોતે અને પુત્રી સુક્ધયાએ એકસાથે મંચ પર નૃત્યસંગીત રજૂ કરી પરંપરા અનુસાર ભારતીય નૃત્ય-કલાવારસાનું સાતત્ય જાળવી રાખ્યું. દેશ-વિદેશમાંથી તેમને નૃત્યક્ષેત્રના યોગદાન બદલ અનેક પુરસ્કારો મળ્યા. તેમાં ‘નાટ્યકલાભૂષણમ્’ (1950), ‘પદ્મશ્રી’ (1974), કેન્દ્રીય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ (1982), કોલંબિયા યુનિવર્સિટીની બર્નાર્ડ કૉલેજના સાઉથ એશિયન સ્ટડિઝ વિભાગ દ્વારા ‘તારકનાથ દાસ પુરસ્કાર’ (1992) મુખ્ય છે.
ન્યૂયૉર્ક શહેરના મેયર દ્વારા તેમને ‘કી ટુ ધ સિટી ઑવ્ ન્યૂયૉર્ક’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વળી ધી એશિયા સોસાયટી ઑવ્ ન્યૂયૉર્ક દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ તેમને મરણોત્તર એનાયત થયો હતો.
પ્રકૃતિ કાશ્યપ