રહી, ડૉ. સીંગમૅન [જ. 26 એપ્રિલ 1875, વ્હાનઘાઈ (Whanghae), કોરિયા; અ. 19 જુલાઈ 1965, હોનોલુલુ] : કોરિયાના રાજનીતિજ્ઞ અને રિપબ્લિક ઑવ્ કોરિયા(દક્ષિણ કોરિયા)ના પ્રથમ પ્રમુખ (1948-60). તેમણે પ્રારંભમાં પરંપરાગત અને પ્રશિષ્ટ શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ મેથડિસ્ટ સ્કૂલમાં દાખલ થયા જ્યાં અંગ્રેજી શીખ્યા. શિક્ષણના પ્રભાવે પ્રખર રાષ્ટ્રવાદી અને ખ્રિસ્તી બન્યા. 1896માં કોરિયાના સ્વાતંત્ર્યની ઝંખનાને વરેલા અન્ય કોરિયાઈ નેતાઓ સાથે ‘સ્વાતંત્ર્ય ક્લબ’ની રચના કરી.

1898માં કોરિયાનાં જમણેરી તત્ત્વોએ આ ક્લબનો નાશ કર્યો. તેમણે જાપાનીઓ વિરુદ્ધ પ્રદર્શનો યોજી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમની ધરપકડ થઈ અને જન્મટીપની સજા પામ્યા. 1904 સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા. ઍમ્નેસ્ટી સંસ્થાના પ્રયાસોથી તેમને જેલમુક્તિ મળતાં અમેરિકા ખાતે પ્રિન્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1910માં ડૉક્ટરેટની પદવી મેળવી. અમેરિકાની યુનિવર્સિટીની આવી ઊંચી પદવી મેળવનાર તેઓ પ્રથમ કોરિયાવાસી હતા. આ જ વર્ષે સ્વદેશ પાછા ફર્યા ત્યારે જાપાને કોરિયા પર આક્રમણ કર્યું હતું. આ વિદેશી શાસનને તેઓ સખ્તાઈથી વખોડતા. થોડો સમય કોરિયાના YMCA(‘યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન’)માં કામ કર્યું, પણ તેમને ત્યાં ગોઠ્યું નહિ અને 1912માં માધ્યમિક શાળાના આચાર્ય તરીકે અમેરિકા પહોંચ્યા.

આ પછીના ત્રણ દાયકા તેઓ કોરિયાની આઝાદીના પ્રવક્તા બન્યા. કોરિયાની સ્વતંત્રતા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની તેમની કોશિશો નાકામ રહી. 1919માં દેશ બહાર રચાયેલી નિર્વાસિત(Government-in-exile)કોરિયન સરકારના તેઓ પ્રમુખ ચૂંટાયા. 20 વર્ષ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. થોડાં વર્ષો વૉશિંગ્ટન ડી.સી.માં રહ્યા અને બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના મિત્ર દેશો પાસેથી કોરિયાના સ્વાતંત્ર્ય અંગે વચનો મેળવવા પ્રયાસો કરતા રહ્યા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં તેઓ કોરિયા પાછા ફર્યા. કોરિયાની સ્વતંત્રતાની અને એકીકરણની માંગ ઉગ્ર બનાવી અને તે માટે તેમણે જનસમૂહનું વ્યાપક સમર્થન ધરાવતાં રાજકીય સંગઠનો રચ્યાં. 1948માં દક્ષિણ કોરિયાને સ્વાતંત્ર્ય મળતાં તેઓ તેના પ્રથમ પ્રમુખ ચૂંટાયા. દક્ષિણ કોરિયાએ સમગ્ર કોરિયા પર શાસન કરવાનો દાવો કર્યો. આ સાથે પ્રમુખના હોદ્દા પર તેઓ ફરી 1952, 1956 અને 1960માં ચૂંટાયા. દરમિયાન 1950માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું. અમેરિકી દળો દક્ષિણ કોરિયાની મદદે આવ્યાં. ઘરઆંગણે ડૉ. સીંગમૅને નજીવો વિરોધ સહન કરીને લગભગ એકહથ્થું સત્તાઓ હાંસલ કરી. દેશની ધારાસભા નૅશનલ એસેમ્બલીમાંથી વિરોધી પ્રોગ્રેસિવ પાર્ટીને ખતમ કરી, સાફસૂફી કરી. આ પક્ષના નેતા પર દેશદ્રોહનો આરોપ મૂકી તેમની હત્યા કરાવી. નગરપતિઓ, સરપંચો અને પોલીસવડા જેવા મહત્ત્વના હોદ્દેદારોની નિમણૂકો પોતાના અંકુશમાં લીધી.

કોરિયન યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સંઘની અવગણના કરી, ઉત્તર કોરિયાના સામ્યવાદવિરોધી કેદીઓને મુક્ત કરવાના આદેશો આપી યુદ્ધવિરામની વાટાઘાટો સ્થગિત કરી દીધી. આથી ચોંકી ઊઠેલા સામ્યવાદીઓ સાથેની મંત્રણાઓ તૂટી પડી. ફરી મંત્રણાઓ બાદ યુદ્ધવિરામ કરી તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

દેશની અંદર પરિસ્થિતિ બગડતી જતી હતી. તેમના શાસન હેઠળ ભ્રષ્ટાચાર વકરવા માંડ્યો હતો. 1960માં તેઓ ચોથી વાર પ્રમુખ ચૂંટાયા ત્યારે દેશનાં ભ્રષ્ટાચાર અને દગાખોર ચૂંટણીઓને કારણે તેમની વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલનો શરૂ થઈ ચૂક્યાં હતાં. આ આંદોલનોમાં ભારે જાનહાનિ થતાં તેમના રાજીનામાની માંગે જોર પકડ્યું. આ માંગને નૅશનલ એસેમ્બલીની સર્વસંમતિ સાંપડી. આથી રહીએ 27 એપ્રિલ, 1960માં રાજીનામું આપ્યું અને હવાઈમાં આશ્રય લીધો.

રક્ષા મ. વ્યાસ