રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને જાબુઆ જિલ્લાની તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સરહદ આવેલી છે. આ જિલ્લો મધ્યપ્રદેશના ઉજ્જૈન વિભાગમાં છે. જિલ્લા-મથક જિલ્લાના દક્ષિણ ભાગમાં લગભગ મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાને બે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે : (1) પૂર્વ અને ઉત્તર તરફના રતલામ, જાવરા અને આલોત તાલુકાઓને આવરી લેતો માળવાનો ઉચ્ચપ્રદેશ. તે સીંદવાડા ઉચ્ચપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. (2) નૈર્ઋત્ય તરફ આવેલા સૈલાના તાલુકાને તેમજ રતલામ અને જાવરાના પૂર્વ ભાગોને આવરી લેતો પહાડી પ્રદેશ. માળવાનો ઉચ્ચપ્રદેશ ચંબલ, ક્ષિપ્રા અને માલેણી નદીઓથી છેદાયેલો છે. આ નદીઓએ 6થી 8 કિમી. પહોળાઈવાળી ખીણો બનાવેલી છે. જિલ્લાની દક્ષિણ તરફ રતલામ નગરથી નૈર્ઋત્યમાં જતાં આ ઉચ્ચપ્રદેશ ઊંચાઈમાં ક્રમશ: ઘટતો જઈને મહી નદીની ખીણમાં ભળી જાય છે. જિલ્લાના અગ્નિકોણમાં આશરે 540 મીટર ઊંચાઈવાળી બે ટેકરીઓ આવેલી છે. આ દક્ષિણ તરફની ટેકરીનો ઉત્તર ભાગ 600 મી. ઊંચાઈ ધરાવે છે. નૈર્ઋત્ય તરફ આવેલા સૈલાના તાલુકાનો દક્ષિણ અને પશ્ચિમ ભાગ પહાડી છે. પહાડી ભાગોની જમીનો પ્રમાણમાં હલકી કક્ષાની, રેતાળ અને પથરાળ છે, જ્યારે માળવાના ઉચ્ચપ્રદેશની જમીનો કાળી અને કસદાર છે. આ પહાડી વિસ્તારોમાં મોટેભાગે ભીલ વસ્તી જોવા મળે છે.
ચંબલ, ક્ષિપ્રા અને મહી અહીંની મુખ્ય નદીઓ છે. મહી અરબી સમુદ્રને અને બાકીની બીજી બધી નદીઓ બંગાળના ઉપસાગરને મળે છે. મહી નદી જાબુઆ, ધાર અને રતલામ જિલ્લાઓની સરહદ પાસે થઈને વહે છે. ક્ષિપ્રા અને માલેણી ચંબલને મળે છે.
ખેતી–પશુપાલન : માળવાનો ઉચ્ચપ્રદેશ કપાસની કાળી માટીની ફળદ્રૂપ જમીનો ધરાવે છે. જિલ્લામાં મુખ્યત્વે ખરીફ પાકો લેવાય છે. કપાસ અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે, આ ઉપરાંત ઘઉં અને મકાઈનું વાવેતર પણ થાય છે. જિલ્લાની આશરે 3,15,900 હેક્ટર ભૂમિ વાવેતર હેઠળ લેવામાં આવેલી છે. સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં નથી, માત્ર 16.3 % ભૂમિમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. જાવરા તાલુકાને વધુમાં વધુ અને સૈલાના તાલુકાને ઓછામાં ઓછી સિંચાઈ મળે છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં સુતરાઉ કાપડની મિલો આવેલી છે. અહીં જયંત વિટામિન્સ લિમિટેડ નામની એકમાત્ર દવા-ઉત્પાદક કંપની છે. તે વિટામિન સી તથા કેટલાંક ઔષધો અને રસાયણોનું ઉત્પાદન કરે છે. જિલ્લામાં સૂતરનું ઉત્પાદન પણ લેવાય છે. રતલામ શહેર જિલ્લાનું મુખ્ય વેપારી મથક છે. જિલ્લામાં ઉત્પન્ન થતી પેદાશોની પ્રક્રમણ પેદાશો અને અન્ય ચીજવસ્તુઓનો વેપાર થાય છે.
પરિવહન–પ્રવાસન : 1878થી રતલામ શહેર રેલમાર્ગની સગવડ ધરાવે છે. 1878માં શરૂ થયેલી ખંડવા-અજમેર તથા 1894માં શરૂ થયેલી મુંબઈ-દિલ્હી રેલવે રતલામમાંથી પસાર થાય છે. જિલ્લો સડકમાર્ગોથી સારી રીતે ગૂંથાયેલો છે. જિલ્લામાં કોઈ વિશિષ્ટ પ્રવાસી સ્થળો આવેલાં નથી. વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે તથા ધાર્મિક ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : 2002 મુજબ જિલ્લાની વસ્તી આશરે 12,14,536 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 67 % અને 33 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને જૈનોની વસ્તી વિશેષ તથા ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 35 % જેટલું છે. નગરો ઉપરાંત 70 % ગામડાંઓમાં શિક્ષણની મધ્યમસરની સગવડો છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જિલ્લામાં 4 કૉલેજો અને 5 વ્યાવસાયિક સંસ્થાઓ આવેલી છે. જિલ્લાનાં આશરે 9 % ગામડાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાની સગવડો ધરાવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકાઓમાં અને 6 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,077 (26 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1650માં જોધપુરના રાજા ઉદયસિંહના પૌત્ર રતનસિંહે રતલામ રાજ્યની સ્થાપના કરેલી. આ રાજ્યના સ્થાપક રતનસિંહના નામ પરથી ‘રતલામ’ નામ પડ્યું હોવાનું કહેવાય છે, પરંતુ નામ વિશેની આ માન્યતા યોગ્ય જણાતી નથી, કારણ કે અબુલ ફઝલે ‘આઈનેઅકબરી’માં રતલામના નામનો ઉલ્લેખ કરલો છે. રતનસિંહે રતલામને રાજધાનીનું સ્થળ બનાવેલું. 1650થી 1947 સુધી રતનસિંહના વંશવારસોએ અહીં શાસન કરેલું. તેના વંશવારસો પૈકી રાજા સજ્જનસિંહે 1893થી 1947 સુધીનાં 50થી વધુ વર્ષો માટે શાસન કરેલું.
આજનો રતલામ જિલ્લો જૂના દેવાસ (નાનું) રાજ્યના રતલામ, જાવરા, પિપલોદા, પાંથ પિપલોદા, સૈલાના અને રિંગનોડ તાલુકાઓને, જૂના ગ્વાલિયર રાજ્યના મંદસૌર તાલુકાનાં કેટલાંક ગામોને તથા દેવાસ (મોટું) રાજ્યના એક તાલુકાનાં કેટલાંક ગામોને ભેળવીને બનાવવામાં આવેલો છે.
રતલામ (શહેર) : ભૌગોલિક સ્થાન : 23° 19´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે. તે જિલ્લાનું મુખ્ય વિભાગીય મથક હોવા ઉપરાંત રેલજંક્શન છે, આ કારણે તે ઔદ્યોગિક અને વેપારી મથક પણ બની રહેલું છે. અહીંના વેપારમાં કપાસ, રેશમ, ખાંડ, તેલીબિયાં અને તેની પ્રક્રમણ-પેદાશો, હાથસાળનું કાપડ, માટીનાં પાત્રો, પેટી-પટારા, છત્રીઓ અને છીંકણીનો સમાવેશ થાય છે. અગાઉના વખતમાં તે દેશી રાજ્યની રાજધાનીનું મથક હતું. અહીંની ઐતિહાસિક ઇમારતોમાં મહારાજાનો મહેલ અને ધાર્મિક સ્થળોમાં ઘણાં જૈન મંદિરો આવેલાં છે. આ ઉપરાંત અહીં પ્રાણીસંગ્રહાલય, સંગીત અકાદમી અને વિક્રમ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો છે. રતલામની વસ્તી 1,95,752 (1991) જેટલી છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા