રતવેલિયો : દ્વિદળી વર્ગના વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lippia nodiflora Rich. syn. Phyla nodiflora (Linn) Greene (સં. જલપિપ્પલી, હિં. અને બં. ભૂઈ-ઓક્રા, મ. રતોલિયા, ગુ. રતવેલિયો, તે. બોકેનાકુ, બોક્કેના; ત. પોડુથાલાઈ, ક. નેલાહિપ્પાલી, મલ. કાટ્ટુ-થીપ્પાલી) છે. તે બહુશાખિત, ભૂપ્રસારી અને ગાંઠોએથી મૂળ ઉત્પન્ન કરતી શાકીય વનસ્પતિ છે અને નદીકિનારે તેમજ સિંચાઈની કેનાલોની ધાર ઉપર અને ભેજવાળાં સ્થાનોએ 900 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં બધે જ થાય છે. તેનું પ્રકાંડ રતાશ પડતું હોય છે. પર્ણો નાનાં, સાદાં, સંમુખ, અવૃંતપ્રાય (subsessile), પ્રતિઅંડાકાર (obovate) અને દંતુર (serrate) હોય છે. પર્ણાગ્ર તીક્ષ્ણ હોય છે. પુષ્પો નાનાં, સફેદ કે આછાં ગુલાબી હોય છે અને કક્ષીય મુંડક (head) સ્વરૂપે ઉદભવે છે. ફળ ગોળાકાર કે લંબગોળાકાર અને શુષ્ક હોય છે.

ઇજિપ્તમાં આ વનસ્પતિ લોન બનાવવામાં ઉપયોગી છે. શ્રીલંકામાં તેનાં પર્ણો ખાવામાં વપરાય છે. ફિલિપાઇન્સમાં તેનો આસવ ચા તરીકે લેવાય છે. તે શીતળ, મૂત્રલ (diuretic) અને જ્વરશામક (febrifuge) ગુણધર્મો ધરાવે છે. તે મળના અટકાવ અને ઢીંચણના સાંધાના દુખાવામાં ઉપયોગી છે. તાજી વનસ્પતિમાંથી બનાવેલો મલમ કે પોટીસ દાઝ્યા ઉપર, સૂજેલી ગ્રૈવ-ગ્રંથિઓ (cervical glands), વિસર્પ (erysipelas) અને દીર્ઘકાલીન મંદરોહી (indolent) ચાંદા ઉપર સપૂય (suppurant) તરીકે લગાડવામાં આવે છે. પર્ણોનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Escherichia coli સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

શુષ્ક વનસ્પતિમાંથી બે ગ્લુકોસીડિક રંજકદ્રવ્યો, નોડીફ્લોરિન-એ (C28H34O12) અને નોડીફ્લોરિન-બી (C27H34O14) અલગ પાડવામાં આવ્યાં છે. જલઅપઘટનથી નોડીફ્લોરિન-એમાંથી ગ્લુકોઝ અને નોડીફ્લોરિડિન-એ (C22H24O7) અને નોડીફ્લોરિન-બીમાંથી ગ્લુકોઝ અને નોડીફ્લોરિડિન-બી (C21H24O9) ઉત્પન્ન થાય છે. વનસ્પતિના જલીય નિષ્કર્ષમાંથી મુક્ત લૅક્ટોઝ, માલ્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ઝાયલોઝ પ્રાપ્ત થાય છે. વનસ્પતિમાં ગ્લુકોસાઇડ રહિત કડવો પદાર્થ, બાષ્પશીલ તેલ, રાળ અને વિપુલ પ્રમાણમાં પોટૅશિયમ નાઇટ્રેટ ધરાવે છે. વનસ્પતિની મૂત્રલ સક્રિયતા પોટૅશિયમ નાઇટ્રેટની હાજરીને કારણે હોઈ શકે.

આયુર્વેદ અનુસાર તે આંખના રોગો, પિત્ત-અતિસાર, શ્વાસ, તૃષા, વિષ-દાહ અને રક્તદોષને મટાડે છે. તે શીતળ હોવાથી પ્રમેહ અને પેશાબનાં દર્દોમાં અપાય છે. રતવા ઉપર કે માથું દુખતું હોય ત્યારે તેનો લેપ લગાડવામાં આવે છે.

 ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ