ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ
January, 2002
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ : ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા. તેનું મુખ્ય મથક પુણે વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિભાગમાં છે. દેશના જાણીતા ભૂગોળ-વિશારદ ડૉ. કે આર. દીક્ષિતની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ છે.
ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરતી આ સંસ્થાનાં ધ્યેયો તથા હેતુઓ : (1) બધા સ્તરે ભૂગોળના સંશોધનને પ્રોત્સાહન આપવું; (2) ભૂગોળને લગતાં સામયિકો, પત્રિકાઓ, સમાચાર-બુલેટિનો તથા અન્ય પ્રકારના સાહિત્યનું પ્રકાશન અને પ્રસારણ કરવું; (3) ભૂગોળનાં અધ્યયન તથા અધ્યાપનનું આયોજન કરવું અને ઉત્તેજન આપવું; (4) ભૂગોળ તથા તેના સંલગ્ન વિષયો પર ચર્ચાસભાઓ, પરિસંવાદો, સંમેલનો તથા અધિવેશનોનું આયોજન કરવું અને તે દ્વારા વિચારો તથા મંતવ્યોનું આદાનપ્રદાન કરવું; (5) સામાજિક અને જાહેર હિતને લગતી સમસ્યાઓના સંદર્ભમાં ભૌગોલિક સંશોધન હાથ ધરવું; (6) દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચાલતી ભૂગોળને લગતી પ્રવૃત્તિઓનું સંકલન તથા આયોજન કરવું; (7) ભૂગોળના મહત્ત્વ પ્રત્યે સમાજમાં સભાનતા કેળવવી.
સંસ્થાનું છમાસિક મુખપત્ર ‘Transactions’ 1978થી નિયમિત પ્રકાશિત થાય છે. ભૂગોળના તથા તેના સંલગ્ન વિષયોના વિદ્વાનોમાં તે લોકપ્રિય બન્યું છે. દેશનાં જુદાં જુદાં સ્થળે સંસ્થાનાં વાર્ષિક અધિવેશનો થતાં રહે છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે