અંડકોષમોચન (ovulation) : અંડગ્રંથિમાંથી અંડકોષનું છૂટા પડવું. ફલનકાળ(child-bearing age)માં સામાન્યત: દર ઋતુસ્રાવચક્રમાં એક અંડકોષ પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત થાય છે. અંડનળીની તાંત્વિકાઓ (fimbria) તનુતંતુતરંગ અથવા કશાતરંગ (ciliary current) વડે અંડકોષનો અંડનળીમાં પ્રવેશ કરાવે છે. શુક્રકોષના સંગમથી અંડનળીમાં અંડકોષ ફલિત થાય છે.
અંત:સ્રાવોની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા અને તેની અંતર્દીવાલના કોષો વૃદ્ધિ પામે છે. તથા તેમાં વધુ ને વધુ પ્રવાહી એકઠું થાય છે. તે અંડગ્રંથિના બહિ:સ્તર (cortex) તરફ ધકેલાય છે અને તેની સપાટી ઉપર ઊપસી આવે છે. પુટિકામાંના પ્રવાહીનું દબાણ પુટિકાને ફોડી નાખે છે અને વિસ્તૃત પડના કોષો સાથે અંડકોષ પેટમાંની પરિતનગુહામાં છૂટો પડે છે. પ્લાઝ્મા અંડગ્રંથિમાં પડેલા છિદ્રને પૂરી દે છે. ફૂટી ગયેલી પુટિકાની દીવાલમાં ગડીઓ પડે છે અને સામસામે એકબીજીને અડકે છે. આ પીળા રંગની પેશીને હવે પીતપિંડ (corpus luteum) કહે છે. તે પ્રોજેસ્ટેરોન નામનો અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે. અંડકોષ ફલિત ન થાય તો પીતપિંડ કરમાય છે અને અંડમોચન પછી બરાબર 14મે દિવસે અંત:સ્રાવની સપાટીમાં થતા ભરાવાને લઈને ઋતુસ્રાવ થાય છે. અંડમોચન, આમ બે ઋતુસ્રાવની લગભગ વચ્ચે થાય છે અને તે સમયે ક્યારેક સ્ત્રીને રુધિરડાઘ કે થોડી પીડા થાય છે, જેને અંતરાર્તવ-પીડ (Mittelschmerz) કહે છે. યોનિની અધિત્વચા (vaginal epithelium) ગર્ભાશયગ્રીવાની સફેદી અથવા શ્લેષ્મ (cervical mucus), પેશાબમાં પ્રેગ્નૅન્ડિયૉલનું પ્રમાણ જાણવાથી તથા અલ્ટ્રાસોનોગ્રાફી પ્રયોજીને અંડકોષમોચનનો સમય નક્કી કરાય છે. અંડકોષમોચનના સમયે શરીરના તાપમાનમાં એકદમ ઘટાડો અને પછી તરત વધારો થાય છે. બે કે ત્રણ ઋતુસ્રાવચક્રોમાં દૈનિક તાપમાન લેવાથી અંડકોષમોચનનો સમય નિશ્ચિત કરી શકાય છે. તેની પહેલાંના 24 કલાક અને તે પછીના 48 કલાકમાં ફલીકરણની ઘણી શક્યતા રહેલી છે. ગર્ભનિરોધક ગોળીઓ અંડકોષમોચન અટકાવીને ગર્ભધારણ થતું અટકાવે છે.
પ્રકાશ પાઠક
શિલીન નં. શુક્લ
અનુ. હરિત દેરાસરી