ઇન કૅમેરા (નો એક્ઝિટ) (1940) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ અસ્તિત્વવાદી સાહિત્યકાર જ્યૉં પૉલ સાર્ત્રનું ઍબ્સર્ડ પ્રકારનું નાટક. માનવી પોતાના જીવનનું નિયંત્રણ અને સંચાલન કરી શકતો નથી, કોઈ અર્દશ્ય શક્તિ કઠપૂતળીની જેમ તેને દોરી ખેંચીને નચાવ્યા કરે છે. માણસની એ લાચારીનું આ નાટકમાં નિરૂપણ કર્યું છે. એમાં લેખકે નરકાગારનું સ્થળ નાટ્યપ્રયોગ માટે પસંદ કર્યું છે. એ સ્થળે જેમને લાવવામાં આવે છે તેમને માટે પાછા જવાના દરવાજા બંધ થયેલા રહે છે. એ બારણાં કોઈને અંદર ધકેલવાનો હોય ત્યારે જ ઊઘડે છે. અંગ્રેજી અનુવાદના શીર્ષક ‘નો એક્ઝિટ’માં તેનો જ સંકેત મળે છે. ત્યાં જનાર વ્યક્તિ પોતાની જાતને જોઈ ન શકે તે માટે આ સ્થળે અરીસા રાખવામાં આવ્યા નથી. ત્યાં લાવવામાં આવતાં પાત્રો શરૂઆતમાં આ વાતાવરણથી અકળાઈ જાય છે અને પોતાની અકળામણ એકબીજા જોડે ઝઘડીને વ્યક્ત કરે છે; પરંતુ ઝઘડવાથી કે કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી છુટકારો મળવાનો નથી એ માનવજીવનની મોટામાં મોટી કરુણતા એમાં દર્શાવાઈ છે. વિશ્વની અનેક ભાષામાં આ નાટકના અનુવાદો થયા છે. ગુજરાતીમાં એનો અનુવાદ ચંદ્રવદન મહેતાએ ‘કરોળિયાનું જાળું’ – એ નામથી કર્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા