આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ

January, 2002

આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (International Film Festival) : વિવિધ દેશોમાં પ્રતિવર્ષ ઉત્તમ ચલચિત્રોની મુલવણીના હેતુથી પ્રયોજાતો ચલચિત્ર મહોત્સવ. ચલચિત્રની શોધ થઈ તે જ વર્ષે, એટલે કે 1896માં તેના મૂળ શોધકો ફ્રાન્સના લુમિયેર બંધુઓએ ભારતમાં મુંબઈમાં તેમનાં ટૂંકાં દૃશ્યો પ્રદર્શિત કર્યાં. થોડાં જ વર્ષોમાં ભારત વિશ્વનો ટોચનો ચલચિત્રનિર્માતા દેશ બન્યો. વિશ્વના પશ્ચિમ છેડે લૉસ એંજિલિસમાં હૉલિવૂડ બીજું મોટું નિર્માણકેન્દ્ર બન્યું. જોતજોતાંમાં વિશ્વના મોટાભાગના દેશોમાં ચલચિત્ર છવાઈ ગયું. ઉદ્યોગ, મનોરંજન, માહિતી, વિજ્ઞાપન – એમ અનેક સંદર્ભોમાં તેનું મહત્ત્વ – તેનો મહિમા સ્વીકારાતો રહ્યો. કલાકારો – સર્જકોને તેમની કલા આ નવતર માધ્યમમાં વ્યક્ત કરી જોવાનો પડકાર મળ્યો. આ સાથે આદાનપ્રદાનની ભાવના પણ સક્રિય બની. આવાં પરિબળોએ નોંધપાત્ર ચલચિત્રો મહત્ત્વના નગરમાં એકસાથે પ્રસ્તુત કરવાની પ્રેરણા આપી. તેમાંથી આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવનો ઉદભવ થયો.

મહોત્સવનું આયોજન જે તે દેશની સરકાર અથવા નગરપાલિકા કરે છે. ભારતમાં આ માટે કેન્દ્રસરકારમાં વિશેષ ચલચિત્ર મહોત્સવ નિર્દેશાલય(Directorate of Film Festivals)ની રચના કરવામાં આવી છે. ચલચિત્ર તથા બીજા ઉદ્યોગો, સેવાસંસ્થાઓ, પ્રયોગશીલ કલા-વર્તુળો અને વ્યક્તિગત નિર્માતાઓ એના આયોજનમાં સહકાર આપે છે. આવા મહોત્સવ સિને નિર્માતા, સિને વિતરક, સિને વિવેચક ઉપરાંત આ ક્ષેત્રમાં રસ ધરાવતા અન્ય લોકોને વિશિષ્ટ ચલચિત્રો નીરખવાનો, તદનુષંગે વિચારોની આપલે કરવાનો, નવી ટૅકનિકોની માહિતી મેળવવાનો, ચિત્રની કલાનાં વહેણ સમજવાનો – એમ બહુવિધ લાભ પ્રાપ્ત કરવાનો અવસર પૂરો પાડે છે. વેપારી રાહે ક્રયવિક્રય પણ થાય છે. વિતરકો ધંધાકીય દૃષ્ટિએ લાભકારી ચિત્રો પ્રદર્શન – હેતુથી ખરીદે છે.

પ્રથમ મહોત્સવ 1932માં ઇટાલીના વેનિસમાં યોજાયો. સમય જતાં, વિશ્વના પ્રમુખ ચિત્ર-ઉત્પાદક દેશો નિયમિત રીતે વાર્ષિક ચલચિત્ર મહોત્સવ યોજતા થયા. મહાયુદ્ધ પછીનાં વર્ષોમાં ચલચિત્ર-મહોત્સવોએ ઘણા દેશોમાં ચિત્રઉદ્યોગના વિકાસને ઉત્તેજન પૂરું પાડ્યું. 1948માં કાન (ફ્રાંસ) અને વેનિસ(ઇટાલી)ના મહોત્સવમાં ‘બાઇસિકલ થીફ’ જેવા ચિત્રને મળેલી પ્રતિષ્ઠાએ ઇટાલીના ચિત્રઉદ્યોગને નવજીવન આપ્યું. 1951માં આકિરા કુરોસાવાના ‘રાશોમોન’ને વેનિસમાં પ્રથમ પુરસ્કાર મળતાં જાપાની ચિત્રો ધ્યાન ખેંચતાં થયાં. યુકિવારિસુ અને સાત સમુરાઈએ આ ચીલો પાકો કર્યો. આ જ વર્ષે અમેરિકામાં વૂડ સ્ટૉકમાં પ્રથમ અમેરિકી કલાચિત્ર મહોત્સવ યોજાયો. તેણે કલાચિત્રોમાં રુચિ જગાડી અને તેમના નિર્માણને વેગ આપ્યો. વેનિસ મહોત્સવમાં 1955માં બે યુવાન ડેનિશ દસ્તાવેજી ચિત્રનિર્માતાઓ સર્વોચ્ચ પારિતોષિકો જીત્યા, તેથી સ્કૅન્ડિનેવિયાઈ ચલચિત્રને વિશ્વફલક પર સ્થાન મળ્યું. પ્રથમ પારિતોષિક એ જ દેશના કાર્લ ડ્રેયરને તેના ‘ઑર્ડેટ’ (= શબ્દ) માટે મળ્યું.

1952માં ભારતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ મુંબઈ, કૉલકાતા અને ચેન્નાઈમાં યોજ્યા. 1974થી ભારત સહિત ઘણા દેશો પ્રતિવર્ષ સેંકડો મહોત્સવો યોજે છે. આમાં ફ્રાન્સનો કાન મહોત્સવ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. 1947થી આ નાના પર્યટનસ્થળે વસંતઋતુમાં વિશ્વભરના ચિત્રરસિકો એકત્ર થાય છે. આ ઉપરાંત, નાનામોટા સત્તાવાર-બિનસત્તાવાર ઉત્સવો યોજાતા રહે છે. ચેક ગણતંત્રમાં કાર્લોવી વેરીનો મહોત્સવ પણ પ્રતિષ્ઠાવાળો ગણાય છે. દિલ્હી, ન્યૂયૉર્ક, બર્લિન, મૉસ્કો, લંડન, વેનિસ, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો અને સાન સેબાસ્ટિયન બીજાં મહત્ત્વનાં મહોત્સવસ્થાનો છે. જર્મનીના ઓબરહાઉસન અને મેનહાઇન તથા ફ્રાન્સના તૂર્સ અને બ્રિટનના ઍડિનબરોમાં દસ્તાવેજી તથા વિશેષ વિષયોનાં ટૂંકાં ચિત્રોના મહોત્સવો યોજાય છે. અગ્નિ એશિયા ચલચિત્ર મહોત્સવમાં એશિયાનાં નોંધપાત્ર ચિત્રો પ્રદર્શિત કરાય છે. વિશિષ્ટ તથા મર્યાદિત વિષયનાં ચિત્રોના ઉત્સવો પણ યોજાય છે. કાનના શ્રેષ્ઠતાના પારિતોષિકને ‘‘પામ દ’ ઓર’’ અને વેનિસના પારિતોષિકો ‘ગોલ્ડન લાયન’ કહે છે. અમેરિકન મોશન પિક્ચર એકૅડેમીનાં પારિતોષિકોને ‘એકૅડેમી ઍવૉર્ડ’ અથવા ‘ઓસ્કર’ કહે છે. બ્રિટિશ એકૅડેમીનાં પારિતોષિકોને ‘બાફટા ઍવૉર્ડ’ કહે છે :

નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય ચલચિત્રોત્સવો

ઇંડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ભારત
ઍન્ટવર્પ, બેલ્જિયમ
ઑસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ઑસ્ટ્રેલિયા
કાન, ફ્રાન્સ *
કૅરો (કાયરો), ઇજિપ્ત
કાર્તાજિના, કોલમ્બિયા
કાર્લોવી વેરી, ચેક ગણતંત્ર *
કેમ્બ્રિજ, બ્રિટન
કૉર્ક, આયર્લૅન્ડ *
ક્રકાઉ (ટૂંકાં ચિત્રો), પોલૅન્ડ *
ગોટનબર્ગ, સ્વીડન
જેરૂસલેમ, ઇઝરાયલ
ઝાગ્રેબ, ક્રોએશિયા *
ટેસાલોનિકી, ગ્રીસ
ટોકિયો, જાપાન
ટોરૉન્ટો, કૅનેડા
ટ્રિયેસ્ટી સાયન્સ ફિક્શન ફેસ્ટિવલ, ઇટાલી
ડબલિન, આયર્લૅન્ડ
તાઈપેઈ, તાઇવાન
દ્યાન્સ્ક, પોલૅન્ડ
ન્યૂયૉર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ*
ન્યોન (દસ્તાવેજી), સ્વિટ્ઝર્લૅન્ડ*
પૅરિસ, ફ્રાન્સ
ફિલ્મફેસ્ટ, વૉશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ
ફેસ્ટિવલ દેઇ પોપોલી, ફ્લૉરેન્સ, ઇટાલી
બર્લિન, જર્મની *
બાર્સિલોના, સ્પેન
બેલ્ગ્રેડ, યુગોસ્લાવિયા
બેલ્જિયન ફિલ્મફેસ્ટિવલ, બ્રસેલ્સ, બેલ્જિયમ
બૉસ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ
માડ્રિડ (ઇમેગફિક), સ્પેન
માયામી, યુનાઇટેડ સ્ટેટ્સ
માલ્મો, સ્વીડન
મેલ્બૉર્ન, ઑસ્ટ્રેલિયા
મૉસ્કો, રશિયા
મૉંટે કાર્લો ફિલ્મ ફેસ્ટિવલ, મૉનેકો
મૉંટ્રિયલ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ, કૅનેડા
મ્યૂનિક, જર્મની
રિયો-ડિ-જાનેરો, બ્રાઝિલ
રુઆં, ફ્રાન્સ
રૉટરડેમ ફિલ્મ ઇન્ટરનેશનલ, નેધરલૅન્ડ્ઝ
લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ *
વાનકુવર, કૅનેડા
વાર્ના, બલ્ગેરિયા
વિમેન ઇન ફિલ્મ, લૉસ ઍન્જલસ, યુનાઇટેડ સ્ટેટ્સ
વિયેનેલ, ઑસ્ટ્રિયા
વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ, ઇટાલી
વેલિંગ્ટન, ન્યૂઝીલૅન્ડ
શિકાગો, યુનાઇટેડ સ્ટેટ્સ
સાઓ પાઉલો, બ્રાઝિલ
સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ, યુનાઇટેડ સ્ટેટ્સ *
સાન રેમો, ઇટાલી
સાન સેબાસ્ટિયન, સ્પેન *
સિનેટેક્સ, લાસ વેગાસ, યુનાઇટેડ સ્ટેટ્સ
સિયેટલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, યુનાઇટેડ સ્ટેટ્સ
સિડની, ઑસ્ટ્રેલિયા *
સ્ટ્રાસબુર્ગ, ફ્રાન્સ
હવાઈ, હોનોલુલુ, હવાઈ, યુનાઇટેડ સ્ટેટ્સ
* આવી નિશાની આંતરરાષ્ટ્રીય ચલચિત્ર નિર્માતાઓનાં મંડળોના મહાસંઘે માન્ય કરેલા ચિત્રમહોત્સવનું સૂચન કરે છે.

સારણી : આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં તથા અન્યથા પરદેશોમાં
પ્રસ્તુત થયેલાં નોંધપાત્ર ભારતીય ચલચિત્રો

ચલચિત્રનું નામ વર્ષ સ્થળ મહત્ત્વ
અમરજ્યોતિ 1936 વેનિસ પ્રસ્તુતિ
સંત તુકારામ 1937 વેનિસ પ્રસ્તુતિ
દુનિયા ના માને 1938 વેનિસ પ્રસ્તુતિ
રાજનર્તકી 1943 ન્યૂયૉર્ક પ્રસ્તુતિ
શકુંતલા 1943 ન્યૂયૉર્ક પ્રસ્તુતિ
દો બીઘા જમીન 1952 કાન પ્રસ્તુતિ
દો બીઘા જમીન 1952 કાર્લોવીવેરી વિશેષ પુરસ્કાર
આવારા 1954 રશિયા સામાન્ય પ્રસ્તુતિ
મુન્ના 1955 ઍડિનબરો પ્રસ્તુતિ
પથેર પાંચાલી 1955 ન્યૂયૉર્ક પ્રસ્તુતિ
વિશેષ ચિત્રો 1955 લંડન, બેજિંગ પ્રસ્તુતિ
વિશેષ ચિત્રો 1956 ઍડિનબરો,

કાર્લોવીવેરી

 

પ્રસ્તુતિ

જાગતે રહો 1957 કાર્લોવીવેરી પ્રથમ પુરસ્કાર
અપરાજિતા 1957 વેનિસ પ્રથમ પુરસ્કાર
કાબુલીવાલા 1957 બર્લિન નોંધપાત્ર સંગીત
દસ્તાવેજી ચિત્રો 1958 મુંબઈ વિશેષ મહોત્સવ
દો આંખેં બારહ હાથ 1959 ન્યૂયૉર્ક પ્રસ્તુતિ
વિશેષ ચિત્રો 1961 દિલ્હી વિશેષ મહોત્સવ
કંકુ (ગુજરાતી) 1970 ઑસ્ટ્રેલિયા, જર્મની, પોલૅન્ડ, ફ્રાન્સ  

પ્રસ્તુતિ

ગાંધી 1982 ઓસ્કાર અનેક પારિતોષિકો
મિર્ચમસાલા 1985 હવાઈ શ્રેષ્ઠ ચિત્ર
ન્યૂ દિલ્હી ટાઇમ્સ 1986 ચેકોસ્લોવૅકિયા બ્રિસિલ પુરસ્કાર
ગૌતમ ઘોષ 1988 તાશ્કંદ ગોલ્ડન સિમુર્ગ
(દિગ્દર્શન) પુરસ્કાર
મરણ સિંહાસન 1989 કાન ગોલ્ડન કૅમેરા
(પ્રથમ પ્રવેશ)
મૉન્સૂન વેડિંગ 2001 ચેકગણતંત્ર
લગાન (હિંદી) 2001 ઓસ્કાર
શ્વાસ (મરાઠી) 2004 ઓસ્કાર અંગ્રેજી સિવાયના
વર્ગ માટે નામાંકન

બંસીધર શુક્લ