જિપ્સોફાઇલા

January, 2012

જિપ્સોફાઇલા : વનસ્પતિશાસ્ત્રમાં એક જાણીતો પુષ્પછોડ. લૅ. Gypsophila elegans. કુળ : Caryophyllaceae. સહસભ્યો : ડાયન્થસ, કાર્નેશન, સ્વીટ વિલિયમ વગેરે. અંગ્રેજી નામ : બેબીઝ બ્રેથ; ચૉક પ્લાન્ટ.

40થી 45 સેમી. ઊંચાઈવાળા આ છોડ ગુજરાતની આબોહવામાં શિયાળુ મોસમી ફૂલછોડ તરીકે ઉછેરવામાં આવે છે. ફૂલ નાનાં નાનાં ઝૂમખાંમાં સફેદ અથવા ગુલાબી રંગનાં આવે છે. ગુચ્છામાં અથવા કટ-ફ્લાવર તરીકે એ વપરાય છે. ઊંચાઈનાં સ્થળોએ આ ફૂલ વધારે સારાં થાય છે. છોડનાં બી જે તે જગ્યાએ રોપવાં હિતાવહ છે કારણ કે એ ફેરરોપણી (transplanting) બહુ સહન કરી શકતાં નથી. જરૂર પડ્યે પાછળથી થોડા છોડ કાઢી લેવાય (thinning).

આમાં G. paniculata જાત એ બહુવાર્ષિક જાત છે, પરંતુ એ પણ મોટે ભાગે મોસમી ફૂલછોડ તરીકે જ ઉછેરાય છે.

બેઉ જાતોને બેડિંગ તરીકે અથવા કૂંડાના છોડ તરીકે ઉછેરી શકાય છે.

મ. ઝ. શાહ