આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-1955

January, 2002

આવશ્યક ચીજવસ્તુઓનો ધારો, 1955 : આવશ્યક ચીજવસ્તુઓના નિયંત્રણ માટેનો કાયદો. ભારતીય બંધારણમાં આ ધારો ઘડવાની સત્તા સમવર્તી સૂચિ(concurrent list)માં હોવાથી સંસદ અને રાજ્ય ધારાગૃહ બંને આ ધારો ઘડી શકે. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો 1955માં સંસદે ઘડેલો છે અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં તે અમલી છે. (ઍક્ટ નં. 25, 1968)

આવશ્યક ચીજવસ્તુઓ એટલે ઘાસચારો (ખોળ તથા જ્વલનશીલ સ્વરૂપના પદાર્થ-પ્રવાહી સાથે), કોલસો, મોટરગાડીના ભાગો તથા તેમાં વપરાતી વધારાની ઉપયોગી વસ્તુઓ, સુતરાઉ તથા ઊનના વણાટનું કાપડ, ઔષધ, ખોરાકની ચીજ (ખાદ્ય તેલનાં બી તથા તેલ), લોખંડ-પોલાદ તથા તેમાંથી બનતો પાકો માલ, કાગળ, (વર્તમાનપત્ર, પેપરબૉર્ડ અને પૂઠાનો જાડો કાગળ), પેટ્રોલિયમ અને તેની નીપજ, કપાસ અને કપાસિયું તેલ, કાચું શણ. આ ઉપરાંત કેન્દ્ર સરકાર બીજા પ્રકારની ચીજવસ્તુઓને આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરી શકે છે. (કલમ 2)

આવશ્યક ચીજવસ્તુ અંગે કેન્દ્ર સરકારની સત્તા : આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો ઘટવા ન દેવા, વધારવા અથવા તેની ન્યાયી વહેંચણી થાય તેમજ વાજબી ભાવે મળી શકે તે હેતુસર અથવા આવશ્યક ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ દેશના રક્ષણનું કાર્ય થઈ શકે ને અસરકારક રીતે લશ્કરીકાર્ય થઈ શકે તે માટે કેન્દ્ર સરકારને જરૂરી કે સલાહભર્યું લાગે તો આવશ્યક ચીજવસ્તુનાં વેપાર, વહેંચણી અને ઉત્પાદન પર નિયમન કે પ્રતિબંધ તે ફરમાવી શકે. કલમ 3(1)

ઉપરની કલમ 3(1)ની વિશાળ સત્તાને નુકસાન પહોંચાડ્યા સિવાય કલમ 3(2) સરકારને નીચેની સત્તા આપે છે :

(એ) લાઇસન્સ, પરમિટ કે બીજી કોઈ રીતે આવશ્યક ચીજવસ્તુના ઉત્પાદનનું નિયંત્રણ કરવું.

(બી) ખરાબાની જમીન કે ખેડી શકાય તેવી જમીનને ખેતીલાયક કરી પાક ઉગાડવા.

(સી) આવશ્યક ચીજવસ્તુનો ખરીદ-વેચાણનો ભાવ નક્કી કરવો.

(ડી) આવશ્યક ચીજવસ્તુનાં સંગ્રહ, પરિવહન, વહેંચણી, નિકાલ, પ્રાપ્તિ, ઉપયોગ તથા ઉપભોગ સંબંધે નિયંત્રણ કરવું.

(ઈ) સામાન્ય રીતે વેચાણ થતું હોય તેવી આવશ્યક ચીજવસ્તુનું વેચાણ અટકે નહિ તેમ કરવું.

(એફ) આવશ્યક ચીજવસ્તુના સંગ્રહ કરનારને, ઉત્પાદન કરનારને કે તેની લે-વેચના ધંધામાં પડેલાને પોતાનો માલ કેન્દ્ર કે રાજ્ય સરકારને કે તેમના અધિકારીને કે કોઈ સરકારી અંકુશ હેઠળ કે સરકારી માલિકી ધરાવતા કૉર્પોરેશનને કે કોઈ વ્યક્તિને કેવા સંજોગોમાં વેચવો તે ફરમાવવું.

(જી) સક્ષમ અધિકારીને લાગે કે (1) ખાદ્ય વસ્તુ કે કાપડને લગતા આર્થિક કે વ્યાપારિક વ્યવહાર જાહેર હિતની વિરુદ્ધના છે અથવા (2) આ પ્રકારના વ્યવહાર અનિયંત્રિત રહે અને જાહેર હિત જોખમાય તો તે પ્રકારના વ્યવહારનો નિષેધ કે નિયંત્રણ કરવું.

(એચ) ઉપર્યુક્ત બાબતે નિયંત્રણ કે નિષેધ કરવા માટે આંકડા કે માહિતી મેળવવી.

(આઈ) આવશ્યક ચીજવસ્તુનાં ઉત્પાદન, પુરવઠા, વહેંચણી કે વેપારરોજગારમાં રોકાયેલી વ્યક્તિને હિસાબ-ચોપડા કે રેકર્ડ રાખવા તથા તપાસ માટે રજૂ કરવા જણાવવું અને બીજી જરૂરી માહિતી માગવી. ફીથી પરમિટ-લાઇસન્સ આપવા તથા લાઇસન્સ પરમિટની શરત પ્રમાણે વ્યવહાર કરાવવા માટે ‘ડિપૉઝિટ’ જમા કરાવવી અને શરતનો ભંગ થાય તો ‘ડિપૉઝિટ-રકમ’ જપ્ત કરવી અને તેનો નિકાલ લાવવા મુકરર અધિકારીને સત્તા આપવી.

ઉપરની કલમ 3 પ્રમાણેનું કોઈ પણ ફરમાન કેન્દ્રીય સરકારને, રાજ્ય સરકારને કે તેમના અધિકારીઓને સત્તા આપી શકે કે તેઓના ઉપર ફરજ લાદી શકે તેમજ તે ફરમાન રાજ્ય સરકાર કે રાજ્યના અધિકારીઓ તેમની ફરજ કે સત્તા કેવી રીતે વાપરશે તે પણ જણાવી શકે. (કલમ 4)

કલમ 3 અન્વયે બહાર પાડેલ કોઈ પણ ફરમાન અસરકારક રહેશે પછી ભલેને તે બીજા કોઈ કાયદાના પ્રબંધ સાથે સુસંગત ન પણ હોય. (કલમ 6)

કલમ 6અ, 6બ અને 6ક આવશ્યક ચીજવસ્તુની જપ્તી, શો-કૉઝ નોટિસ તથા અપીલ અંગેની કાર્યવાહી વર્ણવે છે.

કલમ-7 સજા : (1) (અ) : (i) કલમ 3(2) (એચ) તથા (આઇ) અન્વયે બહાર પાડેલ હુકમભંગ બદલ એક વર્ષની સજા તથા દંડ, અને (ii) અન્ય હુકમના ભંગ માટે ત્રણ માસથી ઓછી નહિ અને જે વધુમાં વધુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા તથા દંડ. (બ) સંબંધિત મિલકત જપ્ત કરવી.

કલમ 3 નીચેના હુકમનો ભંગ કંપનીએ કરેલો હોય તો તે માટે કંપની તથા તેના જવાબદાર વહીવટદાર સજાપાત્ર ગણાશે. પરંતુ કંપનીના વહીવટદાર સાબિત કરે કે હુકમનો ભંગ તેમની જાણ બહાર થયેલ અથવા તેઓએ હુકમનો ભંગ ન થાય તે માટે જરૂરી ચોકસાઈ દાખવેલી હતી તો તેઓને સજા ન થાય.

હર્ષેન્દુ પાઠક