ગાલ્ફિમિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મૅલ્પિથિયેસી કુળની એક પ્રજાતિ. તે મોટી શાકીય, ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે મળી આવતી જાતિઓની બનેલી છે; અને દુનિયામાં તેની 26 જાતિઓ મળી આવે છે; તે પૈકી 22 જાતિઓ મેક્સિકોમાં થાય છે. Galphimia angustifolia ટૅક્સાસ સુધી, G. Speciosa નિકારાગુઆ અને ચાર જાતિઓ દક્ષિણ અમેરિકામાં ઍમેઝોનના જલગ્રહણક્ષેત્ર(basin)ની દક્ષિણે થાય છે. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં થતી આઠ જાતિઓનાં દલપત્રો ર્દઢ અને કાગળ જેવાં હોય છે અને ફળ-પરિપક્વન પછી પણ તેઓ ફળ સાથે ચોંટેલાં રહે છે.
પીળો ગાલો (અં. કૅનેરી બુશ) તરીકે ગુજરાતીમાં જાણીતી જાતિ લગભગ 1.0 મી. ઊંચી હોય છે. તેનાં પર્ણો સાદાં, ઊભાં, લાંબાં અને ચળકતાં હોય છે. પુષ્પો પીળાં હોય છે અને શૂકી (spike) સ્વરૂપે ટોચ ઉપર આવેલાં હોય છે. પુષ્પોના વિરોધી રંગો લાવવા માટે તેનો ઉછેર કરવામાં આવે છે. તેને બગીચાની ધારે સહેલાઈથી વાવી શકાય છે. તેના ઉછેર માટે નજીવી સંભાળ રાખવી પડે છે.
ગાલ્ફિમિયાને મૅલ્પિગિયેસી કુળની થાયરેલિસ પ્રજાતિ સાથે ઘણી વાર ગૂંચવવામાં આવે છે. થાયરેલિસ બ્રાઝિલ, પૅરેગ્વે અને બોલિવિયામાં થાય છે. હાલમાં ગાલ્ફિમિયા પ્રજાતિ હેઠળ મૂકવામાં આવેલી કેટલીક જાતિઓ એક સમયે થાયરેલિસની જાતિઓ ગણાતી હતી. થાયરેલિસ પ્રજાતિ વાનસ્પતિક અંગો પર આવેલા તારાકાર રોમ અને શલ્કો (scales) દ્વારા તથા લંબાઈ કરતાં વધારે પહોળા દલપત્રના ઉપાંગ (limb) દ્વારા ગાલ્ફિમિયા કરતાં જુદી પાડી શકાય છે.
G. angustifolia, G. brasiliensis, G. glauca, G. gracilis અને G. speciosa વગેરે ગાલ્ફમિયાની જાણીતી જાતિઓ છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ