ખ્વાજા, મહમૂદ ગાવાન (જ. 1411, અ. 1481) : ફારસી કવિ અને લેખક. મુહમ્મદ ગીલાની ઉર્ફે મહમૂદ ગાવાન. પિતા ઇમાદુદ્દીન મહમૂદ. તેમના પૂર્વજો ગીલાન રાજ્યમાં મંત્રીપદ પર હતા. ખ્વાજા મહમૂદ ગાવાન ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનક્ષેત્રમાં પણ પ્રવીણ હતા. યુવાનીમાં રાજકીય સ્પર્ધાને કારણે કેટલાક દ્વેષીઓના કાવતરાને લીધે ગીલાન છોડવાની ફરજ પડેલી. તેમણે વ્યાપારનો વ્યવસાય લીધો પણ ધનપ્રાપ્તિ તેમના માટે એક ગૌણ વસ્તુ હતી. વિદ્યા અને સાહિત્યના પ્રેમને લીધે તેમને ઇસ્લામી સંસ્કૃતિનાં વિવિધ કેન્દ્રોના વિદ્વાનો, સૂફીઓ અને સંતોના સહવાસનો વધારેમાં વધારે લાભ મેળવવાની ઇચ્છા થઈ. તે માટે ખ્વાજા મહમૂદ ઇરાક, ખુરાશન, ઇજિપ્ત અને છેલ્લે ભારત પણ આવ્યા હતા. ભારતની મુસાફરીનું ધ્યેય શાહ મુજીબુલ્લા અને ભારતના બીજા સંતોને મળવાનું હતું પણ શક્ય છે કે પાછળથી રાજ્યમાં ઉચ્ચ પદ હાંસલ કરવાની મહમૂદ ગાવાનની ઇચ્છા જાગી હશે.

શાહ હુમાયૂંએ તેમની નિમણૂક રાજ્યના એક મંત્રી તરીકે કરી હતી અને તેમને ‘મલિકુત્તુજ્જાર’ની પદવી પણ આપી હતી. ‘મખદુમે જહાનિયાન’ અને ‘ખ્વાજાજહાન’ વગેરે પદવીઓ પણ તેમને મળી હતી. ફારસી ગદ્ય અને પદ્યમાં તેમની ઘણી રચનાઓ છે. તેમની રચનાઓમાં ‘રિયાઝુલ ઇન્શા’, ‘મનાઝિરુલ ઇન્શા’ અને કાવ્યનો એક દીવાન (સંગ્રહ) મુખ્ય છે. ‘રિયાઝુલ ઇન્શા’માં ખાનગી અને અમલદારોને લગતા પત્રોનો સંગ્રહ છે. તેમની કાવ્યરચનાઓ પણ સારી ગણાય છે.

ઈસારઅહેમદ મોહંમદયુનુસ અન્સારી