ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ

February, 2011

ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ (જ. 21 ડિસેમ્બર 1959, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા; અ. 21 સપ્ટેમ્બર 1998, મિશન બીજો, કૅલિફૉર્નિયા) : વિશ્વવિક્રમ ધરાવતી દોડસ્પર્ધાની અમેરિકન મહિલા ખેલાડી. 1980ના દાયકામાં તેણે ઍથ્લેટિક્સની સ્પર્ધાઓમાં એવા અસાધારણ વિક્રમો પ્રસ્થાપિત કર્યા, જેને લીધે તે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતનામ થઈ. 1984માં લૉસ ઍન્જેલિસ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 200 મીટર દોડની સ્પર્ધામાં રજતચંદ્રક પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ 1987માં રોમ ખાતે આયોજિત વિશ્વસ્પર્ધામાં તેણે 4 × 100 રિલે રેસમાં સુવર્ણચંદ્રક અને 200 મીટર દોડમાં રજતચંદ્રક હાંસલ કરીને બધા રમતવીરોને આશ્ચર્યચકિત કર્યા હતા. ત્યારબાદ દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં 100 મીટર અને 200 મીટર દોડમાં તેમજ 4 × 100 રિલે રેસમાં સુવર્ણચંદ્રક તથા 4 × 400 મીટર રિલે રેસમાં રજતચંદ્રક હાંસલ કર્યા હતા. તે પૂર્વે 1983માં વિશ્વ-ચૅમ્પિયનશિપની પ્રારંભિક દોડમાં તેણે ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 1987માં અમેરિકામાં આયોજિત કસોટી-સ્પર્ધાઓમાં તેમણે 100 મીટરની દોડમાં વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો (10.49 સે.).

ફ્લૉરેન્સ જૉયનર ગ્રિફિથ

1984માં ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ટ્રિપલ જમ્પ ચૅમ્પિયનશિપ મેળવનાર અલ જૉયનર સાથે 1987માં તે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. ‘ફ્લૉ-જૉ’ ટૂંકાક્ષરથી તે વિશ્વભરમાં જાણીતી બનેલી. શિખાઉ રમતવીરોને દર વર્ષે અમેરિકામાં અપાતો જેમ્સ ઈ. સાલિવન ઍવૉર્ડ 1988માં ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ તે સ્પર્ધાત્મક રમતોમાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ હતી; પરંતુ તે પૂર્વે તેના પર કેટલાક ઈર્ષાળુઓએ માદક પદાર્થોના સેવનનો આક્ષેપ મૂક્યો હતો; એટલું જ નહીં, પરંતુ તેના નામે જે વિશ્વવિક્રમો છે તે પાછા ખેંચવાની માગણી પણ થઈ હતી. અધિકૃત રીતે હાથ ધરવામાં આવેલી ઊંડી તપાસના અંતે આ આક્ષેપો નિરાધાર સાબિત થયા હતા અને એ રીતે ફ્લૉરેન્સ જૉયનર ગ્રિફિથની રમતક્ષેત્રની કારકિર્દી નિષ્કલંક સાબિત થઈને રહી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પ્રભુદયાલ શર્મા