ગ્રિફિથ, ડી. ડબ્લ્યૂ.

February, 2011

ગ્રિફિથ, ડી. ડબ્લ્યૂ. (જ. 22/23 જાન્યુઆરી 1875, લા ગ્રાન્જ, કન્ટુકી; અ. 23 જુલાઈ 1948, હૉલિવુડ) : અમેરિકન ચલચિત્રવ્યવસાયની પ્રારંભિક અવસ્થામાં પોતાની સર્જનશક્તિને લીધે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા શ્રેષ્ઠ દિગ્દર્શક. પિતા જેકબ ગ્રિફિથ લશ્કરમાં અધિકારી હતા. બાલ્યાવસ્થામાં પિતા પાસેથી સાંભળેલી મેક્સિકન યુદ્ધ તથા અમેરિકાના આંતરવિગ્રહની વાતોથી તથા ચાર્લ્સ ડિકન્સ, વિલિયમ શેક્સપિયર અને વૉલ્ટર સ્કૉટ જેવા સાહિત્યકારોની કૃતિઓથી ખૂબ પ્રભાવિત થયા. સાતમા વર્ષે પિતાના અવસાનને લીધે ભણતર પડતું મૂકવું પડ્યું અને તે પછી શરૂઆતમાં લિફ્ટના ચાલક તરીકે અને તે પછી ગ્રંથભંડારમાં કારકુનની નોકરી કરી. તે દરમિયાન લેસવિલેના ટેમ્પલ થિયેટરના કલાકારોના સંપર્કમાં આવ્યા. શોખીન કલાપ્રેમીઓની ફરતી નાટ્યસંસ્થાઓમાં અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. 1907માં તેમણે લખેલું ‘એ ફૂલ ઍન્ડ એ ગર્લ’ નામનું નાટક રંગમંચ પર ભજવાયું; જોકે તેમનું બીજું નાટક ‘વૉર’ ક્યારે પણ ભજવાયું નહિ. 1907માં નિર્મિત ‘રેસ્ક્યૂડ ફ્રૉમ ધ ઈગલ્સ નેસ્ટ’ નામના ચલચિત્રમાં અભિનય કર્યો તે પછી એક-બે રીલ ધરાવતી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે જ વર્ષે (1907) બાયૉગ્રાફ કંપનીમાં દિગ્દર્શક તરીકે જોડાયા અને 1908–13ના ગાળામાં લગભગ 400 જેટલી 10–12 મિનિટની ફિલ્મોનું સર્જન કર્યું. ‘ધ ઍડવેન્ચર્સ ઑવ્ ડૉલી’ એ દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ હતી. તે પછી વધારે લાંબા સમયની ફિલ્મો બનાવવાના પ્રયોગ કર્યા. 1913માં રિલાયન્સ મૅજેસ્ટિક કંપની સાથે ફિલ્મોના દિગ્દર્શન અને નિરીક્ષણ અંગે કરાર કર્યા. ટૉમસ ડિક્સનની ‘ધ ક્લૅન્સમન’ નામની કૃતિ પર આધારિત ‘ધ બર્થ ઑવ્ અ નૅશન’ (1915) નામનું તેમનું ચલચિત્ર વિવાદાસ્પદ બન્યું, તેમ છતાં કમાણી તથા લોકચાહનાની ર્દષ્ટિએ વિક્રમ પ્રસ્થાપિત કરી ગયું. ઘણાં શહેરોમાં તે પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. ચાર ભિન્ન ભિન્ન વાર્તાઓ ભેગી કરીને નિર્માણ કરેલ ‘ઇનટૉલરન્સ’ નામનું તેમનું ચલચિત્ર તકનીકી ર્દષ્ટિએ મૂક ચલચિત્ર જમાનાનું સર્વોત્તમ સર્જન ગણાય છે. આ ચલચિત્રમાં બૅબિલોન નગરી તથા સોળમી સદીના પૅરિસ નગરનાં ર્દશ્યો દેખાડવા માટે જે વિશાળ સેટ ઊભા કરવામાં આવ્યા હતા તે પણ ગ્રિફિથની સિદ્ધિ હતી.

ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથ

તે પછી તેમણે 1918માં ન્યૂયૉર્ક શહેરની બાજુમાં પોતાનો સ્ટુડિયો ઊભો કર્યો તથા ચલચિત્ર વિતરણનું કાર્ય શરૂ કર્યું. અહીં તેમણે ‘હાર્ટ ઑવ્ ધ વર્લ્ડ’ (1918), ‘બ્રોકન બ્લૉસમ્સ’ (1919), ‘વે ડાઉન ઈસ્ટ’ (1920), ‘ઑફેન્સ ઑવ્ ધ સ્ટૉર્મ’ (1921) તથા ‘ઇઝ નૉટ લાઇફ વન્ડરફુલ ?’ (1924) નામનાં ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું. તે પછી તે 1924માં પૅરામાઉન્ટ પિક્ચર્સ કંપનીમાં દિગ્દર્શક તરીકે જોડાયા અને તેના નેજા હેઠળ ‘અમેરિકા’ (1924), ‘અબ્રાહમ લિંકન’ (1930) અને છેલ્લે ‘ધ સ્ટ્રગલ’ (1931) નામનાં ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું.

ચલચિત્રના માધ્યમને કલાનું સ્વરૂપ આપવામાં તેમનો ફાળો શકવર્તી ગણાય છે. તેમણે ચલચિત્ર ક્ષેત્રે છબીકલા, પ્રકાશ-આયોજન, સંપાદન અને પ્રવેગ (tempo) જેવા વિભાગોમાં અપનાવી શકાય તેવી અવનવી તથા વૈવિધ્યપૂર્ણ તકનીકની શોધ કરી હતી. તેમની સર્જકતાને લીધે રૂપેરી પડદા પર લાગણીઓ અને ખ્યાલોની અભિવ્યક્તિ સુગમ બની હતી. એક મહાન અને વિચક્ષણ દિગ્દર્શક તરીકે તેમને હંમેશ યાદ કરવામાં આવે છે.

ચલચિત્રના ક્ષેત્રે તેમના પ્રદાનની કદર કરવા માટે 1935માં અમેરિકાની અકાદમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ ઍન્ડ સાયન્સીઝ સંસ્થા દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે