ઍટેનબરો, રિચાર્ડ (સર) (જ. 29 ઑગસ્ટ 1923, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 ઑગસ્ટ 2014 લંડન, ઇગ્લેન્ડ) : બ્રિટિશ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક. તેમની ફિલ્મ-કારકિર્દી ચાર મહત્વના તબક્કામાં વહેંચાયેલી છે. 1942થી 1953 સુધીમાં નબળા, ડરપોક યુવાનની ભૂમિકાવાળાં પાત્રો તેમણે ભજવ્યાં. 1953થી 1960 સુધીનાં ચિત્રોમાં સખત, કઠોર અને રુક્ષ પાત્રોની ભૂમિકા ભજવી. 1961થી 1970માં તેમની પ્રતિભા એકાએક ચમકી ઊઠી. આ ગાળાની ફિલ્મોમાં તેમણે પ્રતિભાસંપન્ન સહાયક અભિનેતા તરીકે કામ કર્યું. ત્યારપછીના સમયમાં તે ફિલ્મસર્જનમાં જોડાયા અને તેજસ્વી નિર્માતા અને દિગ્દર્શક તરીકે નામના હાંસલ કરી. તેમની સર્વપ્રથમ ફિલ્મ ‘ઇન વિચ વી સર્વ’(1942)માં તેમણે એક જુવાન પરંતુ નબળું વ્યક્તિત્વ ધરાવતા પાત્રની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમના અભિનયમાં તે પ્રકારની ભૂમિકાનું પુનરાવર્તન થતું રહ્યું. આ દરમિયાન ‘બ્રાઇટન રૉક’માં (1947) ભજવેલ પિન્કી નામના મોહક યુવાન ઠગનું પાત્ર અપવાદરૂપ હતું.
પરંતુ જ્યારથી તેમણે નિર્માણક્ષેત્રે ઝુકાવ્યું અને બીવર ફિલ્મ્સ (બ્રાઇન ફોર્બ્સની ભાગીદારીમાં) અને એલાઇડ ફિલ્મ મેકર્સ (બ્રાઇન ફોર્બ્સ, બેસિલ ડીઅર્ડન અને અન્યની ભાગીદારીમાં) કંપની સ્થાપી ત્યારથી તે સર્વથા ઉપેક્ષિત અને વિષાદપ્રેરક વિષયોને લઈને ચિત્ર સર્જવાની એક અસામાન્ય કહી શકાય તેવી ઇચ્છા ધરાવતા એમ તેમની ‘ધી ઍન્ગ્રી સાઇલન્સ’ (1960), ‘સીએન્સ ઇન ધ વેટ આફટરનૂન’ (1964) અને ‘10 રીલીન્ગટન પ્લેસ’ (1970) એ કૃતિઓ પરથી સમજાય છે. તેમણે દિગ્દર્શિત કરેલી સર્વપ્રથમ કૃતિ ‘ઓહ, વૉટ એ લવલી વૉર’ (1969) હતી. ત્યારબાદ તેમણે ‘એ બ્રિજ ટૂ ફાર’ નામની બીજી એક યુદ્ધ સિનેકૃતિનું પણ દિગ્દર્શન કર્યું હતું. તેને ભારત ખાતે પ્રદર્શિત કરવામાં આવી હતી.

રિચાર્ડ ઍટેનબરો (સર)
સર રિચાર્ડ ઍટેનબરો ભારતીય અને ગુજરાતી પ્રેક્ષકોમાં બે સિનેકૃતિઓ – સત્યજિત રાય દ્વારા દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ (1977) અને ગંજાવર ખર્ચે ભારત ખાતે નિર્મિત તથા વિશ્વવિખ્યાત અંગ્રેજી સિનેકૃતિ ‘ગાંધી’ (1983) – માટે જાણીતા છે. વિખ્યાત હિંદી નવલકથાકાર સ્વ. પ્રેમચંદજીની ટૂંકી વાર્તા પર આધારિત સત્યજિત રાયની કૃતિ ‘શતરંજ કે ખિલાડી’માં નવાબ વાજિદઅલી શાહના સમયમાં અવધરાજ્યને ખાલસા કરવા માટે નિમિત્ત બનનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરા લશ્કરી અધિકારી જનરલ આઉટરામના પાત્રને તેમણે ઘણી સમજદારીપૂર્વક ભજવ્યું હતું. ભારતીય મુસ્લિમ સંસ્કૃતિથી અજાણ તેવા અંગ્રેજ અધિકારીના પાત્રને અનુરૂપ સાંસ્કૃતિક આંચકાની અનુભૂતિ તે પોતાના અભિનયમાં સારી રીતે સાકાર કરી શક્યા હતા. તે સાથે તેમાં લાક્ષણિક બ્રિટિશ રમૂજનો સ્પર્શ આપીને તે પાત્રને આધારભૂતતા બક્ષી શક્યા હતા.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જીવનકથાએ તેમને એક મહત્વાકાંક્ષી ઐતિહાસિક ચલચિત્ર સર્જવાને પ્રેર્યા. જૉન બ્રેઇલી પાસે આ કૃતિ માટે પટકથા લખાવી, તેમાં વારંવાર ફેરફારો કરાવી તે પ્રૉજેક્ટ પર મનન અને આયોજનમાં વીસ વર્ષ વિતાવ્યાં. આ કૃતિના નિર્માણમાં ભારત સરકારની નાણાકીય ભાગીદારી અને ભારત ખાતે તેના નિર્માણ બાબત મંજૂરી મેળવવામાં તે સફળ થયા હતા. સિનેકરણ દરમિયાન અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના વાતાવરણનું પુનર્નિર્માણ કરવાનું તત્કાલીન (1980) અમદાવાદ ખાતે શક્ય અને વ્યાવહારિક ન જણાતાં હરિયાણા ખાતેના એક વિશાળ નદીકિનારાનું સ્થળ તેમણે પસંદ કર્યું. નદીને સામે કિનારે દૂર ગાંધીજીના સમયના અમદાવાદ શહેરનું 21.34 મીટર લાંબું ‘કટ આઉટ’ તૈયાર કરાવી આશ્રમમાંથી દેખાતા તત્કાલીન અમદાવાદ શહેરનો આભાસ ઊભો કરવામાં તેમણે સફળતા મેળવી. ‘ગાંધી’ જેવી મહત્વાકાંક્ષી સિનેકૃતિના સંચાલન-સંકલનની ર્દષ્ટિએ તેઓ એક અત્યંત કાબેલ સિનેનિર્માણ-વ્યવસ્થાપક પુરવાર થયા. જાન્યુઆરી 1983માં ‘ગાંધી’ ફિલ્મનો ભારત ખાતેથી વિશ્વવ્યાપી પ્રદર્શનારંભ થયો. 1987માં તેમણે અશ્વેત આંદોલનકારી સ્ટીવ બિકોની આત્મકથા પરથી ‘ફ્રાય ફ્રીડમ’ અને 1993માં ચાર્લી ચૅપ્લિનની આત્મકથા પરથી ચિત્ર સર્જ્યાં.
‘ગાંધી’ ચિત્રની રજૂઆત પૂર્વે તેમના દેશની સરકારે તેમની ક્ષેત્રીય સેવાઓને લક્ષમાં લઈને તેમને 1996માં ‘સર’ના ખિતાબથી નવાજ્યા હતા. ‘ગાંધી’ ફિલ્મને હૉલિવુડના પ્રતિષ્ઠિત આઠ ઑસ્કર પુરસ્કારની નવાજેશથી તે જગમશહૂર નિર્માતા-દિગ્દર્શક બની ગયા. ‘જુરાસિક પાર્ક’માં તેમણે વિજ્ઞાનીની ભૂમિકા ભજવી. 1993માં તેમને બૅરન તરીકેનો ખિતાબ અપાયો.
ઉષાકાન્ત મહેતા
પીયૂષ વ્યાસ