રબ :  સાર્વજનિક પીવાના પાણીનું સ્થાન. સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણી માટેની સાંસ્કૃતિક રચના, અગત્યની માનસિક તેમજ શારીરિક જરૂરિયાત પૂરી પાડવાની સામાજિક વ્યવસ્થા અને સાત્ત્વિક ભાવથી ઉદ્ભવેલી સ્થાપત્યરચના. નાનકડી જગ્યામાં વટેમાર્ગુ અને પદયાત્રી માટે જરૂરિયાત પ્રમાણે પાણી પૂરી પાડવાની વ્યવસ્થા એટલે પરબ. અહીં શીતળ, સ્વચ્છ અને શક્ય હોય તો મીઠું પાણી વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા ઊભી કરાતી હોય છે. એમ કહી શકાય કે પરબ એ માત્ર સેવા નથી, પરંતુ જીવદયા અને પરોપકારનું જીવંત પ્રતીક છે. પરબ માનવની અંતરની કરુણાને જાગૃત કરતી ઘટના છે. કહેવાય છે કે એક કૂવો ખોદાવવાથી કે ખોદવાથી ઘણું પુણ્ય મળતું હોય છે. તેવી જ રીતે એમ પણ કહેવાય છે કે એક પરબ બાંધવી એ પણ એક ઊંચી કક્ષાનું પુણ્ય-કર્મ છે. પરબની સ્થાપના કરવી એ પરોપકાર, પુણ્ય, સેવા, ધર્મ, માનવીય સંવેદનશીલતા, દયા તથા પવિત્રતા-સભર કાર્ય છે. કેટલાક સંજોગોમાં પિતૃ-સ્મરણ, વ્રત, માનતા અથવા પુણ્યાર્થે પણ પરબની સ્થાપના કરાતી હોય છે.

પાણીની પરબ

પરંપરાગત રીતે અહીં માટલાં, ઘડા, કોઠી કે ગાગર જેવાં પાત્ર રાખવામાં આવતાં, ક્યારેક ટાંકી પણ બનાવતી. અહીં નિયમિત પીવા લાયક પાણીપુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની અને ત્યાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોઈ સંસ્થા, કુટુંબ કે વ્યક્તિ જાતે લેતી અથવા તેમને જવાબદારી સોંપાતી. મોટા ભાગનાં કિસ્સામાં આજુબાજુ વૃક્ષ વાવી કુદરતી ઠંડક તેમજ છાંયડો મળી રહે તેવી હંગામી આરામની વ્યવસ્થા ઊભી કરાતી. પરબ ઓરડી સમાન પણ હોઈ શકે અને માત્ર છત સમાન પણ. પરબની રચના એ કાચું બાંધકામ પણ હોઈ શકે અને પાકું પણ. કાચા બાંધકામમાં લાકડાના ટેકા વડે ઉપર બહુ મજબૂત ન ગણી શકાય તેવી છત ટેકવી પથ્થરના ચોસલા પર છાંયડો મળી રહે તેવી જગ્યાએ માટલાં ગોઠવાતાં. પાકી રચનામાં ઈંટ, સિમેન્ટ, કૉંક્રીટ વડે બાંધકામ થતું, જેમાં ક્યારેક પતરાનાં છાપરાં પણ ગોઠવાતાં.

પરબથી સહકાર અને સમુદાયની ભાવના મજબૂત થઈ શકે, ધર્મ અને જાતિના ભેદભાવથી ઉપર ઊઠી શકાય, સામાજિક ઉત્તરદાયિત્વ વિષે નિષ્ઠા જાગ્રત થાય, સંપત્તિ અને સામર્થ્યનું દાન કરવાની ભાવના જાગે અને તે બધાં સાથે તરસી વ્યક્તિના મનમાં સમગ્ર સમાજ માટે સકારાત્મક ભાવ જાગ્રત થાય. એક દૃષ્ટિકોણ પ્રમાણે પરબ એ કર્મયોગનું સચોટ ઉદાહરણ છે; જ્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર શુદ્ધ નિયતિથી ધાર્મિક મનોભાવ સાથે, આત્માની ઉન્નતિ માટેનું કાર્ય કરાય છે.

આધુનિક સમયમાં પરબ માત્ર એક પરંપરા નથી રહી, પરંતુ તે સામાજિક જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને માનવસેવાનું પ્રતીક બની છે. પરબનો મૂળ હેતુ આધુનિક સમયમાં પણ જળવાઈ રહ્યો છે, માત્ર તેનું સ્વરૂપ બદલાયું છે. વિવિધ સમાજ-સેવી તથા ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સામાજિક મંડળો તથા ક્યારેક સરકાર દ્વારા પણ પરબ બનાવાતી હોય છે. અહીં માટલાં-ઘડા સાથે કુલર અને આરઓની વ્યવસ્થા પણ જોવા મળે છે. સામાન્ય રીતે બસસ્ટૅન્ડ, રેલવેસ્ટૅશન, હૉસ્પિટલ, શાળા, ધાર્મિક સ્થાન, આવન-જાવનના માર્ગ, મજૂરીના વિસ્તાર, બગીચા કે શૉપિંગ મૉલ પાસે આવી વ્યવસ્થા કરાતી હોય છે. હવે તો પરબ તરીકે મોબાઈલ-વાનનો ઉપયોગ પણ જોવા મળે છે. શહેરની ગરમીમાં ડિહાઇડ્રેશનના પ્રશ્ન માટે આ એક આવકારદાયક ચેષ્ટા છે.

હેમંત વાળા