પરભણી : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યના મરાઠાવાડા વિભાગમાં દખ્ખણના ઉચ્ચસપાટપ્રદેશમાં ગોદાવરી નદીની ખીણમાં 18° 58´ થી 20° 02´ ઉ. અ. અને 76° 04´ થી 77° 42´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 128.72 કિમી. તથા ઉત્તર-દક્ષિણ પહોળાઈ 104.58 કિમી. છે. જિલ્લાનો કુલ વિસ્તાર 6511 ચોકિમી. અને તેની વસ્તી 18,35,982 (2011) જેટલી છે. ઉત્તરે બુલઢાણા, ઈશાને વાસિમ, પૂર્વમાં હિંગોલી, અગ્નિમાં નાંદેડ, દક્ષિણે લાતુર, નૈર્ઋત્યે બીડ અને પશ્ચિમે જાલના જિલ્લા આવેલા છે. આ જિલ્લો રાજ્યના કુલ વિસ્તારનો આશરે 4 % ભાગ આવરી લે છે, વસ્તીની દૃષ્ટિએ રાજ્યમાં તેનો 11મો ક્રમ આવે છે. જિલ્લાની ઈશાન સીમા પર પૈનગંગા નદી (લંબાઈ આશરે 161 કિમી.) તથા નૈર્ઋત્ય સીમા પર ગોદાવરી નદી (લંબાઈ આશરે 64.37 કિમી.) વહે છે. જિલ્લાની ઉત્તરમાં 450 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી અજંતા ટેકરીઓ (સ્થાનિક નામ જિંતુર-હિંગોલી ટેકરીઓ) તથા દક્ષિણ સીમા પર 525 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી બાલાઘાટ ટેકરીઓ આવેલી છે. જિલ્લાનો મધ્ય ભાગ ગોદાવરીની ઉપનદીઓ દૂધના અને પૂર્ણાની ખીણોથી બનેલો છે. પૂર્ણા નદી પર યેલદરી અને સિદ્ધેશ્વર નામના બે બંધ બાંધવામાં આવેલા છે, જેમનો ઉપયોગ સિંચાઈ તથા વીજળી પેદા કરવા માટે થાય છે.

પરભણીનું મરાઠાવાડા વિભાગમાં સ્થાન

જિલ્લાનો આખોય પ્રદેશ દરિયાથી દૂર આવેલો હોવાથી આબોહવા ગરમ, સૂકી અને વિષમ રહે છે. ઉનાળાનું તાપમાન 40° અને 25° સે. વચ્ચે તથા શિયાળાનું 30° અને 15° સે. વચ્ચે રહે છે. ફેબ્રુઆરીથી માર્ચ સુધીનો ગાળો સૂકો, પરંતુ સ્વાસ્થ્યપ્રદ રહે છે. જૂનથી સપ્ટેમ્બર વરસાદની ઋતુ ગણાય છે, જે દરમિયાન સરેરાશ વરસાદ 825થી 850 મિમી. જેટલો પડે છે. માત્ર 3 % વિસ્તારમાં જંગલો આવેલાં છે.

પરભણીનું કપાસ-બજાર

જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જેમાં આશરે 82 % લોકો રોકાયેલા છે. જુવાર એ ખેતીનો મુખ્ય પાક છે, જે ખાદ્ય પાકોના કુલ ઉત્પાદનના આશરે 67 % જેટલું પ્રમાણ ધરાવે છે. અન્ય ખાદ્ય પાકોમાં બાજરી, ડાંગર, ઘઉં, તુવેર અને ચણાનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં કપાસ, શેરડી અને મગફળીનું ઉત્પાદન લેવાય છે. કપાસ એ જિલ્લાની મુખ્ય નિકાસ છે. ખનિજોનો અભાવ તથા અપૂરતા રસ્તાઓને લીધે આર્થિક વિકાસની દૃષ્ટિએ આ જિલ્લો પછાત ગણાય છે. જિલ્લામાં જિનિંગ અને પ્રેસિંગના એકમો, વનસ્પતિ તેલ, ખાદ્યપ્રક્રમણ અને લાકડાની ચીજવસ્તુઓ બનાવતા મધ્યમ કદના ઔદ્યોગિક એકમો સિવાય જિલ્લાનો વધુ ઔદ્યોગિક વિકાસ થયેલો નથી. હિંગોલી ખાતે ઔદ્યોગિક વસાહત છે, જેમાં નાના પાયા પરના ઔદ્યોગિક એકમો કેન્દ્રિત થયેલા છે. જુવાર, બાજરી, કપાસ, તલ, મરચાં, તમાકુ, પશુઓ, હાડકાં તથા મહુડો જિલ્લામાંથી બહાર મોકલાય છે, જ્યારે મીઠું, માછલી, ખાંડ, કેરોસીન, સુતરાઉ અને ઊની કાપડ, સોનું-ચાંદી, તાંબું-પિત્તળ વગેરે જરૂરિયાત મુજબ બહારથી મંગાવાય છે.

જિલ્લામાં જંગલ-વિસ્તાર ઓછા પ્રમાણમાં હોવાથી પ્રાણીજીવન તથા વનસ્પતિજીવન અલ્પ છે. જંગલમાં વાઘ, શિયાળ, વરુ, હરણ તથા જંગલી સૂવર જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

આ જિલ્લો સંતોની ભૂમિ ગણાય છે. મહારાષ્ટ્રના બે મોટા સંતો નામદેવ અને જનાબાઈનું જન્મસ્થાન આ જિલ્લામાં આવેલું છે. ઉપરાંત મહાનુભાવ પંથના જાણીતા કવિ ભાસ્કર ભટ્ટ પણ આ જિલ્લામાં જન્મેલા. ભારતનાં બાર જ્યોર્તિલિંગોમાંથી એક ઔંધ નાગનાથ(નાગેશ્વર) આ જિલ્લાના ઔંધ ગામમાં આવેલું છે. જિંતુરમાં આવેલું જૈન મંદિર પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.

જિલ્લાનું મુખ્ય વહીવટી મથક પરભણી નગર છે. તે 19° 16´ ઉ. અ અને 76° 47´ પૂ. રે. પર આવેલું છે. તે દૂધના-પૂર્ણાના સંગમ પર વસેલું છે અને મનમાડ-કાચીગુડા રેલમાર્ગ પરનું મહત્ત્વનું મથક છે. પરભણી-પરળી વૈજનાથ રેલમાર્ગની શરૂઆત અહીંથી જ થાય છે. અહીં પ્રભાવતી માતાનું પ્રાચીન મંદિર હતું, જેના પરથી આ નગરનું નામ પરભણી પડ્યું એવી માન્યતા છે. ખિલજીના આક્રમણ દરમિયાન આ મંદિરને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવેલું.

જિલ્લાનું મુખ્ય ખેત-પેદાશોનું બજાર આ નગરમાં છે; જ્યાં જુવાર, કપાસ, મરચાં, કઠોળ અને શાકભાજીનો વેપાર નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. કપાસ પીલવાની મિલો પણ અહીં આવેલી છે.

આ નગરમાં વેધશાળા, આકાશવાણી-કેન્દ્ર, વિનયન-વાણિજ્ય-વિજ્ઞાનની કૉલેજો ઉપરાંત ખેતીનું શિક્ષણ આપતું મહાવિદ્યાલય પણ છે. નગરની નજીક 3 કિમી. અંતરે હજરત સૈયદ શાહ તુરાબત-હકની દરગાહ આવેલી છે. ત્યાં દર વર્ષે મોટો મેળો (ઉર્સ) ભરાય છે. આ દરગાહના મુજાવર અને ટ્રસ્ટીઓના હક વંશ-પરંપરાગત રીતે હિન્દુઓ ભોગવે છે.

1943માં આ નગરમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે