ફાઉસ્ટ : જર્મન કવિ વુલ્ફગેંગ વૉન ગેટે(1749–1832)ની મહાકાવ્ય સમી લેખાતી કૃતિ. ‘ફાઉસ્ટ’ પદ્યબદ્ધ મહાનાટક છે. બે ખંડોમાં રચાયેલા ‘ફાઉસ્ટ’નો પ્રથમ ખંડ 1790ના દાયકાના અંતભાગમાં રચાયો છે અને 1808માં પ્રગટ થયો છે. બીજા ખંડનો મોટોભાગ 1825થી 1831ના ગાળામાં ગેટેના આયુષ્યનાં અંતિમ વર્ષો દરમિયાન રચાયો છે. ‘ફાઉસ્ટ’ સમગ્રનાટક રૂપે પ્રસિદ્ધ થયું 1832માં – ગેટેના અવસાન પછી.

તિલસ્મી ગણાતા જર્મન ડૉ. ફાઉસ્ટની આસપાસ ઊભી થયેલી દંતકથાઓથી એક કલ્પન ઊભું થયું. તેના આધારે અનેક સાહિત્યિક સાંગીતિક રચનાઓ થઈ છે. ગેટેની કૃતિ તેમાં ઉત્તમ લેખાય છે.

ગેટેનું ‘ફાઉસ્ટ’ દુષ્ટતત્વ દ્વારા પ્રલોભનોમાં ફસાઈ ભૌતિક સુખ ખાતર આત્માને શયતાની તત્વને સોંપી દેતા શાપિત આત્માની જ કથા નથી, પરંતુ જ્ઞાનની સીમાઓને અતિક્રાન્ત કરવા મથતા શુભાશયીના પતન અને ઉત્થાનની કથા છે.

પ્રથમ ખંડમાં, બૌદ્ધિક જ્ઞાનની સીમાને ગૂઢવિદ્યાથી ઓળંગવા મથતા ડૉ. ફાઉસ્ટને, ઈશ્વર સમક્ષ, તેને અપમાર્ગે દોરવાનું બીડું ઝડપીને આવેલા માયાવી દુષ્ટાત્મા (devil) દ્વારા ફસાતો બતાવ્યો છે. આ દુષ્ટાત્મા મેફિસ્ટૉફિલીસ સાથે ફાઉસ્ટે કરેલા કરાર મુજબ, મેફિસ્ટૉફિલીસે તેની તમામ ઇચ્છાઓ સંતોષવાની હોય છે; પરંતુ ફાઉસ્ટના પૂર્ણ સંતોષના ઉદગાર સાથે જ તેનો આત્મા એ દુષ્ટાત્માને અધીન થઈ જાય છે.

કરાર મુજબ મેફિસ્ટૉફિલીસની માયાવી સહાયથી નવયૌવન પામેલો ફાઉસ્ટ માર્ગારેટના પ્રેમમાં પડે છે, પરંતુ પછી આડે રવાડે ચડી જાય છે. જ્યારે તેને માર્ગારેટનું સ્મરણ થાય છે ત્યારે તો માર્ગારેટને, તેને ફાઉસ્ટથી સાંપડેલા બાળકની હત્યા બદલ મૃત્યુદંડ ફરમાવાઈ ચૂક્યો છે. આ શિક્ષાને ઉચિત પ્રાયશ્ચિત્ત ગણી, માર્ગારેટ ફાઉસ્ટના બચાવવાના પ્રયત્નને તરછોડે છે, પરંતુ અષ્ટની આકાશવાણીથી તે વિમોચન પામે છે.

મેફિસ્ટૉફિલીસ ફાઉસ્ટને તાણી જાય છે ત્યાં પ્રથમ ખંડ પૂરો થાય છે.

બીજા ખંડમાં 5 અંકોમાં બૃહદ્ વિશ્વમાં રાજકીય, સામાજિક, બૌદ્ધિક, કલાપરક વગેરે અનેકવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલી ફાઉસ્ટની જીવનપ્રવત્તિનું બયાન છે.

તેમાં રાજદરબારમાં મેફિસ્ટૉફિલીસની માયાજાળથી અને રાજાની ઇચ્છાથી ગ્રીક સુંદરી હેલનને પ્રત્યક્ષ કરવા જતાં તેના સૌંદર્યથી લુબ્ધ અને તેને પામવાને વ્યાકુળ ફાઉસ્ટ માયાદર્શન લુપ્ત થતાં મૂર્છિત થતો દેખાય છે. તે જાગે છે ત્યારે પોતાની પ્રયોગશાળામાં હોય છે. વળી, અ-વાસ્તવિક તત્વોની સહાયથી તે હેલનને મળવાનો માર્ગ શોધી કાઢે છે. મૃત્યુલોક(underworld)માંથી પ્રગટ થયેલી હેલન અને મધ્યયુગીન વીરરૂપે ફાઉસ્ટના મધ્યકાલીન કિલ્લામાં થયેલા સાયુજ્યને પરિણામે કાવ્યસત્વ સમો પુત્ર યુફોરિયન જન્મે છે; પરંતુ તે ટૂંકું આયુષ્ય ભોગવી અકસ્માતથી અવસાન પામે છે. તેના આઘાતથી અને પોતાના જીવનમાં સદાય સાંપડતી કરુણતાથી વ્યથિત હેલન મૃત્યુલોકમાં પાછી ફરે છે; પરંતુ હેલન કોઈ મર્ત્ય માનવી નથી પણ સૌંદર્યસત્વનું કલ્પન છે એવો અહેસાસ ‘ફાઉસ્ટ’ના ચિત્તમાં જુદી ભૂમિકા રચે છે. હેલન વિદાય થતાં એક વાદળું ફાઉસ્ટને પાછો જર્મનીમાં લઈ જાય છે.

હજી નિષ્ફળતાઓને પહોંચી વળવા મથતો ફાઉસ્ટ રાજાની મંજૂરીથી સમુદ્ર પાસેથી ભૂમિભાગ મેળવી ત્યાં ભવિષ્યલક્ષી આદર્શ રાજ્યરચના કરવાનો પ્રયત્ન કરે છે; પરંતુ એ ટાપુ પર ભવ્ય મહાલય રચાવતા વયસ્થ, વૈભવી અને સત્તાશીલ ફાઉસ્ટને બાજુમાંની દરિદ્ર ઝૂંપડી કઠે છે. તેના નિવાસી અન્યત્ર જવાનું ન સ્વીકારતાં મેફિસ્ટૉફિલીસના અનુચરો તેમની હત્યા કરે છે. પરિણામે, જે માનવલોક માટે જ્ઞાનસીમા વિસ્તારવા તે મથતો હતો તેનાથી પોતે કેટલો વિખૂટો પડી ગયો છે તેનો અહેસાસ થતાં તે માયાવી તત્વોનો સાથ છોડી દે છે.

અંતે અંધ ફાઉસ્ટ હજી પોતાના આદર્શ જગતનું નિર્માણ-સ્વપ્ન અધૂરું છે તેના અસંતોષ સાથે અવસાન પામે છે. આથી, કરાર મુજબ મેફિસ્ટૉફિલીસ તેના આત્મા પર અધિકાર મેળવી શકતો નથી. એટલે તે તેને ઉઠાવી જાય છે; પરંતુ દેવીસત્વો (angels) તેની પાસેથી ફાઉસ્ટના આત્માને પ્રયુક્તિપૂર્વક મુક્ત કરી સ્વર્ગમાં લઈ જાય છે. જ્યાં તેનું માર્ગારેટ સાથે દિવ્ય રૂપે પુનર્મિલન થાય છે.

આમ, ગેટેનું ફાઉસ્ટ પતનકથા દ્વારા મનુષ્યોને અપાતી ચેતવણીની નહિ, પણ આત્માના પતન અને ઉત્થાનની કથા બની રહે છે. આ કથાનક પર આધારિત અન્ય સાહિત્યકૃતિઓમાં, તેનાં વિવિધ સંદર્ભોમાં વિવિધ અર્થઘટનો વ્યક્ત કરતી માર્લો, વાલેરી, ટૉમસ, માન વગેરેની કૃતિઓ મુખ્ય ગણાય.

વિનોદ અધ્વર્યુ