પ્રોજેક્ટર : પારદર્શક વસ્તુ (object) યા છબીમાંથી ખૂબ તીવ્ર પ્રકાશ પસાર કરીને લેન્સની ગોઠવણીથી મોટું પ્રતિબિંબ મેળવવા માટેનું સાધન કે પ્રણાલી. આવા સાધનમાં મુખ્યત્વે પ્રકાશનો પ્રબળ સ્રોત, વસ્તુધારક (holder), લેન્સ-તંત્ર અને એક પડદો હોય છે. આ પ્રકારની સાદી રચનાને જાદુઈ ફાનસ (magic lantern) કહેવામાં આવે છે. ગતિમાન ચિત્રપ્રક્ષેપણ(motion picture projection)માં, એક જ પારદર્શક સ્થિર વસ્તુ કે છબીને સ્થાને ચિત્રોની ઝડપભેર ફરતી પટ્ટી (film) હોય છે. પડદા પર પડતાં ક્રમિક ચિત્રો ઝડપભેર બદલાતાં હોવાથી ર્દષ્ટિ-સાતત્ય(persistance of vision)ને લીધે સતત હલનચલનની અસર પેદા કરે છે.
આધુનિક સમયમાં વર્ગખંડમાં શિક્ષણને માટે જે સહાયક સાધનો (teaching aids) વપરાય છે તેમાં એપિડાયાસ્કોપ, સ્લાઇડ પ્રોજેક્ટર અને ઓવર-હેડ પ્રોજેક્ટર જાણીતાં છે. એપિડાયાસ્કોપમાં અત્યંત પ્રબળ પ્રકાશની મદદથી અપારદર્શક વસ્તુ(દા.ત., પુસ્તકનું પાનું)નું મોટું પ્રતિબિંબ એક પડદા પર પ્રક્ષેપિત (project) કરવામાં આવે છે. સ્લાઇડ પ્રોજેક્ટરમાં નાની પ્લાસ્ટિકની પારદર્શક તકતી અથવા સ્લાઇડ પરનું ચિત્ર સીધું પડદા પર ઝીલવામાં આવે છે.
ઓવર-હેડ પ્રોજેક્ટરની પેટીમાં તીવ્ર પ્રકાશ આપતો વિદ્યુત-ગોળો હોય છે. તેના પરના કાચ ઉપર પ્લાસ્ટિક પારદર્શક (transparency) મૂકવામાં આવે છે. તેમાંથી પસાર થતો પ્રકાશ, લેન્સમાંથી પસાર થાય છે ત્યારે તેનું એક અરીસા પર પ્રતિબિંબ રચાય છે. હવે તે અરીસો સમક્ષિતિજ સ્થિતિમાં એવી રીતે ગોઠવેલો હોય છે કે તેમાંથી પરાવર્તિત કિરણો થોડે દૂર પડદા પર પ્રતિબિંબ રચે છે. આમ, વર્ગખંડમાં વક્તાની પાછળ ગોઠવેલા પડદા પર, પારદર્શક (transparency) પરના લખાણ કે ચિત્રનું મોટું પ્રતિબિંબ પડે છે, જે શ્રોતાઓ સારી રીતે જોઈ શકે છે. વળી, અહીં બોલનાર વ્યક્તિ, શ્રોતાની સન્મુખ રહીને પણ પડદા પરના લખાણ કે ચિત્રની સમજૂતી આપી શકે છે.
અન્ય એક અર્થમાં, પ્રકાશ-પ્રોજેક્ટર (light projector) એવું સાધન છે કે જે પ્રકાશના નિયંત્રિત પુંજ(beam)ને દૂર સુધી પ્રક્ષેપિત કરવા માટે રચવામાં આવે છે. એક ઘન-પરવલયી (paraboloidal) અરીસાના કેન્દ્ર (focus) પર પ્રકાશનો પ્રબળ સ્રોત મૂકવામાં આવે તો તેમાંથી પરાવર્તન પામીને નીકળતાં પ્રકાશનાં કિરણો દૂર સુધી જાય છે. અહીં સ્રોત એકદમ બિંદુવત્ ન હોવાથી દૂર જતાં પ્રકાશ ફેલાઈ જઈને ઝાંખો પડી જાય છે. વળી, અરીસાનો આકાર ઘન-લંબગોળ (ellipsoidal) પણ હોઈ શકે. મોટા મેદાન પર પ્રકાશ ફેલાવવા વપરાતું ફ્લડ-લાઇટ, સરકસની જાહેરાત માટે વપરાતું સર્ચ-લાઇટ, નાટકના તખ્તા પર વપરાતું સ્પૉટ-લાઇટ વગેરે પ્રકાશ-પ્રોજેક્ટરનાં ઉદાહરણો છે.
કમલનયન ન. જોશીપુરા