પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે; અ. બંગરળી; ફા. યલાસબેલ્ય; અં. પોર્શિયા ટ્રી, અમ્બ્રેલા ટ્રી, ઇન્ડિયન ટ્યૂલિપ ટ્રી, ફૉલ્સ રોઝવૂડ) છે.

પારસપીપળો

વિતરણ : પારસપીપળો માત્ર જૂની દુનિયાનું વતની છે અને તેનો ઉદભવ સંભવત: ભારતમાં થયો છે. તે સાર્વઉષ્ણકટિબંધીય (pantropical) પ્રદેશોમાં થાય છે. તે આંદામાન અને ભારતના દરિયાકિનારે થાય છે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

બાહ્યાકારવિદ્યા : તે ઝડપી વૃદ્ધિ પામતું 18.0 મી. સુધીની ઊંચાઈ અને 1.2 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ છે. તેની છાલ 4.0 મિમી. જાડી, ભૂખરાથી બદામી રંગની, રેસાયુક્ત, ઘણી વાર ગાંઠોવાળી હોય છે અને તિરાડો ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિત, હૃદય-અંડાકાર (cordate-ovate), ઘેરા લીલા રંગનાં, 3-7 શિરાવાળાં, અખંડિત, લીસાં અને 7-15 સેમી. લાંબાં હોય છે. ઉપપર્ણો (stipules) ત્રિકોણાકાર અને પર્ણપાતી (deciduous) હોય છે.

પુષ્પનિર્માણ સપ્ટેમ્બરથી માર્ચ સુધી થાય છે. પુષ્પો ઉપરથી પીળા રંગનાં અને નીચેના ભાગે જાંબલી રંગનાં, એકાકી કક્ષીય, ઘંટાકાર, 5.0 × 7.5 સેમી. કદનાં અને ખરવાના સમયે સંપૂર્ણ જાંબલી રંગના બને છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનાં, ગોળાકાર કે લંબચોરસ, 2.5 × 4.0 સેમી. કદનાં અને દીર્ઘસ્થાયી (persistent) વજ્ર ધરાવે છે. બીજ વિરલરોમિલ (pilose) કે ચૂર્ણિત, ચપટાં અને અંડાકાર હોય છે.

મોટે ભાગે તે શોભન-વનસ્પતિ તરીકે કે છાયાવૃક્ષ તરીકે ઊછેરવામાં આવે છે. તે થોડી ખારાશવાળી પણ રેતાળ જમીન સહિત બધે ઊગી શકે છે. તે પહાડી પ્રદેશોમાં થતી નથી. તે પ્રકાશ અને છિદ્રાળુ જમીન પસંદ કરે છે. તે ભેજવાળી અને ઉષ્ણ પરિસ્થિતિમાં ઊગે છે; છતાં 4o સે. સુધીના તાપમાન સામે પણ ટકી શકે છે. તેનું પ્રસર્જન બીજ અને કટકારોપણ દ્વારા કરી શકાય છે. બીજમાંથી ઉછરેલાં વૃક્ષો વધારે સારાં અને વધારે ઉન્નત હોય છે અને તે વૃક્ષોનું કાષ્ઠ ગાંઠો વિનાનું, સુરેખ અને સમ-ગઠિત તથા મજબૂત હોય છે. મૃત કાષ્ઠ ઉપર કેટલાક વિપત્રકો (defoliators), રસચૂષકો (sapsuckers), પાન કોરનારાં અને વેધક (borer) કીટકો થાય છે.

રસકાષ્ઠ (sapwood) સફેદ રંગનું અને આછી પીળી કે ગુલાબી છાંટ ધરાવે છે. ખુલ્લું થતાં તેનો રંગ ઘેરો બને છે. અંત:કાષ્ઠ (heartwood) રતાશ પડતા બદામીથી માંડી ચૉકલેટી રંગનું કે જાંબલી બદામી રંગનું અને સુંદર, સ્પષ્ટ અને વધારે ઘેરી રેખાઓ ધરાવે છે. તેનું પ્રકાષ્ઠ (timber) ‘સીચીલીઝ રોઝવૂડ’ તરીકે જાણીતું છે. તે સુરેખથી માંડી કેટલેક અંશે અંતર્ગ્રથિત – કણિકાયુક્ત (interlocked-grained), સમ અને મધ્યમ-ગઠિત (medium-textured), કઠોર અને ભારે (વિ. ગુ. 0.54-0.88; વજન 640-897 કિગ્રા./ઘ.મી.) હોય છે. તે ટકાઉ હોય છે. તાજું કાષ્ઠ ગુલાબ જેવી સુગંધ આપે છે. અરીય (radial) છેદમાં મજ્જાશુઓ (medullary rays) રૂપેરી કણિકા દર્શાવે છે. કાષ્ઠની થપ્પી બનાવવામાં અત્યંત ઝડપી શુષ્કન (drying) સામે સાવચેતી રાખવામાં આવી હોય તો પ્રકાષ્ઠનું સંશોષણ (seasoning) મુશ્કેલ હોતું નથી. તે મધ્યમસરનું ઉચ્ચતાપસહ (refractory) છે. તેની લીસી સપાટી બનાવવી સરળ હોય છે. તેના પર ખરાદીકામ (turnery) સારી રીતે થાય છે. તે ચિરાતું નથી. પાણીમાં સારું રહે છે અને ઊધઈના આક્રમણનો સામનો કરી શકે છે. સાગના ગુણધર્મોની ટકાવારીમાં અભિવ્યક્ત, પ્રકાષ્ઠ તરીકેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 110, પાટડા (beam) તરીકેનું સામર્થ્ય 120, પાટડા તરીકેની દૃઢતા (stiffness) 90, થાંભલા (post) તરીકેની ઉપયુક્તતા 100, આઘાતરોધી ક્ષમતા 190, આકારની જાળવણી 75, અપરૂપણ (chear) 150 અને કઠોરતા (hardness) 135.

પ્રકાષ્ઠ બંદૂકની લાકડાની મૂઠ, ગાડાં, પૈડાંના આરા, ગાડીના ડબ્બા, હોડી બનાવવામાં, તરાપા, કૃષિનાં ઓજારો, કૅબિનેટ બધા પ્રકારના હાથા, ફર્નિચર અને સંગીતનાં સાધનો બનાવવા માટે ઉપયોગી છે. કાષ્ઠનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે. કાષ્ઠ અને છાલમાં ટેનિન હોય છે.

વનસ્પતિ-રસાયણ (phytochemistry) : પુષ્પો અને ફળો જલદ્રાવ્ય પીળો રંગ ઉત્પન્ન કરે છે. તે શેતૂરના રેશમ અને ઊન ઉપર સુંદર છતાં આછા બદામી પીળા અને બદામી ઝાંય ઉત્પન્ન કરે છે. દલપત્રોના એક નમૂનામાંથી મળી આવેલા રંગીન ઘટકો આ પ્રમાણે છે : કૅમ્પ્ફેરૉલ-7-ગ્લુકોસાઇડ (પોપલ્નિન 0.33 %), કૅમ્પ્ફેરૉલ (પોપલ્નેટિન 0.07 %), હર્બેસેટિન (0.03 %) અને એક રંગહીન ફ્લેવોનૉઇડ પોપલ્નેઑલ (C15H14O3; ગ. બિં. 109-110oસે.; 0.16 %). આ ઉપરાંત પુષ્પોમાંથી ક્વિર્સેટિન, ગોસીપેટિન, કૅમ્પ્ફેરૉલ-3-મોનોગ્લુકોસાઇડ અને β-સિટોસ્ટેરૉલ તથા ફ્લેવોનૉઇડ, ક્વિર્સેટિન-7-0-રહેમ્નોગ્લુકોસાઇડ પ્રાપ્ત થયાં છે તથા એક દક્ષિણાવર્ત ધૂર્ણક (dextrototatory) ગોસીપૉલ (C30H30O8 ગ. બિં. 184o સે.) પુષ્પો, ફળ અને છાલમાંથી અલગ કરવામાં આવેલ છે. કપાસમાંથી મળી આવતો ગોસીપૉલ ધ્રુવણ અધૂર્ણક (optically inactive) છે; જ્યારે પારસપીપળામાંથી પ્રાપ્ત થયેલ ગોસીપૉલનું ઉચ્ચ દક્ષિણાવર્ત ધૂર્ણન (dextro-rotation),   હોય છે. વૃક્ષના વિવિધ ભાગોમાં ગોસીપૉલની શુષ્કતાના આધારે સાંદ્રતા આ પ્રમાણે છે : બીજ 3.14 %, પુષ્પકલિકાઓ 3.37 %, પર્ણો 1.66 %, મૂળ 2.11 % અને પ્રકાંડ 1.43 %. ફળોમાંથી થેસ્પેસિન (0.4 %) અને હર્બેસેટિન પ્રાપ્ત થયાં છે. જોડે થેસ્પેસિન પાછળથી ધ્રુવણ ધ્રુવક (optically active) ગોસીપૉલ સાબિત થયેલ છે. ક્વિર્સેટિન-7-O-રહેમ્નોસાઇડ નોંધપાત્ર પ્રતિયકૃતવિષાળુ (antihepatotoxic) સક્રિયતા દર્શાવે છે.

સંપૂર્ણ પરિપક્વ બીજ લગભગ 20 % જેટલું ઘેરા લાલ રંગનું તેલ ઉત્પન્ન કરે છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ. 28o 0.9251, ઍસિડ આંક 0.53, સાબૂકરણ આંક 203.2, આયોડિન આંક 71.5, કાચા દ્રવ્ય (R. M.) આંક 5.5 રાઈકર્ટ-પોલેન્સ્કી આંક 0.37 અને અસાબૂકરણીય (unsaponifible) દ્રવ્ય 0.72 %. આ તેલનું ફૅટી ઍસિડ બંધારણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 1.0 %, પામિટિક 21.4 %, સ્ટીઅરિક 1.9 %, ઓલેઇક 32.5 % અને લિનોલૅઇક 43.2 %. અસાબૂકરણીય દ્રવ્યમાં સીરીલ આલ્કોહૉલ અને β-સિટોસ્ટેરૉલ હોય છે.

આ ઉપરાંત, પારસપીપળામાંથી અલગ કરાયેલાં રસાયણો આ પ્રમાણે છે : 7-હાઇડ્રૉક્સિ2, 3, 5, 6-ટેટ્રાહાઇડ્રૉ-3, 6, 9-ટ્રાઇમિથાઇલનેપ્થૉ [1, 8, B, C] પાયરેન-4, 8-ડાયૉન (મેન્સોનૉન), રુટિન, નૉન્એકોસેન, લ્યુપીનૉન, મિરિસાઇલ આલ્કોહૉલ, લ્યુપીઑલ, β-સિટોસ્ટેરૉલ-β-D-ગ્લુકોસાઇડ, 5, 8-ડાઇહાઇડ્રૉક્સિ-7-મિથૉક્સિફ્લેવૉન, 7-હાઇડ્રૉક્સિઆઇસોફ્લેવૉન, થેસ્પૉન, મેન્સોનૉન D, E, F પારસપીપળો ટર્પીનો, લિપિડો, ગ્લુકોસાઇડો, ફ્લેવોનૉઇડો અને તેનાં વ્યુત્પન્નો વિપુલ પ્રમાણમાં ધરાવે છે. અંત:કાષ્ઠમાંથી એક સૅસ્ક્વિટર્પીન, ઑર્થોનેપ્થોક્વિનૉન સંયોજન, 3,6,9-ટ્રાઇમિથાઇલ 2, 3-ડાઇહાઇડ્રોબૅન્ઝો [de] ક્રોમીન – 7, 8, – ડાયૉન અને નવાં સૅસ્ક્વિટર્પીન ક્વિનીનો, થેસ્પેસીનૉન અને ડીહાઇડ્રોઑક્સોપેરેઝિનૉન-6-મિથાઇલ ઈથર પ્રાપ્ત થયાં છે.

નવો સેસ્ક્વિટર્પીનૉઇડો, પોપ્લીન A-H અને ક્વિનૉનો મેન્સોનૉન D, H, થેસ્પોન અને થેસ્પેસૉન નોંધપાત્ર કોષવિષાળુ (cytotoxic) અને પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

બીજના n-હૅક્ઝેન નિષ્કર્ષમાંથી મળી આવેલાં રાસાયણિક દ્રવ્યો આ પ્રમાણે છે : ઇથાઇલ આઇસોઍલોકોલેટ(C26H44O5; અણુભાર 436; ઇથાઇલ પામિટેટ (C18H36O2; અણુભાર 284; લિનોલેઇક ઍસિડ ઇથાઇલ ઍસ્ટર) (C20H36O2; અણુભાર 308; સ્ટિગ્મેસ્ટેરૉલ (C29H48O; અણુભાર 412) અને સ્ક્વેલીન (C30H50; અણુભાર 410).

પ્રણાલિકાગત ઉપયોગો : છાલ અને ફળો વધારે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. આ વનસ્પતિ સ્તંભક (astringent), શીતન (cooling), વિશોધક (depurative), રક્તસ્તંભક (haemostatic), અતિસારરોધી (antidiorrhoeal) અને પ્રતિજીવાણુક (antibacterial) છે. તે ખસ (scabies), સોરાયસિસ (psoriasis), દાદર, કુષ્ઠ, સંધિશોથ (arthritis), રક્તસ્રાવી વ્રણ, કૉલેરા, મધુપ્રમેહ, જલોદર (ascites), અજીર્ણ (dyspepsia), કફ, દમ વગેરે રોગોમાં ઉપયોગી છે.

ભારતીય આયુર્વેદિક ઔષધકોશ (pharmacopoeia) પ્રમેહ, રક્તપિત્ત, રક્તવિકાર, યોનિરોગ, દાહ, તૃષા, વ્રણ, શોથ, બાલવિસર્પ, પામા, કંડૂ, દદ્રૂ અને મેદોરોગમાં તેની ભલામણ કરે છે.

તે મરડો, મસા, વ્રણ, ખૂજલી, અન્ય ત્વચાના રોગો અને મૂત્રસંબંધી રોગોમાં ઉપયોગી છે. છાલ સ્તંભક છે અને આંતરિક રીતે રૂપાંતરક (alterative) તરીકે આપવામાં આવે છે. ગરમ પોટીસના સ્વરૂપમાં પર્ણો પીડાદાયી સાંધાઓમાં ઉપયોગી છે. ખૂજલી મટાડવા માટે પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. ફળોનો રસ પરિસર્પીય (herpetic) રોગોની ચિકિત્સામાં આપવામાં આવે છે. ફળોમાં રહેલું ઘટક ગ્રામ (+) ધનાત્મક અને ગ્રામ (-) ઋણાત્મક જીવાણુઓ સામે ખાસ કરીને આંતરડાના જીવાણુઓ સામે નોંધપાત્ર સક્રિયતા દર્શાવતાં હોવાથી આંતરડાના રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. છાલ અને ફળનું સંયુક્ત તેલ મૂત્રવાહિનીશોથ (urethritis) અને પરમિયા (gonorrhoea)માં ઉપયોગી છે. ફળોનો ઉપયોગ આધાશીશી (migraine)માં થાય છે. તેઓ વિષાળુતા (poisining) સામે પ્રતિવિષ (antidote) તરીકે ઉપયોગી છે. સંચૂર્ણિત (mashed) છાલ વ્રણ ઉપર પોટીસ તરીકે કે ગરમ શેક (tomentation) સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

તરુણ કલિકાઓ અને પર્ણોનો આનંદદાયી સ્વાદ હોય છે અને પુષ્પો સાથે કાચાં, રાંધીને કે માખણ સાથે તળીને ખવાય છે. પર્ણોનો ચારા અને ખાતર માટે ઉપયોગ થાય છે. મૂળ વિષાળુ હોય છે. પરાગરજ ઍલર્જી ઉત્પન્ન કરી શકે છે. બીજ રેચક ગુણધર્મ ધરાવે છે. આ વનસ્પતિ મલેરિયામાં અસરકારક છે.

છાલ મજબૂત રેસો ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ દોરડાં, માછીમારી માટે જાળ, કૉફી માટેની કોથળીઓ અને હોડીઓના સાંધા પૂરવા માટે થાય છે. વૃક્ષ બદામી રંગનો ચળકતો ગુંદર ઉત્પન્ન કરે છે. તે પાણીમાં ઓગળતો નથી; પરંતુ ફૂલે છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો :

પર્ણોના નિષ્કર્ષો Micrococeus pyogenes var. aureus અને Eschrichia coli સામે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે.

ફળોનો ઇથેનૉલીય નિષ્કર્ષ રાનીખેત રોગના વાઇરસ સામે અને ઉંદરોમાં લૂઇસફેફસાના કૅન્સર સામે પ્રતિકૅન્સર (anti-cancer) સક્રિયતા દર્શાવે છે.

પર્ણોનો નિષ્કર્ષ ફૂગરોધી (antifungal) ગુણધર્મ ધરાવે છે. તે Drechsleria oryzae નામની ચોખામાં ‘પાનનાં ટપકાં’નો  રોગ લાગુ પાડતી ફૂગના કણીબીજાણુ (conidium)ના અંકુરણને અવરોધે છે.

પુષ્પગુચ્છ ટોચ (+) – ગોસીપૉલ ઉત્પન્ન કરે છે. તે જૈવસક્રિય (bioactive) સંયોજન છે અને ફળદ્રુપતારોધી (antifertility), અર્બુધરોધી (antitumor), પ્રતિઅમીબીય (anti-amoebic) તથા પ્રતિ-HIV(Human immunodeficiency virus) સક્રિયતા દર્શાવે છે.

આ ઉપરાંત, તે કોષવિષાળુ (cytotoxie), પ્રતિ-સૂક્ષ્મજીવીય (antimicrobial), પ્રતિસોરાયટીય (anti psoriatiy), વેદનાહર (analesic), પ્રતિશોથકારી (anti-inflammatory), યકૃતસંરક્ષી (hepatoprotective), પ્રતિ-ઉપચાયી(anti-oxidant), મધુપ્રમેહરોધી (antidiabetic), સ્મૃતિવર્ધક, કૃમિનાશક (anthelmintic), મૂત્રલ (diuretic), પ્રતિ-સ્ટીરૉઇડજન્ય (antisteroidogenic), વ્રણ વિરોહણ (wound healing), પ્રતિગર્ભસ્થાપન (anti-inplantation), જ્વરરોધી (antipyretic), સહક્રિયાશીલ/યોગવાહિ (synergistic), વ્રણરોધી (anti-ulcer), પ્રતિરક્ષાસમાયોજક (immunomodulatory), -ઍમાઇલેઝરોધી ગુણધર્મો ધરાવે છે.

આયુર્વેદ અનુસાર, પારસપીપળાને મૂત્રસંગ્રણીય, કષાય સ્કંધ (ચરક) અને ન્યગ્રોધાદિ (સુશ્રુત) ગણમાં મૂકવામાં  આવે છે.

તેના આયુર્વેદિક ગુણ આ પ્રમાણે છે :

ગુણ
ગુણ – લઘુ, રુક્ષ રસ – કષાય
વિપાક – કટુ વીર્ય – શીત

કર્મ : તે કષાય હોવાથી કફપિત્તશામક છે. તે સંધાનીય, શોથહર, કુષ્ઠઘ્ન, સ્તંભક, રક્તપિત્તશામક, રક્તશોધક, મૂત્રસંગ્રણીય, યોનિદોષહર, દાહપ્રશમન, વિષઘ્ન અને મેદોહર છે.

પ્રયોગ : તે કફ અને પિત્તના વિકારોમાં ઉપયોગી છે. વ્રણ, કંડૂ, પામા વગેરે ચામડીના રોગોમાં અને સોજા ઉપર લેપ કરવામાં આવે છે. તેનો અતિસાર અને અર્શ રક્તપિત્ત, રક્તવિકારો, પ્રમેહ, પ્રદર જેવા યોનિના રોગો, દાહના શમન માટે, વિષ અને મેદોરોગમાં લેખન માટે ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર તેના ગુણ પીપર જેવા છે. તેનો ઉપયોગ ગૂમડામાંના કૃમિ મારવા માટે; મણિયારી(સાપની એક જાતિ)ના વિષ પર; કફ, શ્વાસ અને આધાશીશીમાં થાય છે. મૂળની છાલ ચિરગુણકારી અને પૌષ્ટિક હોય છે. તે સંધિવા અને રક્તવિકારોમાં ક્વાથના રૂપમાં વપરાય છે. તેના ઉકાળાથી ગડગૂમડ અને ચાંદાં ધોવાય છે.

તેના પુષ્પમાં રહેલાં પુંકેસર સાકર સાથે મધુપ્રમેહના દર્દીને આપવામાં આવે છે. પુષ્પ અને ફળનો રસ દાદર પર લગાડવામાં આવે છે. કાચાં ફળોનો રસ સાકર કે ગોળમાં મેળવી ખવડાવવાથી સંગ્રહણી અને અર્શ મટે છે. બીજમાંથી નીકળતું તેલ ચામડીના રોગોમાં ઉપયોગી છે.

ફળમાંથી પીળો અને દાહક રસ નીકળે છે. તેને ખસ અને મસા પર લગાડવામાં આવે છે. સોજા અને સૂજી ગયેલા સાંધાઓ પર તેનાં પાન ગરમ કરી બાંધવામાં આવે છે.

कपीतनस्तु पारीष: सुषार्श्व: पार्श्वपिप्पल: ।

गर्दभाण्ड़श्च विज्ञेय: सुपार्श्व: पार्श्वपिप्पल: ।

कपीतनी लधू रुक्ष: कषाय शिशिरो हरेत् ।

कफपित्तप्रमेहास्त्रकुष्टयोनिगदव्रणान् ।।

आचार्य प्रियव्रत शर्मा

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ

આદિત્યભાઈ છ. પટેલ