પશુપાલન-પશુમાવજત

આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે.

સંસ્કૃતિના ઉષ:કાળ પૂર્વે શિકારી જીવન જીવતા આદિમાનવનો, પ્રાણીઓ સાથેનો સંબંધ ભક્ષ્ય અને ભક્ષક તરીકેનો હતો. ક્રમશ: માનવી પોતાના વિકાસાર્થે કેટલાંક જાનવરના સંપર્કમાં આવ્યો અને તેમને પાલતુ જાનવર તરીકે અપનાવ્યાં. સાથે સાથે આસપાસની જમીનને ખેડીને ખોરાકી વનસ્પતિનો ઉછેર કરતો થયો; પરિણામે કાળક્રમે ગ્રામીણ સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિનું નિર્માણ થયું.

પ્રાણી-હેળવણીની પ્રક્રિયાનું કેન્દ્ર ડુંગરાળ, ઘાસિયા જમીનવાળી અને આછાં જંગલોવાળી, પશ્ચિમ એશિયાના પૅલેસ્ટાઇનમાં, લેબેનોનમાં અને ઝાગો પર્વતની હારમાળામાં આવેલ આદિમાનવોની ગ્રામ-વસાહતોમાં હોવાનું મનાય છે. તે વસાહત ધીરે ધીરે દશે દિશાઓમાં ફેલાવો પામી. આજથી આશરે 9,000થી 8,000 વર્ષ પહેલાં સૌપ્રથમ બકરીની હેળવણી થઈ. ઢોર, ઘેટાં, ડુક્કર વગેરે પ્રાણીઓ ત્યારબાદ પળાવાં શરૂ થયાં. ઢોરની હેળવણી આશરે 6,000થી 5,000 વર્ષ પૂર્વે થઈ હોવાના નિશ્ચિત નિર્દેશો મળે છે. માનવી ક્રમે ક્રમે ઊન અને શક્તિ મેળવવા માટે જાનવરોનો ઉપયોગ કરતાં શીખ્યો અને પોતાની જરૂરિયાતને વધુ અનુકૂળ પડે તેવાં જાનવરો પાળવાં પસંદ કર્યાં.

પશુપાલન-વ્યવસાયનું મહત્વ : પડતર જમીન/સૂકા રણપ્રદેશમાં જાનવરો દ્વારા થતી ઊપજ નાના સીમાંત ખેડૂતો માટે જીવિકાનું મુખ્ય સાધન બની રહી. પૂરક ઉદ્યોગ તરીકે ખેતીની આડપેદાશો ઉપર પશુ-નિભાવ કરીને દૂધ-માંસ મેળવવાનું થઈ શકે છે. ભારત દેશ પાસે રૂ. 37,000 કરોડની પશુધનસંપત્તિ છે. પ્રતિવર્ષ રૂ. 64,000 કરોડની કિંમતની પશુપેદાશો મળે છે. તેમાં દૂધ (ડાંગર પછી બીજા ક્રમે) મુખ્ય છે. છાણમાંથી ખાતર/રાંધણગૅસ ઉપરાંત બળદો દ્વારા 5 કરોડ હો.પા. શક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત રૂ. 2,500 કરોડની કિંમતનાં ગાડાં/ખેતી-સાધનો વગેરે ભારત ધરાવે છે.

ભારતમાં પશુધનની સંખ્યા

પ્રાણી

વસ્તી

(દસ લાખમાં)

વિશ્વની વસ્તીના

ટકા

વિશ્વમાં

ક્રમ

ગાય

19.3

14.9

પ્રથમ

ભેંસ

7.9

52.7

પ્રથમ

ઘેટાં

4.5

4.2

ચોથો

બકરાં

11.8

18.8

પ્રથમ

ઊંટ

1.5

7.5

બીજો

ઘોડાં

1.0

16.0

ત્રીજો

ગધેડાં/ખચ્ચર

2.0

3.0

ડુક્કર

1.2

1.3

પક્ષીઓ મરઘાં-બતકાં

435

3.5

(સંદર્ભ FAD : 1993-95)

 સંખ્યાની દૃષ્ટિએ માનવવસ્તી 97.7 કરોડ અને પશુઓની વસ્તી 45.5 કરોડ છે. વિશાળ ભારત દેશ જુદા જુદા કૃષિ-હવામાન આધારિત વિસ્તારોવાળો અને પાલતુ પશુઓની વિવિધ જાતિઓથી સભર છે.

પશુપાલન-વ્યવસાય અને ખેતી-વાતાવરણીય પ્રદેશો

અનુ. વ્યવસાય મુખ્ય રાજ્યો જમીન/વરસાદ/દુષ્કાળ
1. ગોપાલન ઓરિસા, બંગાળ, બિહાર, ગુજરાત, કેરળ, કોંકણપટ્ટી સમતળ, ઓછું ચરાણ, ઓછો મધ્યમ વરસાદ, દર ત્રણ/પાંચ વર્ષે એક દુકાળ
2. ભેંસપાલન ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સમતળ સારી જમીન, સારો વરસાદ, પાંચથી દસ વર્ષે એક દુકાળ
3. ઘેટાંપાલન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિળનાડુ, જમ્મુ- કાશ્મીર રેતાળ-ડુંગરાળ જમીન,  ઓછો વરસાદ, પાંચ વર્ષે દુકાળ
4. બકરાંપાલન મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપૂર્વનાં રાજ્યો, આસામ, મેઘાલય મધ્યમ જમીન, મધ્યમ વરસાદ, વધુ વરસાદ, ચરાણ-ઝાડપાન સારાં.
5. ઊંટપાલન રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત રેતાળ જમીન, ઓછો વરસાદ
6. અશ્વપાલન રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત રેતાળ જમીન, ઓછો વરસાદ

આમ, જાનવરોની વસ્તી, માણસોની વસ્તી, જમીન, વરસાદ, હવામાનની અનુકૂળતા તથા વ્યવસાય સીધી રીતે પશુ-માવજત અને સારવાર પર અસર કરે છે. વિકસિત દેશોમાં મુખ્ય બે પ્રકારના પશુ-વ્યવસાય છે : માંસ માટે ઉછેરવામાં આવતાં જાનવરોમાં ગાય, ઘેટાં, બકરાં અને ભુંડનો સમાવેશ થાય છે. તે જ રીતે દૂધ માટે ગાય-બકરાંનો ફાળો 97 % છે.

ભારતમાં મોટાં વાગોળતાં પ્રાણીઓ (ગાય-ભેંસ), નાનાં વાગોળતાં પ્રાણીઓ (ઘેટાં-બકરાં), ઊંટ, અશ્વ તેમજ સસલાં-ભુંડ (ખૂબ નાના પાયે) જેવાં પશુઓને ઉછેરીને તેમની માવજત કરવામાં આવે છે.

જાફરાબાદી પાડો

પશુપાલનના ક્ષેત્રે ગુજરાત હમેશાં મોખરે રહ્યું છે. નવેમ્બર, 1998માં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)ખાતે યોજાયેલા છેતાળીસમાં અખિલ ભારત પશુધન અને મરઘાં પ્રદર્શનમાં ગુજરાત રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રદર્શનમાં જાફરાબાદી, મહેસાણી અને સૂરતી ભેંસો, ગીર-કાંકરેજ ગાયો, કાઠિયાવાડી વાલીઘોડા (stallion) પાટણવાડી ઘેટાં અને બકરાંએ ભાગ લીધો હતો. બતાવેલ પાંચ ફૂટ ઊંચો અને 1,300 કિલોગ્રામ વજનવાળા ‘નાગનાથ’ નામના પાડાએ પ્રદર્શન નિહાળવા આવેલ પ્રેક્ષકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

ગાય અને ભેંસ : વિષુવવૃત્ત નજીક અને ગરમ તથા ભેજવિળા પ્રદેશમાં ભેંસો જોવા મળે છે. ભારતની ભેંસો Bubalis bubalisના નામે ઓળખાય છે અને આફ્રિકાની ભેંસો ‘કરેર’ જાતિની છે. ભારતમાં ગાય કરતાં ભેંસોની વસ્તી ઓછી છે, પણ દેશના દૂધના વાર્ષિક ઉત્પાદનમાં તેનો હિસ્સો 55 % જેટલો છે. ભારતમાં ભેંસોની ઓલાદોમાં જાફરાબાદી, મહેસાણી, સૂરતી (ગુજરાત), પંઢરપુરી (મહારાષ્ટ્ર) અને મુરાહ (પંજાબ-હરિયાણા-ઉત્તરપ્રદેશ) મુખ્ય છે. માદા ભેંસોનું દૂધ-ઉત્પાદનમાં મહત્વ હોવાથી તેઓનું ગાયની જેમ જ જતન કરવામાં આવે છે. ભેંસના નર વાછરડાઓમાંથી જરૂર પૂરતા 2 % થી 5 %ને સંવર્ધન માટે રાખવામાં આવે છે. બળદ કરતાં પાડા ધીમા હોવાથી તેમનો ખેતીના કામમાં ઘણો ઓછો ઉપયોગ થાય છે.

ભારતમાં ગાયોની કુલ માન્ય ઓલાદો 28 છે. તેમાં પાંચ કેવળ દુધાળી, સોળ ઓલાદો બળદ પેદા કરવા માટે અને બાકીની સાત બંને માટે છે.

ગાય અને ભેંસ વાગોળનારાં પશુઓ છે. તેમની હોજરીના ચાર ભાગ હોય છે, જેમાં છેલ્લા ભાગમાં પાચનક્રિયા થાય છે. તેમના આવા પાચનતંત્રને લીધે તે રેસાવાળા ઘાસચારાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને જરૂરી ઍમિનોઍસિડ તથા ‘બી’ ગ્રૂપનાં પ્રજીવકો આપવાની જરૂર રહેતી નથી. શરીરના જરૂરી નિભાવ અને ઉત્પાદન માટે ખોરાક આપવામાં આવે છે. જન્મથી પુખ્ત ઉંમરનાં તે વાછરડાં, દુધાળ ગાય, ગર્ભવતી ગાય અને ભેંસો, સાંઢ, બળદ વગેરેને તેમના જીવનના તબક્કા પ્રમાણે ખોરાક આપવો જરૂરી છે. અત્યારે વય, પ્રકાર ને જૂથ પ્રમાણે દરેક પ્રકારનાં જાનવરોને જોઈતાં પોષક તત્વો મળી રહે તેવાં તૈયાર દાણ અને ખોરાક બજારમાં મળે છે; જેમાં અનિવાર્ય જરૂરી એવાં પ્રોટીન-નત્રિલ પદાર્થ, ચરબી, કાર્બોદિત પદાર્થ, ખનિજ-દ્રવ્યો અને પ્રજીવકોનો સમાવેશ થાય છે.

વાગોળનારાં પશુઓનો મુખ્ય ખોરાક ઘાસચારો હોય છે. તેમાં રેસાનું પ્રમાણ 18 % કરતાં વધારે હોય છે. લીલો ચારો ધાન્ય અને કઠોળ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. મકાઈ, ઓટ, ગિની ગ્રાસ, નેપિયર, પૅરાગ્રાસ વગેરે ધાન્ય-ચારા છે; જ્યારે રજકો, બરસીમ, વટાણા, વાલ, ચોળા, ગુવાર કઠોળ-ચારા છે. આ બંને ચારા તેમાં રહેલા પોષક પદાર્થોથી એકબીજાના પૂરક છે; તેથી બંનેનું મિશ્રણ સમતોલ આહાર બની શકે છે. લીલા ચારા (silage) માટે મકાઈ અને જુવાર ઉત્તમ છે. ઢોરને ખવડાવવાના ખ્યાલથી  બી આવ્યા પહેલાં જ ચારાને કાપી લઈ સૂકવ્યો હોય તેને ‘સુકવણી’ કહે છે. ધાન્ય પાકોની આડપેદાશને ‘પરાળ’ અથવા ‘કડબ’ કહે છે. કઠોળ અને તેલીબિયાંના પાકની આડપેદાશને ‘ગોતર’ કહે છે. પુખ્ત વયના જાનવરને તેના વજનના 2 % જેટલું સરેરાશ સૂકું ઘાસ જોઈએ છે.

જાનવરોને ઘાસચારા ઉપરાંત તેની પાસે શ્રમ કરાવવા માટે અને દૂધ-ઉત્પાદન માટે અન્ય પોષક તત્વો પણ જરૂરી છે. તેને ‘દાણ’ અથવા ‘ખાણ’ કહે છે. ગુવાર અગત્યનું દાણ છે. પરદેશમાં મકાઈ અને જુવાર મુખ્ય છે. જે અનાજ માણસોને ખાવાલાયક ન હોય તેનો દાણમાં ઉપયોગ થાય છે. મકાઈનું ભૂસું, ગ્લુટેન, ઘઉંનાં છાલાં, કઠોળની ચૂની, છોડાં, ખાદ્ય તેલીબિયાંનો ખોળ જેવી અનાજ-કઠોળની ઔદ્યોગિક આડપેદાશો; લોહી અને હાડકાંના ભૂકા જેવા પ્રાણીજન્ય પદાર્થો; મત્સ્ય-ઉદ્યોગની આડપેદાશોનો ઉપયોગ દાણના મિશ્રણમાં થાય છે. આ ઉપરાંત પરચૂરણ આડપેદાશો જેવી કે બીટની લૂગદી, ગોળની રસી અને ક્યારેક બહુ જ અલ્પ પ્રમાણમાં યુરિયા ખાતર પણ દાણમાં ઉમેરવામાં આવે છે. જુદા જુદા વર્ગોનાં પશુઓની પોષક તત્વોની જરૂરિયાત જુદી જુદી હોવાથી દાણનાં મિશ્રણો પણ તે પ્રમાણે બનાવવામાં આવે છે. આવાં દાણ બજારમાં તૈયાર મળે છે અને પશુપાલકોને તે બહુ જ અનુકૂળ પડે છે.

પાલતુ જાનવરોને કુદરતી પરિબળોથી રક્ષણ આપવા માટે રહેઠાણ જરૂરી છે. નાના પશુપાલકો પોતાના ઘરમાં જાનવરો રાખે છે, જેને વાડો, છાપરું અથવા એકઢાળિયું કહે છે. વધુ સંખ્યામાં ઢોર રાખવામાં આવ્યાં હોય ત્યારે ગૌશાળા જેવું સ્થાન જરૂરી છે. એવી ગૌશાળાઓમાં ધાવતાં વાછરડાં; ઊછરતી વોડકીઓ અને વાછરડા; દૂઝણી, ગર્ભવતી, વસૂકી ગયેલી અને માંકડ ગાયો તથા ઊછરતા સાંઢના વિભાગો હોય છે અને તેની રહેણાકની અલગ અલગ વ્યવસ્થા હોય છે, જેથી સારસંભાળ બરાબર થાય. ઢોરની સંભાળ અને માવજત માટે રાખવામાં આવેલ માણસો નિયમિત અને કાર્યક્ષમ હોવા જોઈએ. પશુપાલકે જાતે દરેક જાનવરને ઓળખવું જોઈએ અને નામ આપવું જોઈએ. રોજ બધાં જાનવરોનું બે વખત નિરીક્ષણ કરવું અને દોહતી વખતે હાજર રહેવું જોઈએ. દૂધ-ઉત્પાદન, સંવર્ધન, માંદગી વગેરેનાં પત્રકો રાખીને નિયમિતપણે રોજેરોજની માહિતી રાખવી પડે છે; જેથી દરેક જાનવરની માહિતી મળી રહે અને આર્થિક કે અન્ય કારણોસર જાનવરોનો નિકાલ કરવામાં સરળતા રહે.

વાછરડાંઓનો ઉછેર કુદરતી પદ્ધતિથી કે કૃત્રિમ રીતે કરી શકાય. નાના પશુપાલકો માટે કુદરતી ઉછેર-પદ્ધતિ ઉપયોગી છે. ગૌશાળાઓમાં કૃત્રિમ પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાછરડું જન્મે કે તરત જ એક કાતરને જંતુરહિત કરીને નાળ કાપી તેના બંને છેડા દોરાથી બાંધી દેવાય છે અને નાળ ખરી પડે ત્યાં સુધી રોજ ટિંકચર આયોડિન કે અન્ય જંતુનાશક દવા લગાડવામાં આવે છે. નાળ કાપ્યા બાદ વાછરડાને તેની માના મોં આગળ મુકાય છે, જેથી તે વાછરડાને ચાટીને કોરું કરી નાંખે. જન્મ પછી વાછરડું આંચળ શોધવાનું શરૂ કરે છે. ગાયના વિયાયા પછી આંચળમાંથી કાઢવામાં આવતા દૂધને ખીરું કહેવામાં આવે છે, જે વાછરડાને આપવું ખૂબ જ અગત્યનું હોય છે. તે ઘણું જ પૌષ્ટિક હોય છે. તેમાં પ્રતિજૈવિક પદાર્થો હોવાથી રોગ સામે રક્ષણ મળે છે અને રેચક હોવાથી આંતરડાનો મળ બહાર નીકળી જાય છે. વાછરડું જન્મ પછી પહેલા ત્રણ-ચાર દિવસ મરજી અનુસાર ધાવે છે. ત્યારબાદ દોહતી વખતે બે-વાર ધવડાવાય છે. કુદરતી ઉછેર-પદ્ધતિમાં બે અઠવાડિયાં પછી તેને ગાયથી અલગ કરવામાં આવે છે અને બે માસની ઉંમર સુધી તેને તેના વજનના દસ ટકા જેટલું દૂધ અપાય છે. આઠ કે દસ દિવસની ઉંમર થાય ત્યારે એકાદ મૂઠી જેટલું દાણ પણ તેને નીરવામાં આવે છે અને તેને દૂધમાં પલાળીને ખાવાની ટેવ પાડવામાં આવે છે. તેને દરરોજ લીલું કુમળું ઘાસ નિરાય છે; સારી કક્ષાનો લીલો સૂકો ચારો પણ અપાય છે અને તેનું પ્રમાણ દરરોજ વધારતા જવાનું હોય છે.

કૃત્રિમ ઉછેર-પદ્ધતિમાં વાછરડાને જન્મ પછી ત્રણથી ચાર દિવસ ખીરું આપવામાં આવે છે. ત્યારબાદ બે અઠવાડિયાં સુધી દરરોજ અઢીથી સાડાચાર લીટર જેટલું દૂધ વજન પ્રમાણે આપવામાં આવે છે. ત્રીજા અઠવાડિયા દરમિયાન પૂર્ણ દૂધ ઓછું કરી સેપરેટ દૂધ નાંખવામાં આવે છે અને અંતે ફક્ત સેપરેટ દૂધ જ આપવામાં આવે છે; જે લગભગ સાડાચાર લીટર જેટલું હોય છે. ત્યારબાદ પાંચમા, છઠ્ઠા અને સાતમા અઠવાડિયે અનુક્રમે પાંચ-સાડા પાંચ કે છ લીટર દૂધ અપાય છે; જે છ માસ સુધી ચાલુ રખાય છે. ચોથા અઠવાડિયાથી દાણ આપવાનું શરૂ કરાય છે; જેમાં ચોથા અઠવાડિયે રોજનું 100 ગ્રામ, પાંચમા અઠવાડિયે 200થી 250 ગ્રામ, છઠ્ઠા અઠવાડિયે 350થી 400 ગ્રામ અને ત્યારબાદ બે માસની ઉંમર સુધી 500 ગ્રામ દાણ આપવામાં આવે છે. ત્રીજા માસે દાણનું પ્રમાણ એક કિલો કરવામાં આવે છે. ચોથાથી છઠ્ઠા માસ સુધી રોજ દોઢ કિલો દાણ અપાય છે. પંદર દિવસની ઉંમરે લીલું કુમળું ઘાસ આપવાનું શરૂ કરવામાં આવે છે અને પ્રમાણ ક્રમશ: વધારવામાં આવે છે. વાછરડું તે ખાય તેટલું અપાય છે. સેપરેટ દૂધ પ્રાપ્ય ન હોય ત્યારે કૃત્રિમ દૂધ (milk replacer) અને વાછરડા માટેનું જે ખાસ દાણ (calf starter) આવે છે તે ખવડાવીને તેને ઉછેરવામાં આવે છે. વાછરડાને ખીરું આપ્યા પછી દસપંદર દિવસ દૂધ આપવામાં આવે છે અને પછી કૃત્રિમ દૂધ, જે ભૂકીના સ્વરૂપમાં બજારમાં મળે છે તેને ઓગાળીને પિવડાવવામાં આવે છે. દસ દિવસની ઉંમરથી ઉછેર-દાણ શરૂ કરવામાં આવે છે અને બે માસની ઉંમરે જ્યારે વાછરડું ઉછેર-દાણ પૂરતા પ્રમાણમાં ખાવા લાગે ત્યારે કૃત્રિમ દૂધ બંધ કરાય છે અને દાણનું પ્રમાણ ધીમે ધીમે વધારી રોજનું બે કિલો કરવામાં આવે છે. ચાર માસની ઉંમર પછી સાદું દાણ અપાય છે અને લીલું કુમળું ઘાસ પંદર દિવસની ઉંમરથી શરૂ કરી પ્રમાણ વધારતા જઈ ખાય તેટલું અપાય છે. દસ દિવસની ઉંમરે વાછરડાનાં શિંગડાંનાં અંકુરની આસપાસના વાળ કાપી નાંખીને વૅસેલીન ચોપડી ત્યારબાદ અંકુર પર કૉસ્ટિક સોડા કે પૉટાશની લાકડી ફેરવવામાં આવે છે; જેથી શિંગડાંના અંકુરના કોષો બળીને દસેક દિવસમાં ખરી પડે છે અને તેની વૃદ્ધિ અટકે છે. તથા શિંગડાં ઊગતાં નથી. ડામ આપીને અને વીજળીની ગરમીથી પણ શિંગડાંના અંકુરો બાળી શકાય છે. શિંગડાં વગરનાં ઢોરની માવજત સહેલી પડે અને ભય ઓછો રહે છે.

દુધાળાં અને આર્થિક રીતે ઉપયોગી ઢોરોને ઓળખચિહ્નો આપવાં જરૂરી છે; જેથી તેની દરેક પ્રકારની નોંધ રહે અને ચોરી જેવા કિસ્સામાં માલિકીહક્ક સાબિત કરવા માટે પણ ઉપયોગી થાય. વાછરડાના જન્મ પછી એક અઠવાડિયામાં જ તેના કાનની અંદરના ભાગમાં છૂંદણાંથી નંબર આપવામાં આવે છે, જેને ‘ટેટુ નંબર’ કહે છે. પોલાદની પટ્ટી પર ઓળખ માટેના અક્ષરો અને આંકડા ઉપસાવીને કાનમાં પહેરાવવામાં આવે છે, જેને ‘ઇયર ટૅગ’ કહે છે. લોખંડના સળિયા દ્વારા ડામ આપીને અથવા રસાયણ દ્વારા ઢોરના થાપા પર નિશાન પાડવામાં આવે છે અને ક્યારેક ઢોરને નંબર ધરાવતી તકતીઓ ગળામાં પહેરાવાય છે.

વાછરડાં ધાવતાં બંધ થાય ત્યારથી તે પ્રથમ વાર વિયાય ત્યાં સુધીની અવસ્થામાં તેમને ‘વોડકાં’ કહેવામાં આવે છે. વિકાસ પામતી વોડકીઓને ઉત્તમ પ્રકારનાં કઠોળ અને ધાન્ય-ચારો છૂટથી ખવરાવવાનાં હોય છે. જો ચારાની ગુણવત્તા હલકી કે મધ્યમ કક્ષાની હોય તો રોજનું એક કિલોગ્રામ દાણ અપાય છે. તેમાં 15થી 20 ગ્રામ મીઠું પણ ઉમેરવું જરૂરી હોય છે. વોડકાંઓ માટે તૈયાર ક્ષાર-મિશ્રણો પણ મળે છે, જે દાણમાં આપવાં ઇચ્છનીય ગણાય છે. દેશી ઓલાદની ગાયોની વોડકીઓ બેથી અઢી વર્ષે પુખ્ત બની ઋતુમાં આવે છે. ભેંસોની વોડકીઓ આશરે ત્રણ વર્ષની ઉંમરે, સંકર વોડકીઓ બેથી અઢી વર્ષની ઉંમરે અને પરદેશી ઓલાદોની વોડકીઓ 16થી 20 માસની ઉંમરે ઋતુમાં આવે છે. ઋતુમાં આવવાની થાય તેવી વોડકીઓને દુધાળાં જાનવરોથી અલગ રાખવામાં આવે છે. ઋતુમાં આવેલ વોડકીનું કુદરતી રીતે અથવા કૃત્રિમ બીજદાન દ્વારા ગર્ભાધાન કરાવાય છે. વોડકીઓને વર્ષમાં બે વાર પેટના કૃમિઓ-આંતરપરોપજીવીઓ સામે રક્ષણ માટે દવાઓ અપાય છે અને દર વર્ષે એક વાર ખરવા-મોવાસાની રસી; બળિયા, ગળસૂંઢો, કાળિયો તાવ, ગાંઠિયો તાવ તથા જે તે વિસ્તારમાં દેખાતા અન્ય રોગોની રસીઓ નિયત સમયે આપવામાં આવે છે.

ગર્ભધારણથી પ્રસવ સુધીનો ગાળો ગાયોમાં 280થી 285 દિવસનો હોય છે. ભેંસોમાં આ ગાળો આઠથી દસ દિવસ વધારાનો હોય છે. આ દિવસો દરમિયાન ગર્ભવતી વોડકીનો પોતાનો અને ગર્ભનો વિકાસ થતો હોઈ તેને રોજના ચાલુ ખોરાક ઉપરાંત દોઢથી બે કિલોગ્રામ વધારે દાણ અને સાથે 20થી 25 ગ્રામ ક્ષારમિશ્રણ અપાય છે. વિયાવાની અંદાજિત તારીખના પંદરેક દિવસ પહેલાં વોડકીને સારા જંતુરહિત વિયાણ-ઘરમાં રખાય છે. પ્રસવ-વેદના શરૂ થાય ત્યારથી વોડકી પાસે રહેવું જરૂરી હોય છે. ત્યારે તકલીફ જણાય તો પશુચિકિત્સકને પણ બોલાવવામાં આવે છે. બચ્ચું જન્મે, શ્વાસ લેતું થઈ, કોરું થઈ, ફરવા માંડે પછી ગાયને સુવા, મેથી, અસેળિયો અને બાજરી કે જુવાર બાફી તેમાં ગોળ-તેલ મેળવી પછી મકાઈ કે ઘઉંનું ભૂસું મેળવી ખાવા આપવામાં આવે છે. ચારથી છ કલાક પછી ગર્ભાશયમાંથી ઓર પડી જાય તેને દાટી દેવામાં આવે છે.

દૂઝણાં ઢોર સાથેનાં વર્તન-વ્યવહારમાં માયાળુતા અને દૈનિક કાર્યક્રમમાં નિયમિતતા અત્યંત આવશ્યક છે. ખોરાક આપવો, ઘાસચારો નીરવો, ફરવા-ધોવા લઈ જવાં, તેમને દોહવાં – આ બધાં કાર્યો નિયત સમયે જ થવાં જોઈએ. જાનવરો તેમના શરીરના વજનના દોઢથી ત્રણ ટકા જેટલો સૂકો ચારો ખાય છે. સરેરાશ ખાણ અઢી ટકા અપાય છે, જેમાં ત્રીજો ભાગ લીલો ચારો તથા કઠોળ અને ધાન્ય ચારાનું સરખે ભાગે મિશ્રણ હોય છે. ઢોરને સૂકો ચારો પેટપૂર અપાય છે. શરીરના નિભાવ માટે રોજનું દોઢ કિગ્રા. દાણ અને દૂધ-ઉત્પાદન માટે તેના ઉત્પાદનના 30 %થી 40 % જેટલું વધારાનું દાણ અપાય છે. તેમાં 20થી 25 ગ્રામ ક્ષારનું મિશ્રણ થાય છે. દોહતી વખતે દાણ ખાવા આપવાથી અને શાંતિ રાખવાથી દૂધ વ્યવસ્થિત રીતે પૂરેપૂરું દોહી શકાય છે. પ્રથમ પ્રસૂતિ પછી દૂઝણાં ઢોરના ગર્ભાશયને અસલ પરિસ્થિતિ પ્રાપ્ત કરતાં અને પુન: કાર્યક્ષમ થતાં લગભગ બે માસનો સમય લાગે છે. તે સમયે ઋતુમાં આવે ત્યારે ફરી ગર્ભાધાન કરાવાય છે. વિયાણ પછી 85 દિવસે જાનવર સગર્ભા થાય તો આર્થિક દૃષ્ટિએ ફાયદો રહે છે. વસૂકી ગયેલી સગર્ભા માદાના શરીરમાં ગર્ભ ઝડપથી વિકાસ પામતો હોઈ, ગર્ભાવસ્થાના સાતમા માસથી તેને નિભાવના ખોરાક ઉપરાંત વધારાનું રોજ દોઢથી બે કિગ્રા. દાણ અને 20થી 25 ગ્રામ ક્ષાર-મિશ્રણ આપવામાં આવે છે. લીલો ચારો પૂરતો આપવામાં આવે છે. દૂધ-ઉત્પાદન સાથે સંકળાયેલાં સઘળાં જાનવરોને ચેપી રોગોથી મુક્ત રાખવાં પડે છે. તે માટે ક્ષય અને યોહાન્સ રોગ તથા ચેપી ગર્ભપાતનું વર્ષમાં એક વાર પરીક્ષણ કરાવવાનું રહે છે. નિયત સમયે ખરવા-મોવાસા, બળિયા, ગળસૂંઢો વગેરે રોગોની રસી મુકાવવાની હોય છે.

દૂઝણાં ઢોરને વાછરડાં જન્મે તેમાંથી અડધાં નર હોય છે. આ વાછરડાંઓમાંથી આશરે બેથી પાંચ ટકાને પસંદ કરી પ્રજોત્પત્તિ માટે ઉછેરવામાં આવે છે. સાંઢ માટે પસંદ કરવામાં આવતા વાછરડાંઓ બાહ્ય દેખાવમાં ઓલાદને અનુરૂપ અને ઉત્તમ વંશાવળીના હોવાં જોઈએ. છ માસ સુધી નર અને માદા વાછરડાંઓ ભેગાં ઊછરે છે.  ત્યારબાદ સાંઢ તરીકે પસંદ થયેલ વાછરડાંઓને જુદા કરી નંદીઘરમાં રાખવામાં આવે છે. સાત માસની ઉંમરથી ત્રણ વર્ષ સુધી તેને રોજ બેથી ચાર કિગ્રા. દાણ, 10થી 15 ગ્રામ મીઠું, 5થી 10 કિગ્રા. લીલો ચારો અને સારી કક્ષાનો સૂકો ચારો પેટપૂર અપાય છે. દસ માસની વયે નાકમાં તાંબા કે પિત્તળની કડી પહેરાવવામાં આવે છે અને નાથ નાંખવામાં આવે છે. સાંઢને એક જગ્યાએ બાંધી રોજ તેના શરીર પર માથાથી શરૂ કરી પૂંછડી સુધી અને પગની ખરી સુધી હાથિયો ફેરવવામાં આવે છે. રોજ નવી દિશામાં ત્રણેક કિમી. જેટલું ફેરવવામાં આવે છે.

આઉની રચના-દુગ્ધનિર્માણ : ગાય-ભેંસના આઉમાં જમણી અને ડાબી એમ દરેક બાજુએ બે બે મળી કુલ ચાર સ્તન-ગ્રંથિઓ (અડાણ) હોય છે. આઉ અવલંબી બંધ વડે શરીરથી જોડાયેલ હોય છે. દરેક ગ્રંથિમાં દૂધસ્રાવી કાદૃષ્ટિકાઓનાં ઝૂમખાં આવેલાં હોય છે, જે લોહીમાંથી વિવિધ તત્વો શોષી દુગ્ધઘટકોનું નિર્માણ કરે છે. દુગ્ધનિર્માણ સતત  ચાલતી પ્રક્રિયા છે. દરેક ગ્રંથિમાંથી પેદા થયેલ દૂધ આઉની ટાંકીમાં સંગ્રહાઈ રહે છે. તેની સરેરાશ સંગ્રાહકશક્તિ 570 મિલી. જેટલી હોય છે. જે તે ગ્રંથિનું દૂધ તેના આંચળ મારફતે બહાર નીકળે છે. શરીરમાંથી થતા દૂધના સ્રાવમાં પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રવતો ઑક્સિટોસિન અંત:સ્રાવ મહત્વનો ભાગ ભજવે છે.

જંતુરહિત અને સ્વચ્છ દૂધ મેળવવા દુધાળાં ઢોરને નવડાવવામાં આવે છે. દૂધ દોહનાર નીરોગી હોય અને દોહન દરમિયાન તેના હાથ તદ્દન સ્વચ્છ હોય તેની તકેદારી રખાય છે. દોહનનાં વાસણો પણ સ્વચ્છ અને જંતુરહિત હોવાં જોઈએ.

ઊંચી ઉત્પાદકતા ધરાવતી ગાયોની માવજત : (1) કોઢમાં છૂટી રાખેલ ગાયો-ભેંસો ખોરાક તથા પાણી ગ્રહણ કરવા તેમજ ખોરાકનું પાચન કરવા શક્તિમાન હોય છે. 24 કલાક બાંધી રાખેલાં દુધાળાં પશુઓની સરખામણીએ તે 10 %થી 12 % જેટલું વધુ દૂધ પેદા કરે છે. વધુ દૂધ આપતી દુધાળ ગાયો-ભેંસો મોટેભાગે બેસી રહેવાનું પસંદ કરે છે. તેથી ફરજિયાતપણે 1થી કલાક (4 કિમી. જેટલું) ચલાવવા/દોડાવવાની કસરત કરાવવાથી ઢોરની તંદુરસ્તી જળવાય છે અને તેની દૂધ-ઉત્પાદનક્ષમતા વધે છે.

(2) દૂધમાં રહેલ ચરબીનું પ્રમાણ પશુની આનુવંશિકતા પર આધારિત છે. જોકે માવજત, ઉછેર અને સમતોલ આહાર વડે તેનું પ્રમાણ વધારી શકાય છે. દુધાળાં પશુના આહારમાં દાણ અને લીલો ચારો + સૂકો ચારો 50:50ના પ્રમાણમાં હોય તે ઇચ્છનીય છે.

(3) ઉનાળામાં ગરમ ભેજવાળી પ્રતિકૂળ ઋતુની અસર હેઠળ પશુઓનો ખોરાક ઘટતાં દૂધનું પ્રમાણ તથા દૂધમાં રહેલ ચરબીની ટકાવારી  બંને ઘટે છે. વધુ દૂધ-ઉત્પાદન આપતાં પશુઓના આહારમાં 4 % જેટલી ફૅટ કે નાળિયેર તેલ/પામોલીન તેલ/સોયાબીન તેલનો 8 %થી 10 % જેટલો સમાવેશ કરી શકાય. તેમને રાત્રે પણ ખોરાક આપવો.

(4) દૂધ-ઉત્પાદન વ્યવસાય(Dairy)માં આર્થિક સક્ષમતા મેળવવા વેતરદીઠ 2,200થી 2,500 કિલો કે તેથી વધુ દૂધ આપતાં પશુઓ પસંદ કરવાં અનિવાર્ય છે. દૈનિક દૂધનું પ્રમાણ ગાય માટે 20 કિલો અને ભેંસ માટે 15 કિલો અપેક્ષિત હોય છે. તેથી તેવાં દૂઝણાં ઢોર પસંદગી પામે તે જરૂરી છે. તેમની પ્રથમ વિયાણની ઉંમર સંકર-પશુઓ માટે 30 માસ અને દેશી ગાય-ભેંસ માટે 40 માસ હોય તે ઇચ્છનીય છે. વળી સરેરાશ 15 માસના અંતરે નિયમિત વિયાણ આપે તે પણ ઇચ્છનીય છે.

(5) દરરોજ બે સમય જાનવરોને હાથિયો કરવાથી તેમના શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે, પાકટ વાળ ખરી પડે છે. સાથે સાથે બાહ્ય પરોપજીવીઓનો નિકાલ સમયસર કરી શકાય છે.

(6) ગાય/ભેંસ પોતાના આંચળ કે બીજી ગાયના આંચળ ધાવી દૂધ પી જાય છે. તેવું ન કરે તે માટે તેમના ગળે ડેરો બાંધવામાં આવે છે.

વોડકી-પાડી-ઉછેર : વોડકી-પાડીઓનો આવકમાં સીધો ફાળો ન હોવાથી તેમની માવજત-સંભાળ બાબતમાં ઉપેક્ષા થાય છે, પરંતુ તેમનું ભાવિ ગાય-ભેંસ તરીકેનું તો મહત્વ છે જ. પૂરતાં પોષણ-માવજતના અભાવે તેમનો વૃદ્ધિદર તેમજ તેમની પ્રજનનક્ષમતા ઘટે છે. સગર્ભા ન થતી વોડકી-પાડીઓનો નિકાલ કરવામાં આવે છે.

યંત્રીકરણ દ્વારા ગાય-ભેંસોની માવજત : દુગ્ધ-વ્યવસાયની જરૂરિયાતને પહોંચી વળવા એક જ વાડામાં અનેક ઢોરને રાખી તેમનું પાલન-પોષણ કરવામાં આવે છે. તેથી સમૂહમાં રાખવામાં આવતા વાડાની સ્વચ્છતા જાળવવા આ રહેઠાણોમાં ગરમી, ભેજ અને પ્રકાશના પ્રમાણનું યોગ્ય નિયમન કરવા, ખાણ-દાણ ખવડાવવા, પાણી પિવડાવવા તેમજ દૂધના દોહન માટે યંત્રીકરણ પદ્ધતિ અપનાવવામાં આવે છે. દાખલા તરીકે માત્ર એક ફુવારા વડે એકીસાથે અનેક ઢોરોને નવડાવી શકાય છે. તે જ પ્રમાણે યોગ્ય ઊંચાઈમાં બાઉલ મૂકીને ઢોરને પાણી પિવડાવવામાં આવે છે. વાછરડાને દૂધ પિવડાવવા માટે પણ બાઉલનો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે ફૅક્ટરીમાં તૈયાર કરેલ ઘનિષ્ઠ ખોરાકને પેલેટ સ્વરૂપમાં અને ઘાસચારાનું નીરણ ગભાણમાં બેલર વડે એકીસાથે પહોંચાડી શકાય છે.

છાણ-મૂત્ર ગટર દ્વારા સીધાં ગમાણમાં (slurry-pit) ભેગાં થાય તેવી વ્યવસ્થા કરી પંપ દ્વારા તેમને ખાસ બનાવેલ એક ખાડામાં ઠલવાય છે. તેનો ઉપયોગ યંત્ર વડે સેંદ્રિય ખાતર તૈયાર કરવામાં અને બળતણ-ગૅસમાં કરી શકાય છે.

ડેરી-ઉદ્યોગમાં હાલમાં કમ્પ્યૂટરનો બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વળી પશુચિકિત્સા અને માવજતના ભાગ રૂપે રોગપરીક્ષણ, આરોગ્યની જાળવણી, રસીકરણ, ગર્ભ-પ્રત્યારોપણ જેવી વ્યવસ્થાઓ કરવાથી, પશુજન્ય  ઉત્પાદનોનો લાભ સારી રીતે મેળવી શકાય છે.

ઘેટાં-બકરાંની વ્યવસ્થા-માવજત : દુનિયાના જે વિસ્તારોમાં ઢોરોનો ઉછેર સફળતાપૂર્વક કરી શકાતો નથી ત્યાં ઘેટાં-બકરાં ઉછેરી શકાય છે. ગાંધીજીએ કહ્યું છે તે પ્રમાણે ઘેટી-બકરી ગરીબોની ગાય છે. ઘેટાંઉછેર દ્વારા ઊન-વેચાણ તથા બચ્ચાંના વેચાણ(માંસ)માંથી આવક થાય છે, જ્યારે બકરાંપાલનમાં દૂધ અને બચ્ચાંના વેચાણ દ્વારા આવકની પ્રાપ્તિ થાય છે. ઘેટાં ‘નીંદણ-નાશક’ પ્રાણીની ગરજ સારે છે. તેના ખાતરમાં નાઇટ્રોજન અને પોટૅશિયમનું પ્રમાણ ઢોરના ખાતરની સરખામણીએ લગભગ બેગણું હોય છે. બકરાંમાં પ્રતિકૂળ પર્યાવરણિક પરિબળોનો સામનો કરવાની શક્તિ અદ્ભુત છે. વળી તેની ઊંચી પ્રજનન-ક્ષમતાને કારણે દૂધ-ઉત્પાદન ઉપરાંત માંસ-ઉત્પાદન માટે બકરી આર્થિક રીતે મહત્વનો ભાગ ભજવે છે.

ભારતમાં ઘેટાંની વસ્તી આશરે 4.5 કરોડ તથા બકરાંની 11.8 કરોડ જેટલી છે, જે સંખ્યાબળની દૃષ્ટિએ વિશ્વમાં છઠ્ઠા અને પ્રથમ ક્રમે છે. આમ ભારતમાં ઘેટાં-બકરાંની વસ્તી, તેના સૂકા કે અર્ધસૂકા / રણપ્રદેશ તેમજ ડુંગરાળ-પર્વતીય વિસ્તારના સક્ષમ ઉપયોગની દૃષ્ટિએ મહત્વની છે. ભારતના આર્થિક માળખામાં ઘેટાં-બકરાંની અગત્ય ઘણી છે.

ભારતમાં દર વર્ષે ઘેટાં-બકરાંના (સંદર્ભ : ઇન્ડિયા : 2017-18/19) ઉછેરથી આશરે 43.5 લાખ કિલો ઊન, 165.4 લાખ ટન દૂધ અને 7.4 લાખ ટન માંસનું ઉત્પાદન થાય છે.

ભારતમાં પેદા થતું મોટાભાગનું ઊન 35 માઇક્રોનની તંતુજાડાઈ, 30 % મેદાવૃત તંતુઓ અને 5થી 6 સેમી. તંતુલંબાઈ ધરાવતું હોઈ તે જાજમ બનાવવા માટે વપરાય છે. બીકાનેરી, લોહી, પાટણવાડી, મારવાડી ઘેટાં મધ્યમથી ઉચ્ચ ગુણવત્તાવાળું જાજમના ઉપયોગમાં આવે એ પ્રકારનું ઊન પેદા કરે છે; જ્યારે દક્ષિણ તથા પૂર્વ ભારતનાં ઘેટાં ખૂબ જ નિમ્ન કક્ષાનું (વાળ પ્રકારનું) ઊન પેદા કરે છે, જેથી તેનો ઉપયોગ મુખ્યત્વે માંસ-ઉત્પાદન અર્થે કરવામાં આવે છે.

ઘેટાં-બકરાં ઉછેર : રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આછો વરસાદ ધરાવતા સૂકા પ્રદેશોમાં ઊન પેદા કરતાં ઘેટાંની વસ્તી મોટા પ્રમાણમાં છે. વિંધ્યાચળથી નીલગિરિ સુધીના દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તમિળનાડુ રાજ્યોમાં વાળ પેદા કરતાં ઘેટાંની વસ્તી વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના ડુંગરાળ પ્રદેશોમાં બારીક-સુંવાળું ઊન પેદા કરતાં ઘેટાં ઉછેરી શકાય તેવી કુદરતી અનુકૂળતાઓ છે.

નદીકાંઠાનાં કોતરો, ડુંગરાળ પ્રદેશ અને ખડકાળ સપાટ પ્રદેશમાં સ્થાયી રૂપે મોટાં ટોળાંમાં બકરાં રાખવામાં આવે છે. જ્યાં ચરિયાણની અછત રહે તેવા વિસ્તારોનાં બકરાંનાં ટોળાં ખોરાક-પાણીની શોધમાં વિચરતાં અસ્થાયી રૂપે જોવામાં આવે છે.

ભારતમાં વંશપરંપરાથી ઘેટાં-બકરાં-ઉછેરનો વ્યવસાય કરનાર લોકો વિશિષ્ટ વર્ગના છે. તે ઋતુના ફેરફાર અનુસાર ચરિયાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી અસ્થાયી ભટકતું જીવન ગુજારે છે. જે તે પ્રદેશની ખેતીના પ્રકાર મુજબ, તેમણે તેમની ઘેટાં-બકરાં સાથે સ્થળાંતર કરવાની ગતિવિધિ નક્કી કરેલી હોય છે.

ઘેટાં-બકરાં-ઉછેરની અર્ધઘનિષ્ઠ પદ્ધતિમાં પ્રજનનઋતુ પૂર્વે, અગ્રવર્તી ગર્ભકાળ દરમિયાન ઘેટી-બકરી તેમજ લવારાં-ગાડરાંને પૂરક ઘાસચારો/દાણ પૂરું પાડવાનો તથા પ્રતિકૂળ-વિષમ વાતાવરણ સામે સંભવિત રક્ષણનો સમાવેશ થાય છે.

ચરિયાણ જમીનનો ઘટાડો, પશુઓનું વધુ પડતું દબાણ, ચરિયાણની નિમ્નતા તેમજ ઘેટાં-બકરાંના પાલનની આર્થિક બાજુને ધ્યાનમાં લઈ અપ્રચલિત ખાણ-દાણના ઉપયોગ (પ્રોટીન 14 %) વડે આર્થિક રીતે પોષણક્ષમ આહાર અપનાવી માંસ-ઉત્પાદન અર્થે લવારાં-ગાડરાંનો ઉછેર કરી વેચાણ કરવાનો વ્યવસાય ઘનિષ્ઠ સ્વરૂપે અસ્તિત્વમાં આવેલ છે. આમાં ઓછી કિંમતનાં ઘેટાંઘર બનાવી ઉછેરી શકાય છે.

ઘેટાંમાં ઊન-કાતરણીનું કાર્ય વર્ષમાં બે વખત (હોળી તથા દશેરાની આસપાસ) હાથ-કાતરથી કે મશીન વડે કરવામાં આવે છે. કાતરણી પછી હલકી કક્ષાનું ઊન વીણી, ગડી કરી, વર્ગીકરણ કરી ગુણવત્તા મુજબ તેનો જાજમ/વસ્ત્ર અર્થે ઉપયોગ થાય છે. બકરાંમાંથી પ્રાપ્ત દૂધ તેના પોષણમૂલ્ય તેમજ પાચ્યતાને કારણે બાળકો, વૃદ્ધો અને રોગિષ્ઠો માટે શ્રેષ્ઠ ગણાય છે.

ઘેટાં-બકરાંમાં સંકરણ/સંકર-સંવર્ધન : જાજમમાં કામ આવે એવું ઊન પેદા કરતાં ઘેટાં(ચોકલા, માગરા, પાટણવાડી, નાલી, જેસલમેરી વગેરે)નું મેરીનો તથા રૅમબુલે પરદેશી ઘેટાં સાથે સંકરણ કરી અવીવસ્ત્ર, અવીકાલીન, હીસારડેલ, ભારત મેરીનો, કાશ્મીર મેરીનો, પાટણવાડી સિન્થેટિક જેવી નવી ઘેટાંની જાત પેદા કરવામાં આવી છે. તે ઊંચા પ્રકારની જાજમમાં કામ આવે તેવું અથવા વસ્ત્રોપયોગી ઊન પેદા કરે છે.

નિમ્ન કક્ષાના જાજમ-ઊનવાળાં (માલપુરા, સોનાડી) તથા વાળ-પ્રકારનું ઊન પેદા કરતાં (નેલોર, માંડ્યા વગેરે) ઘેટાંનું ડૉરસેટ અને સફોક જેવાં પરદેશી ઘેટાં સાથે સંકરણ કરીને મટનની સિંથેટિક જાતો પેદા કરવામાં આવેલ છે.

બકરાંમાં દૂધ-ઉત્પાદન વધારવા માટે બારબરીના આલ્પાઇન તથા સાનેન બકરાં સાથે અને સિરોહીના ટોગનબર્ગ સાથે સંકરણકાર્ય હાથ ધરવામાં આવેલ છે. વળી જમનાપારી અને બીટલ બકરાંનું બ્લૅક બેંગાલ જેવી ઓલાદ સાથે સંકરણ કરવામાં આવેલ છે.

સંકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ સંકર ઘેટાં-બકરાં ઘનિષ્ઠ ઉછેરપદ્ધતિમાં આર્થિક રીતે ખૂબ જ લાભદાયી પુરવાર થયાં છે; પરંતુ નિમ્ન કક્ષાનાં ચરિયાણ, પૂરતાં પોષણ અને માવજતને અભાવે ગ્રામકક્ષાએ અથવા માલધારીઓ પાસે તેઓ તેમની ઉચ્ચતા સાબિત કરી શક્યાં નથી.

અશ્વપાલન : ઘોડ-દોડ માટે, લશ્કર અને નાગરિકસંરક્ષણ અને શોખ માટે અશ્વપાલન કરવામાં આવે છે. ભારતમાં ઘોડાની નવ ઓલાદો છે; જેમાં કાઠિયાવાડી, બલૂચી, અણમોલ અને મારવાડી મુખ્ય છે તેમજ વિદેશી ઓલાદોમાં થરો બ્રેડ, સ્ટાન્ડર્ડ અને અરબી મુખ્ય છે. ઘોડાઓને કેવા પ્રકારના કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે ધ્યાનમાં રાખી તે અનુસાર તેમની વ્યવસ્થા અને માવજત કરવામાં આવે છે.

વછેરીઓ 30 માસની ઉંમરે ઋતુમાં આવે છે અને જો તેમનો શારીરિક વિકાસ પૂરતો થયો હોય તો જ સંવર્ધન કરવામાં આવે છે. તેનો સગર્ભાવસ્થાકાળ 300થી 350 દિવસનો હોય છે. વછેરીઓ કુદરતી રીતે અથવા કૃત્રિમ બીજદાન દ્વારા ફેળવવામાં આવે છે. સગર્ભા થયા પછી વિયાણના વીસેક દિવસ અગાઉ તેને વિયાણ-ઘરમાં રાખવામાં આવે છે, જેનું સરેરાશ માપ 5 × 5 મી. હોવું જોઈએ. ત્યાં પૂરતાં હવા-ઉજાસવાળી સ્વચ્છ જગ્યા પર કુમળા ઘાસની પથારી કરાય છે. ઘોડીને વિયાણ વખતે કોઈની હાજરી ગમતી નથી. તેથી ફક્ત ઓળખીતા અને જાણકાર માણસે તેની નજરે ચડ્યા વિના નિરીક્ષણ કરવું પડે છે. ઘોડીના બચ્ચાને ઓરનાં આવરણો ચીરીને બહાર કાઢવું પડે છે, જેથી ગૂંગળાઈને મૃત્યુ પામે નહિ. નાળ કાપ્યા પછી વિયાણઘરમાં ઘોડીને લીલો ચારો, જરૂરી સૂકો ચારો અને હલકો સુપાચ્ચ ખોરાક આપવામાં આવે છે. વછેરાઓમાંથી જરૂરી સારા અને તંદુરસ્ત વછેરાઓને સંવર્ધન માટે પસંદ કરીને, અન્ય નર વછેરાઓને ખસી કરી, કામના ઉપયોગમાં લેવામાં આવે છે. બે વર્ષે વછેરો સંવર્ધન માટે તૈયાર થાય છે. આવા વછેરાની માવજતમાં નિયમિતતા અને ચોકસાઈ જરૂરી છે. બે વર્ષની ઉંમરે તેનો છૂટથી ઉપયોગ કરવામાં આવતો નથી. પાંચ વર્ષની ઉંમર પછી તેનો કુદરતી રીતે અથવા કૃત્રિમ બીજદાનથી છૂટથી ઉપયોગ કરી શકાય. આવા વાલી-ઘોડાઓને જુદાં જુદાં હવાઉજાસવાળાં પાકાં મકાનોમાં રાખવામાં આવે છે.

જન્મ બાદ વછેરું 30થી 90 મિનિટમાં ધાવતું થઈ જાય છે. વછેરાને ચાર દિવસ ઘોડી સાથે રાખવું પડે છે. પછી ધીરે ધીરે છૂટા રહેવાની ટેવ પડાય છે. પંદર દિવસે અલગ કરાય છે. ત્રીજે અઠવાડિયે વછેરાં ઘાસ ખાતાં થાય છે; પરંતુ આઠ મહિના સુધી તેઓ ધાવે છે. ઘોડા ઘાસ ખાનારાં સાદી હોજરીવાળાં પશુ છે. તેની પાચનશક્તિ વાગોળનારાં પશુઓ કરતાં ઓછી હોવાથી તેમને સારો ઉત્તમ કક્ષાનો રજકા જેવો લીલો ચારો વધુ આપવો પડે છે. છથી સાત કિગ્રા. લીલો સૂકો ચારો અને ઓટ, ઘઉંનું ભૂસું, ચણામિશ્રિત દાણ, તેમાં 25થી 30 ગ્રામ મીઠું ઉમેરીને ઘોડાને અપાય છે. આખા દિવસમાં એક જાનવરને સાડા પાંચ કિગ્રા. દાણ અપાય છે; પણ જો લીલો ચારો પુષ્કળ પ્રમાણમાં મળતો હોય તો દાણ ઘટાડી શકાય છે. ખોરાકને દિવસમાં ત્રણથી ચાર ભાગમાં વહેંચીને અપાય છે. ખોરાક આપ્યા પહેલાં અને ત્યારબાદ એક કલાકે પાણી પિવડાવાય છે.

ઘોડાને રાખવાની જગ્યાને તબેલા (stable), ખાનાં (stalls) કે અશ્વઘર (loose box) કહે છે. એક ઘોડા માટે 3.5 મી. x 3.0 મી. જગ્યા જોઈએ. દરેક જાનવરને જુદું રાખવામાં આવે છે. ઘોડાને રાખવાની જગ્યામાં ડાંગરનું પરાળ અને ઘાસની સુંવાળી પથારી જરૂરી હોય છે. દર અઠવાડિયે એક ઘોડાને લગભગ 27થી 30 કિગ્રા. પરાળની જરૂર પડે છે. રોજનું છથી આઠ કલાક સવારી કે ભારવહનનું કામ કરતા ઘોડા સિવાય તમામ ઘોડાઓને દરરોજ બે કલાક નિયમિત અને પૂરતા પ્રમાણમાં કસરત જરૂરી છે.

ઘોડાને સવારે 10થી 15 કિમી.ની ઝડપે એક કલાક દોડાવવામાં આવે તો તેને જરૂરી કસરત મળી રહે છે. આ શક્ય ન હોય ત્યારે ઘોડાના ચોકઠાને બંને બાજુએ 6થી 8 મી. લાંબાં દોરડાં બાંધી, માણસે એક જગાએ ઊભા રહી, ઘોડાને ગોળ કૂંડાળામાં વારાફરતી બંને દિશામાં આશરે 2 કલાક દોડાવવો પડે છે.

ઘોડાઓને નવડાવવામાં આવતા નથી, પણ તેમનો ખરેરો નિયમિત રીતે કરવો જરૂરી હોય છે. સવારના કસરત બાદ અને દિવસમાં બે વખત આંખથી શરૂ કરી નખ અને પૂંછડી સુધી તમામ ભાગ બ્રશ ફેરવીને સાફ કરવામાં આવે છે. રુવાંટી, પરસેવો, મેલ તથા અન્ય કચરો સાફ કરવામાં આવે છે. જરૂર જણાય ત્યારે, ચામડીના સ્વાસ્થ્ય માટે ઘોડાની પૂંછડી અને કેશવાળીના તથા શરીરના ભાગોના વાળ કાતરવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત વયના ઘોડાની ચોટલીની લંબાઈ 0.127 મી. અને પૂંછડીની લંબાઈ 0.533 મી. રાખવામાં આવે છે. ઠંડી ઋતુમાં ઘોડાને રક્ષણ માટે અને ક્યારેક શોભા માટે ટોપી, પગના પાટા કે ઝૂલ પહેરાવાય છે.

ગરમ ડામણાથી નખ ઉપર કે આગલા / પાછલા પગ પર ઓળખ-ચિહનો આપી શકાય.

ઘોડાને આશરે બે વર્ષની વયથી ધીમે ધીમે બુદ્ધિપૂર્વક શિસ્તબદ્ધ તાલીમ આપવી જરૂરી હોય છે. તાલીમ દરમિયાન ઘોડાને કોઈ કુટેવ ન પડે તે ખાસ સંભાળવું પડે છે.

ઘોડાનો જે કાર્ય માટે ઉપયોગ કરવાનો હોય તે માટે તેને પલોટવો જરૂરી છે. પલોટવા માટે નિષ્ણાતો હોય છે. જો નિષ્ણાતો દ્વારા વ્યવસ્થિત તાલીમ આપવામાં ન આવે તો તેનામાં ઘણાં અપલક્ષણો આવે છે; જેવાં કે, લાત મારવી, બચકાં ભરવાં, કરડવું, ઝૂલવું, હવા ગળવી, હવા ચૂસવી, પાછલા પગ પર કૂદવું, ગાડીમાં પાછા પડવું વગેરે. આ ટેવો તાલીમ દ્વારા છોડાવવી પડે છે. પાકા રસ્તા પર નિયમિત કામ કરતા ઘોડાઓને અને ઘોડદોડમાં દોડતા ઘોડાઓને ખરી પર આશરે દર મહિને ઘસાઈ ગયેલી નાળ કાઢી, નવી નાળ જડવામાં આવે છે. નાળ જડવાની ક્રિયાને ‘નાળબંધી’ કહે છે. પગની ખરીને તળિયે, તળિયાના અમુક અને ખાસ કરીને ખરીની ધારના ભાગને ઘસાઈ જતા અટકાવવા માટે આ ભાગ પર બંધબેસતા આકારની ધાતુની – લોખંડની કે ઍલ્યુમિનિયમની પટ્ટી બેસાડવામાં આવે છે. આવા કામના અલગ નિષ્ણાતો હોય છે. તેમની પાસે જ નાળબંધી કરાવાય છે. જાનવરોને ચીવટથી નિયમિત રીતે પરોપજીવીવિરોધી દવાઓ, રોગપ્રતિબંધક રસીઓ અને રક્ષણાત્મક દવાઓ અપાય છે. ઘોડા બહુ જ ચપળ અને ઝડપી પ્રાણી હોવાથી તેની માવજતમાં ચીવટ જરૂરી છે.

ખચ્ચરો અને ગધેડાંઓનો સમાવેશ અશ્વકુળનાં પ્રાણીઓમાં થાય છે. આ જાનવરોનો ઉપયોગ માલભારના વહનમાં  ગાડીમાં જોડીને કે એકલપંડે અથવા પહાડોમાં સવારી માટે કરવામાં આવે છે. લશ્કરમાં ખચ્ચરોનો ઉપયોગ થાય છે અને ત્યાં ખચ્ચરોની સારસંભાળ ઘોડાઓની જેમ જ થાય છે. ગધેડાંને સામાન્ય રીતે આવી સારસંભાળની જરૂર પડતી નથી. તેઓ મુશ્કેલીઓ બરદાસ્ત કરી શકે છે. સામાન્ય રીતે ગધેડાં પણ હરતીફરતી ભટકતી પ્રજાઓના ઘરવખરીના સામાનનુંભારનું વહન કરવા માટે રાખવામાં આવે છે. તેથી તેમની માવજતમાં ઝાઝું લક્ષ અપાતું નથી.

ઊંટ-ઉછેર : રણ જેવા સૂકાવેરાન અને નિર્જળ પ્રદેશ ઊંટને અનુકૂળ આવે છે. રણવિસ્તારમાં તથા અન્યત્ર ભારવહન, ખેતીકામ, સિંચાઈ વગેરે માટે ઊંટ ઉપયોગી છે.

ઊંટ જરૂર પડે ત્યારે ગમે તેટલી મુશ્કેલીઓ સહન કરી શકે છે; આમ છતાં તેની પાસેથી ક્ષમતાપૂર્વક કામ લેવા માટે તેને સખત તાપ, વરસાદ, ઠંડી વગેરે સામે રક્ષણ આપવા માટે ભોંયતળિયાની પૂરતી જગા, પૂરતો ખોરાક અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ પૂરાં પાડવાં જરૂરી હોય છે.

ઊંટનો ખોરાક તેના કામ કરવાના પ્રકાર પર આધાર રાખે છે. જ્યારે કામ ન હોય ત્યારે ઊંટને 4થી 6 કલાક ચરાવીને નિભાવી શકાય છે; પણ જ્યારે કામ લેવાનું હોય ત્યારે તેને રહેઠાણમાં બાંધીને ખોરાક ખવડાવવામાં આવે છે. ઊંટને ઊંચાડું અને લીલું ઘાસ જ ચરવાનું ફાવે છે. ઉપરાંત ઊંચા છોડ, ઝાંખરાં અને ઝાડની ઝીણી પાંખડીઓ પાંદડાં તોડીને ખાય છે. જે વિસ્તારોમાં ઝાડી-ઝાંખરાંનું પ્રમાણ ઠીક ઠીક હોય ત્યાં એક ઊંટને નભવા માટે અંદાજે 4 હેક્ટર જમીન જરૂરી હોય છે.

અપૂરતા ચરાણની પરિસ્થિતિમાં લીલો ચારો  સૂકો ચારો અને દાણ (કામ મુજબ) પૂરક આહાર તરીકે આપવાં જોઈએ. ઊંટને મગ, મઠ તથા ગુવારનો લીલો ચારો બહુ પસંદ પડે છે. આ ઉપરાંત ઝાડની ડાંખળીઓ, બાવળની શીંગો, ખેતરનું નીંદામણ, પાલો અને ગોતર  પણ ખવડાવી શકાય.

ઊંટ અસામાન્ય પરિસ્થિતિમાં ભલે લાંબો સમય સુધી તરસ સહન કરી શકે, પરંતુ સામાન્ય સંજોગોમાં તેને દિવસમાં એકથી બે વખત (દરરોજ અંદાજે 60 લિટર) પાણી પિવડાવવું જોઈએ.

ઊંટની ચામડી પર વાળનું આવરણ હોઈ, ખરેરો કરીને ચામડી સાફ રાખી, રોગ થતા અટકાવી શકાય છે. જે વિસ્તારોમાં શિયાળામાં ભારે ઠંડી પડે છે ત્યાં ઊંટના શરીરે વાળનો જાડો થર થઈ જાય છે, જે વસંત ઋતુમાં કાતરી શકાય છે.

સામાન્ય રીતે માગશરથી ફાગણ  શિયાળાની શરૂઆતમાં ઊંટસંવર્ધન કરાય છે. ઊંટડીનો સરેરાશ 3 વર્ષની વય બાદ અને ઊંટનો તેની 6 વર્ષની વય બાદ સંવર્ધન અર્થે ઉપયોગ થાય છે. ઊંટડીના બે વિયાણ વચ્ચેનો ગાળો 2 વર્ષનો હોય છે.

ઊંટ પર (એક સવાર સાથે) 200થી 300 કિલો વજન 6થી 8 કલાક સુધી (30થી 35 કિમી. અંતર સુધી) વહી શકાય. ઊંટગાડી દ્વારા 1,500થી 3,000 કિગ્રા. જેટલું વજન, 3થી 5 કિમી.ની ઝડપે સરળતાથી વહન થઈ શકે છે.

ભુંડ(ડુક્કર)પાલન : ભુંડ(ડુક્કર, વરાહ, સૂવર, સૂકર)નો ફક્ત માંસ મેળવવા માટે જ ઉપયોગ અને પાલન થાય છે. ડુક્કરપાલન સ્વતંત્ર અને સહવ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે. પણ ભારતમાં આ વ્યવસાયનો ઉદ્યોગ તરીકે વિકાસ થયો નથી. અમેરિકા અને યુરોપના દેશોમાં આ વ્યવસાય સંપૂર્ણ ઉદ્યોગના સ્વરૂપે વિકસેલ છે.

માદા ભુંડકું આશરે નવથી દસ મહિનાની વયે ઋતુમાં આવે છે. પ્રજનનની ઋતુના એકાદ અઠવાડિયા પહેલાં વધુ પૌષ્ટિક અને પૂરતો ખોરાક આપવામાં આવે છે. સગર્ભા ભૂંડણ 113થી 115 દિવસે વિયાય છે અને સરેરાશ આઠથી દસ બચ્ચાં આપે છે. ભૂંડણ બે વર્ષના ગાળામાં ત્રણ વખત વિયાય તેવું આયોજન આર્થિક રીતે ફાયદાકારક છે. બચ્ચાંને બે, ચાર કે આઠ અઠવાડિયાં સુધી ધવરાવી શકાય છે. ધાવણ છોડાવ્યા બાદ ભૂંડણને 15 % પ્રોટીનવાળું દોઢ કિગ્રા. મિશ્ર દાણ આપવામાં આવે છે અને સાથે લીલો ચારો આપવો પડે છે. ખેતીની પેદાશ, ફળફળાદિ અને શાકભાજી, હોટલોનાં રસોડાંઓનો એંઠવાડ, દૂધ અને અનાજ વગેરેના ધંધામાંથી મળતી આડપેદાશો, જે મનુષ્યને ખાવાલાયક ન હોય તે સામાન્ય રીતે ડુક્કરોને ખવરાવવામાં આવે છે. અનાજ ડુક્કરોનો મુખ્ય ખોરાક છે.

બચ્ચાંઓનું ધાવણ છોડાવવામાં આવે પછી ભૂંડણ ફરી ઋતુમાં આવે છે. માદાના ગર્ભકાળના સમયના 70 દિવસ થાય ત્યારે ધીરે ધીરે દાણ આપવાનું પ્રમાણ વધારીને અઢી કિગ્રા. જેટલું કરવામાં આવે છે. વિયાવાને આઠેક દિવસ બાકી હોય ત્યારે દાણનું પ્રમાણ ઓછું કરી, ઘઉંના ભૂસા જેવી રેચક ચીજોનું પ્રમાણ વધારાય છે અને સ્વચ્છ પાણી અપાય છે. ગરમ હવામાનમાં તેની પાણીની જરૂરિયાત વધારે રહે છે. ભુંડ ખોરાકનો બગાડ બહુ કરે છે, તેથી ખોરાક આપતી વખતે બરાબર ખાઈ જાય તેની કાળજી લેવી પડે છે.

નર ભુંડરું આશરે આઠથી નવ માસની ઉંમરે પ્રજનન માટે લાયક બને છે. પ્રજનન માટે પસંદ થયેલ ભુંડને પ્રજનનઋતુના આઠેક દિવસ અગાઉથી પૌષ્ટિક અને સમતોલ આહાર અપાય છે. દોઢ કિગ્રા. દાણ સાથે 20 ગ્રામ ક્ષાર-મિશ્રણ અને લીલો ચારો ન મળે તેમ હોય તો બે લિટર સેપરેટ દૂધ અપાય છે. નાનાં ભૂંડકાંનો ઉછેર કઠણ હોય છે. દસમાંથી બે-ત્રણ બચ્ચાં બે માસ સુધીની વયે મૃત્યુ પામે છે વિયાવાના અંદાજે આઠેક દિવસ પહેલાં ભૂંડણને વિયાણ ઘરમાં રખાય છે. પ્રસૂતિ લગભગ બેથી છ કલાકમાં પૂરી થાય છે. વિયાણ બાદ બધાં બચ્ચાંની નાળ કાપવામાં આવે છે અને સ્વચ્છ, સુંવાળી અને હૂંફાળી પથારીમાં તેમને રખાય છે. બે-ત્રણ કલાકે બચ્ચાં સળવળાટ કરે ત્યારે ધવરાવાય છે. ટેવ પડ્યા પછી બચ્ચાં દિવસમાં 20થી 24 વખત ધાવે છે. બચ્ચાંનું વજન જન્મસમયે એકથી સવા કિગ્રા. જેટલું હોય છે. ભુંડનો ઉછેર ફક્ત માંસ પેદા કરવા માટે જ થતો હોવાથી તેનો અપેક્ષિત વૃદ્ધિદર, બચ્ચાદીઠ એક દિવસમાં સરેરાશ 330થી 340 ગ્રામનો હોવો જોઈએ; તેથી ધાવણ ઉપરાંત લોહ અને ખનિજની ત્રુટિ પેદા ન થાય તે માટે તે ઇન્જેક્શનો અથવા મોં વાટે આપવામાં આવે છે. બચ્ચાં જલદી ખોરાક લેતાં થાય તે માટે તેમાં ખાંડ ભેળવવામાં આવે છે. જન્મ પછી બે દિવસે ખીલા-દાંત કાપી નાંખવામાં આવે છે અને ઓળખ-ચિહ્નો આપવામાં આવે છે. પૂંછડી કાપવામાં આવે છે અને નાની ઉંમરે જ તેમના વિસ્તારમાં જણાતા રોગો સામેની પ્રતિબંધક રસી મૂકવામાં આવે છે. બચ્ચાંને બે અઠવાડિયાંની ઉંમરથી ‘પિગ સ્ટાર્ટર’ દાણ અપાય છે. બે માસ પછી ધાવણ છોડાવાય છે. સામાન્ય રીતે નર-બચ્ચાં બે અઠવાડિયાંનાં થાય ત્યારે ખસી કરવામાં આવે છે અને બે માસ પછી ખસી કરેલા નર અને માદાને જુદાં રખાય છે. આ ઉંમરે તેમનું વજન 15થી 19 કિગ્રા. જેટલું હોવું જોઈએ. તેમનું માંસ-ઉત્પાદન માટે જ વેચાણ કરવાનું હોઈ તેને રોજનું 45 કિગ્રા. વજને એકથી સવા કિગ્રા. મિશ્ર દાણ, દોઢ કિગ્રા. લીલો ચારો, 100 ગ્રામ જેટલું ક્ષાર-મિશ્રણ અને પ્રોટીન-પૂરક પદાર્થો આપવાનાં હોય છે. ભૂંડને ઉંમર પ્રમાણે જે ખોરાક જોઈએ તે પ્રમાણેના તૈયાર ખોરાકો બજારમાં મળે છે.

સસલાંપાલન : સસલાં ઉત્તમ માંસ, ઊન અને ચામડા માટે ઘણાં ઉપયોગી છે. પ્રયોગશાળા-સંશોધનમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. ઘણા શોખથી સસલાંનું પાલન કરતા હોય છે. વાંસના ઘરમાં કે ઓછા ખર્ચાળ ઢાળિયાવાળા મકાનમાં સારી હવાની અવરજવર હોય તેવા રહેઠાણમાં દૈનિક 300થી 400 કિગ્રા. કૂંણો, લીલો ચારો તથા 150થી 200 ગ્રામ દાણ (પ્રોટીન 18 %થી 20 % અને કુલ પાચ્ય તત્વો 65 %)  આપી ઉછેરી શકાય. તેનું માંસ ઘણું જ ઉત્તમ પ્રકારનું હોય છે અને ઊન-વાળ ઘણા જ સુંવાળા અને પાતળા હોવાથી તેના એક કિલોની રૂ. 800 જેટલી કિંમત મળે છે. ચામડું પણ ઘણું કીમતી હોય છે.

સસલાંઉછેર ઘનિષ્ઠ પદ્ધતિથી કરવાથી આર્થિક રીતે પોષાય છે.

ઊન માટેની ઓલાદોમાં અંગોરા(3.0 કિલો વજન)નો અને માંસ માટે સોવિયેત ચિંચિલા, રશિયન જાયન્ટ, ગ્રે જાયન્ટ, ન્યૂઝીલૅન્ડ વ્હાઇટ(4.5થી 5.5 કિલો વજન)નો ભારતમાં સારી રીતે ઉછેર કરી શકાય છે. રોગ તથા અન્ય માવજતમાં ઓછી કાળજી જરૂરી હોઈ આદિવાસીઓ તથા ગિરિજનો માટે સસલાંપાલન ઘણો ઉપયોગી વ્યવસાય ગણાયો છે. સંશોધન માટે વપરાતાં સસલાં જનીનોની દૃષ્ટિએ લગભગ સરખાં, તંદુરસ્ત અને સમયવયસ્ક હોવાં જોઈએ. તેથી તેવાં સસલાં માત્ર વ્યવસાયી સંવર્ધકો (commercial breeders) દ્વારા સાંપડી શકે.

ગધેડાં, યાક, લામા વગેરે : ભારતમાં હાલ પણ ખેતીકાર્યો, પિયત તથા ભારવહનમાં જાનવરોનો ફાળો 62 % જેટલો છે અને હજુ પણ તે પ્રમુખસ્થાને રહેશે. આથી ભારતમાં નવમી પંચવર્ષીય યોજનામાં ભારવહન કરતાં જાનવરોના સંવર્ધન અને સારસંભાળ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

દેશમાં ડીઝલ અને પેટ્રોલની બાબતમાં એવી પ્રવાહી પરિસ્થિતિ પ્રવર્તે છે કે ભારવહન માટેનાં જાનવરોમાં ઊંટ સાથે ગધેડાં, ખચ્ચર, યાક અને લામાનોય ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.

ગધેડાંને ઊતરતી કક્ષાનો ઘાસચારો તથા ચરાણ આપીને પણ તેમની પાસેથી કામ લઈ શકાય છે. રહેઠાણ તથા અન્ય માવજત તો નહિવત્ જ જોઈએ છે, છતાં એક ગધેડું કેડ ઉપર 50થી 65 કિલો વજન 3થી 8 કિમી.ની ઝડપે વહન કરી શકે છે. શહેરોમાં પણ હવે ભારવહનમાં આર્થિક રીતે તે ઉપયોગી પ્રાણી તરીકે ઓળખાય છે.

પશુસ્વાસ્થ્ય-રસીકરણ : પશુઓના સ્વાસ્થ્ય માટે સારો ખોરાક, રહેઠાણ, માવજત, રસીકરણ અને સારવાર અગત્યનાં અંગો છે.

પ્રાણી રોગ-રસી નોંધ
ગાય/ભેંસ અ. ખરવા-મોવાસા વર્ષમાં બે વાર રસી
બ. ગળસૂંઢો, કાળિયો તાવ, ગાંઠિયો તાવ, ગર્ભપાત, બળિયા વર્ષમાં એક વાર રસી
ઘેટાં/બકરાં ઇન્ટ્રોટૉક્સિમિયા, બળિયા, કાળિયો તાવ વર્ષમાં એક વાર રસી
ઊંટ કાળિયો તાવ, બળિયા, ઝેરબાજ વર્ષમાં એક વાર રસી

રોગના જીવાણુઓનો ફેલાવો સીધા સંપર્કથી કે દૂષિત ખોરાક-પાણીથી થાય છે; તેથી તેની કાળજી રાખી રોગ ફેલાતો અટકાવી શકાય છે. સાથે સાથે જૂ, ચાંચડ, ડાંસમાખી, કથીરી, ઇતરડી, જૂવા, જિંગોડાં વગેરે બાહ્ય પરોપજીવીઓ અને ગોળકૃમિ, પટ્ટી-કૃમિ, યકૃત-કૃમિ, જઠરાંત્ર-કોપ, એન્ફિસ્ટોમિયાર્સિસ વગેરે અંત:પરોપજીવીઓની ઓળખ તથા પશુ-ચિકિત્સક પાસે સારવાર કરાવવી એ પણ આરોગ્યરક્ષાનું એક અંગ છે.

આ પરોપજીવીઓ રોગ ફેલાવવાના વાહક તરીકે પણ કાર્ય કરે છે : ડાંસમાખી ઝેરબાજ (ચકરી) રોગના જીવાણુઓનું, ઇતરડીઓ બેબેસિઓસિસ, થાઇલેરિયોસિસ રોગના જીવાણુઓનું પ્રસારણ કરે છે. આથી આ પરોપજીવીઓને આવશ્યકતા અનુસાર મેલાથિયોન, પેરાથિયોન, બીએચસી વગેરે દવાઓના છંટકાવ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

ત્રુટિજન્ય અને ચયાપચયના રોગો : પૂરતા પ્રમાણમાં આહાર-પોષક તત્વો તથા પ્રજીવકો આપવામાં ન આવે તો આવા રોગો થાય છે. તે ફક્ત ખોરાક દ્વારા અને માવજત દ્વારા કાબૂમાં લાવી શકાય છે. મુખ્ય રોગો અને તેની ઊણપો ટૂંકમાં નીચે દર્શાવેલ છે.

મુખ્ય રોગ ઊણપ
મિલ્ક ફીવર કૅલ્શિયમ, ફૉસ્ફરસ ક્ષાર
કિટોસિસ કાર્બોહાઇડ્રેટની ચયાપચયમાં અડચણ
સુકતાન (રિકેટ્સ) વિટામિન ‘એ’ તથા કૅલ્શિયમ-ફૉસ્ફરસ-ક્ષાર
અસ્થિમૃદુતા ક્ષારો-વિટામિનની ઊણપ
વાંઝિયાપણું ક્ષારો-વિટામિનની ઊણપ એક કારણ છે.

જાનવરોને માર કે ફટકા મારવા, માલગાડીઓમાં વધુ વજન ભરવું, લાંબો સમય કામ લેવું, માંદાં અને ભૂખ્યાં જાનવરો પાસેથી કામ લેવું  આવી અનેક પ્રકારની જાનવરો પ્રત્યે દર્શાવાતી નિર્દયતા કે ક્રૂરતા અટકાવવા, કતલ માટે મોકલવામાં આવતાં જાનવરોની તપાસ કરવા અને તે સામે પ્રતિબંધ મૂકવા અંગે સરકારે કાયદાઓ ઘડ્યા છે. આ ઉપરાંત જીવદયામંડળી, સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑવ્ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ (SPCA), ઍનિમલ વેલફેર સોસાયટી જેવી અનેક સંસ્થાઓ પ્રાણીઓની રક્ષા માટે કાર્યરત છે. દરેક વ્યક્તિ અને સંસ્થાને પ્રાણીરક્ષા માટેના કાયદાઓનું જ્ઞાન હોવું આવશ્યક છે.

પશુઓને અનેક હેતુઓ માટે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાં પડે છે. આ હેરફેર લાંબા કે ટૂંકા અંતરની હોઈ શકે છે. એવી હેરફેર દરમિયાન પશુઓને ઓછામાં ઓછી ખલેલ  પડે; તેમને સખત ઠંડી, તાપ, હળવા કે ભારે વરસાદ અને પવનથી રક્ષણ મળે; માંદાં કે સગર્ભા જાનવરોની હેરફેર બને ત્યાં સુધી ન થાય અને એવાંઓની હેરફેર જરૂરી હોય તો તેમની તેમાં પૂરતી કાળજી રખાય; હેરફેર દરમિયાન ખોરાક અને પાણી જેવી જરૂરી સામગ્રી-સવલતો મળતી રહે; તેમને હેરફેર દરમિયાન યોગ્ય રીતે કાબૂમાં રાખવામાં આવે  આ બધાંનો પૂરતો ખ્યાલ   પૂરતી તકેદારી રાખીને જ પશુઓની હેરફેર થાય એ હિતાવહ છે.

જાનવરોની હેરફેર જમીનરસ્તે ચલાવીને, રેલવે દ્વારા, ભારવાહક ખટારાઓ દ્વારા તેમજ દરિયાઈ રસ્તે વહાણ-આગબોટો દ્વારા અને હવાઈ રસ્તે વિમાનો દ્વારા થાય છે. જ્યારે જાનવરોને ચલાવીને લઈ જવાનાં હોય ત્યારે ગોવંશનાં જાનવરોને રોજના 12થી 15 કિમી. અને ઘેટાં-બકરાંને 6થી 8 કિમી.થી વધુ ચલાવવાં જોઈએ નહિ. ચાલવાનો સમય સવાર અને સાંજનો રાખવો જરૂરી છે. લાંબી મુસાફરી માટે રેલવે ઉપયોગી છે. ભારતીય રેલવેમાં જાનવરોની મુસાફરી અંગે જરૂરી નિયમો અને વ્યવસ્થા છે. આ નિયમોનું ચુસ્ત પાલન થાય તે ઇષ્ટ છે. ભારવાહી ખટારામાં જ્યારે જાનવરો લઈ જવાનાં હોય ત્યારે પણ મોટર વેહિકલ ઍક્ટ અનુસાર પૂરતી જોગવાઈ થાય તે જરૂરી છે. હવાઈ રસ્તે સામાન્ય રીતે નાનાં અને કૌટુંબિક પાલતુ કૂતરાં, બિલાડાંની હેરફેર થાય છે. જોકે તે અંગે પણ કેટલાક કડક નિયમો છે. દરિયાઈ રસ્તે પશુની હેરફેર કરવાની હોય તો તેમની સવલતોની ઝીણવટભરી વ્યવસ્થા કરવી જરૂરી છે.

પશુમાવજત વિશે પરચૂરણ માહિતી : ઘણાં કુટુંબોમાં કૂતરાંઓ, બિલાડીઓ વગેરે નાનાં પશુઓ પાળવાનો શોખ હોય છે. તેમની સંખ્યાબંધ ઓલાદો અને જાતો છે. ઘરમાં પાળવામાં આવતાં કૂતરાં કુટુંબના સભ્યની જેમ જ રહે છે. તેના રહેઠાણની વ્યવસ્થા પણ કુટુંબના સભ્ય જેવી જ હોય છે. તેમને ઘરમાં રાંધવામાં આવતો ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાંત બજારમાં કૂતરાંઓની જાત અને ઓલાદની જરૂરિયાતો પૂરી કરવા માટેના તૈયાર ખોરાક વેચાતા મળે છે. નાગરિક સંરક્ષણમાં પણ ખાસ પ્રકારની ઓલાદનાં કૂતરાંઓ ઉપયોગી છે. તેમની સારસંભાળ નિષ્ણાતોની દેખરેખ હેઠળ થાય છે. પ્રાણીસંગ્રહાલયમાં જંગલી જાનવરો રાખવામાં આવે છે. આ જાનવરોની સારસંભાળ, વ્યવસ્થા અને માવજત માટે પણ ભારત સરકારના નિયમો છે અને ‘સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા’ના નિરીક્ષણ હેઠળ તે બધા નિયમોનાં પાલન-અમલ થતાં હોય છે.

જ્યોતીન્દ્રરાય મુકુંદરાય અંજારિયા

અશોકભાઈ પટેલ

મહેશ ધનગર