પ્રગતિવાદ : સમાજ અને સાહિત્યની પ્રગતિશીલતા સાથે સંકળાયેલો એક વિચારમૂલક અભિગમ. ‘પ્રગતિ’ શબ્દનો અર્થ છે – આગળ ચાલવું, વિકાસ કરવો. પરંતુ એક વાદ તરીકે પ્રગતિવાદ માર્ક્સવાદી વિચારધારાનું સાહિત્ય કે કલામાં પ્રતિફલન છે. ‘પ્રોગ્રેસિવિઝમ’ એવી સંજ્ઞા પશ્ચિમી સાહિત્ય-સંદર્ભમાં રચાયેલી મળતી નથી, પણ ‘પ્રોગ્રેસિવ લિટરેચર’ એવી સાહિત્ય અંગેના એક વિશિષ્ટ વલણને નિર્દેશતી સંજ્ઞા મળે છે. પણ ત્યાં ‘પ્રોગ્રેસ’ કે ‘પ્રગતિ’ની જે અર્થચ્છાયા છે એથી જુદી જ અર્થચ્છાયા, ભારતીય સંદર્ભે ‘પ્રગતિત્વ’ કે ‘પ્રાગતિકતા’ એવી સંજ્ઞા દ્વારા વ્યક્ત થતી જોવા મળે છે.
એક રીતે 1930ના દશકમાં આંતરરાષ્ટ્રીય આંદોલન તરીકે પ્રગતિવાદી વલણો જોવા મળે છે. 1935માં ફૈજપુર કૉંગ્રેસ વખતે સરોજિની નાયડુના પ્રમુખપદે પ્રગતિશીલ સાહિત્ય સંઘનું સંમેલન થયેલું. એમાં વ્યાપક સામાજિક-રાજકીય સંદર્ભ કેન્દ્રમાં હતો. તે પછી 1936માં મુલ્કરાજ આનંદ અને સજ્જાદ જહીરે ભારતીય પ્રગતિશીલ લેખક સંઘની સ્થાપના કરી. તેનું પહેલું અધિવેશન હિન્દીના પ્રસિદ્ધ કથાકાર પ્રેમચંદની અધ્યક્ષતામાં 1936માં લખનૌમાં ભરાયું હતું. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં પ્રેમચંદે કહેલું : ‘હમેં સુંદરતા કી કસૌટી બદલની હોગી.’ એ જ સાલમાં અમદાવાદ ખાતે ગુજરાત યુવક પરિષદની બેઠકમાં પ્રગતિશીલ સાહિત્ય અંગે મળેલા સંમેલનમાં પ્રગતિશીલ સાહિત્યકારોનો સંકલ્પ વ્યક્ત થયેલો ને પછી એનો જાહેર વક્તવ્યો અને લેખો-ચર્ચાઓ દ્વારા પ્રસાર થયેલો. પરિણામે ‘સાહિત્ય અને પ્રગતિ’ નામના બે ગ્રંથો (1 : 1940માં, 2 : 1945માં) પ્રગટ થયેલા. 1939માં કલકત્તામાં રવીન્દ્રનાથના પ્રમુખપદે એનાં સંમેલનો થયાં એમાં એ જ વિચારવલણોનો સાહિત્ય-સંદર્ભ આગળ રહ્યો હતો.
1925ની આસપાસ ભારતમાં સામ્યવાદી ચળવળ પ્રસરવા માંડી હતી. એની અસર વિચાર-ચિંતન ઉપરાંત જીવનલક્ષી સાહિત્ય તથા રંગભૂમિ-પ્રવૃત્તિ ઉપર પણ થવા લાગી; એટલું જ નહિ, ચિત્રકળાના ક્ષેત્રમાં પણ બદલાયેલી અર્થચ્છાયાઓ સાથે પ્રગતિવાદી વલણો દેખાવા લાગ્યાં. 1936માં ગુજરાતમાં પ્રગતિવાદી લેખકમંડળ સ્થપાયું તો 1943ની આસપાસ બંગાળમાં ‘ઇપ્ટા’(Indian Peoples Theatre Assocition)ની સ્થાપના થઈ ને એની શાખાઓ મુંબઈમાં ને ગુજરાતમાં પણ થઈ. એમાં સામ્યવાદના પ્રભાવવાળો આગ્રહી માનવતાવાદ કેન્દ્રમાં રહ્યો. ચિત્રકળાક્ષેત્રે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રૂપ પહેલાં કલકત્તામાં (1942માં) ને પછી બે-બે વર્ષના અંતરે અનુક્રમે મદ્રાસ અને મુંબઈમાં રચાયાં. આ ચિત્રકારોએ – વિશેષે બંગાળના ચિત્રકારોએ ડાબેરી વિચારધારાના અંશો સ્વીકારેલા, પણ મુંબઈના ‘યંગ ટર્ક’ ચિત્રકારો પરંપરાવાદની સામે આધુનિકતાવાદના પક્ષકારો હતા ને પૂર્વ-ચિત્રકળાપ્રવૃત્તિના ઉન્મૂલન સુધીનો આક્રોશ એમનામાં હતો. પ્રગતિવાદ, આ રીતે, સામ્યવાદી વિચારણાનું અનુસરણ, આગ્રહી માનવતાવાદ અને રૂઢિગ્રસ્ત પરંપરાની સામે આધુનિકતાનો પુરસ્કાર (એ અર્થમાં ‘પ્રગતિ’વાદ) – એવી વિભિન્ન અર્થચ્છાયાઓ ધરાવતા વલણ કે વલણો રૂપે દોઢ–બે દાયકા સુધી ભારતમાં પ્રવર્તતો રહ્યો.
દ્વંદ્વાત્મક ભૌતિકવાદના સૂક્ષ્મ ધરાતલ સુધી માર્ક્સવાદને ન ખેંચી જઈએ તો પણ સામાજિક ન્યાયના સિદ્ધાંતને પ્રગતિવાદનું એક લક્ષ્યબિંદુ માનવું જોઈએ. હિન્દીના એક પ્રગતિશીલ સમીક્ષક શિવદાનસિંહ ચૌહાને કહ્યું : ‘હમારા સાહિત્યિક નારા કલા કલા કે લિએ નહીં, વરન કલા સંસાર કો બદલને કે લિએ હૈ.’ સંસારને બદલવા માટે શોષિત પ્રજાને ક્રાન્તિ માટે તૈયાર કરવાનું કળાઓનું કર્તવ્ય બની જાય છે. એ માટે સૌપ્રથમ ઈશ્વર, ધર્મ, પરલોક જેવા પરંપરાગત પારલૌકિક વિચારોનું ઉન્મૂલન કરવાનું રહે છે; એટલું જ નહિ, પૂંજીપતિઓ પ્રત્યે ઘૃણાનો પ્રચાર કરવાનું અને કિસાન-મજૂર અને ગરીબ એટલે કે સર્વહારા વર્ગને માટે સહાનુભૂતિ ઉત્પન્ન થાય તેવું ચિત્રણ કરી સમાજની આર્થિક વિષમતાને ખુલ્લી પાડવાનું સાહિત્ય કે કળાનું કર્તવ્ય બની જાય છે. સંક્ષેપમાં, સામાજિક યથાર્થનું આલેખન કરી ભૌતિકવાદી મૂલ્યોની પ્રતિષ્ઠા એ પ્રગતિવાદનું લક્ષ્ય રહ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં, ગાંધીયુગમાં પ્રગટેલી સમાજ-અભિમુખતા બે પરિબળોનું પરિણામ હતી : 1930ની આસપાસ, ગાંધીજીની વ્યાપક જીવનર્દષ્ટિએ પ્રવર્તાવેલો માનવતાવાદ અને એ જ અરસામાં માર્ક્સવાદી-સામ્યવાદી વિચારસરણીના પ્રભાવે જન્મેલો પ્રગતિવાદ. માનવતાવાદમાં વ્યાપક સહાનુભૂતિશીલતા હતી, પણ પ્રગતિવાદમાં સમાનતાનો કેવળ આદર્શ નહિ, આગ્રહ પણ હતો. સ્થાપિતતા અને સંપત્તિવાદની સામેના એક ઉચ્છેદક આક્રોશ તરીકે એ પ્રગટ થયેલો. ભારતીય સંસ્કાર-પરંપરાના વરવા સ્વરૂપ જેવી દલિતોની દશાએ તથા ઔદ્યોગિકીકરણના વરવા પરિણામરૂપ શોષક-શોષિત સંબંધવાળી સમાજરચનાએ એ આક્રોશની સાહિત્યમાં અભિવ્યક્તિ માટે ઘણી મોટી સામગ્રી પૂરી પાડી. આ સમયનાં કવિતા, નાટક અને નવલકથામાં આ વિરૂપ અને કમનસીબ સામાજિક વાસ્તવિકતાનું આલેખન એના સ્થિતિ-નિરૂપણથી માંડીને સામાજિક પરિવર્તનના અભિનિવેશપૂર્ણ સંકલ્પ સુધી વિસ્તર્યું. ચંદ્રવદન મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર, ‘સ્વપ્નસ્થ’, રમણલાલ દેસાઈ આદિ અનેક સર્જકોની કૃતિઓમાં એણે દેખા દીધી છે.
જોકે સામાજિક પરિવર્તનની આ ઝુંબેશ લાંબું ટકી નહિ. સર્જકોની સામાજિક પરિવર્તનેચ્છા સુધારક-યુગના લેખકોની જેમ સક્રિયતામાં પરિણમવાને બદલે આદર્શવાદમાં, વાસ્તવિકતાનાય રંગદર્શી આલેખન તરફ વળી. તેણે પ્રગતિવાદ માટે કશો અર્થ રહેવા દીધો નહિ. વળી ગુજરાતી કવિતા 1940ની આસપાસ જ ફરી અંતર્મુખ સૌંદર્ય-અભિમુખ બની; તેથી પ્રગતિવાદ પાંચમા દાયકામાં જ વિરમી ગયો.
હિન્દી કવિતામાં પ્રગતિવાદી વલણના કવિઓમાં નાગાર્જુન, કેદારનાથ અગ્રવાલ, ત્રિલોચન, નરેન્દ્ર શર્મા જેવા કવિઓ સૌપ્રથમ આવે છે. સુમિત્રાનંદન પંત કે ‘નિરાલા’ જેવા અગાઉ છાયાવાદી કવિ તરીકે પ્રતિષ્ઠિત થયેલા કવિઓમાં પણ પછી પ્રાગતિક ચેતના જોવા મળે છે. સુમિત્રાનંદન પંતે તો કહ્યું પણ ખરું :
સામ્યવાદ ને દિયા જગત કો
સામૂહિક જનતંત્ર મહાન;
ભવજીવન કે દૈન્ય દુ:ખ સે
કિયા મનુજતા કા પરિત્રાણ.
એ રીતે ઘણા પ્રગતિવાદી કવિઓની વાણી ઘોષણારૂપ બની ગઈ છે; તેમ છતાં કવિતાની શરતે કેટલાક કવિઓએ પોતાની પ્રગતિવાદી ભાવધારાને અભિવ્યક્ત કરી છે. નાગાર્જુન, કેદારનાથ અગ્રવાલ કે ત્રિલોચન શાસ્ત્રીની કવિતા એ રીતની છે. હિન્દીમાં પ્રગતિવાદી કવિતા પછી ‘પ્રયોગવાદ’ (1943) અને ‘નઈ કવિતા’(1950ની આસપાસ)નું આંદોલન શરૂ થવા છતાં પ્રાગતિક વિચારધારા પ્રવર્તમાન રહી. શમશેર-બહાદુરસિંહ કે ગજાનન માધવ મુક્તિબોધ ‘નઈ કવિતા’ના શ્રેષ્ઠ કવિઓ છે, અને તેઓ માર્ક્સવાદી એટલે કે પ્રગતિવાદી પણ રહ્યા છે. હિન્દી કવિતામાં આ પ્રગતિવાદી વિચારધારા સદીના છેલ્લા દાયકાઓમાં જનવાદી કવિતાને નવે અવતારે આવે છે. સમકાલીન કવિતાની એક ધારામાં માર્ક્સવાદનો પ્રભાવ એકદમ ઓસર્યો નથી.
કવિતાની જેમ હિન્દી કથાસાહિત્યમાં પ્રગતિવાદી જીવનદર્શનથી લખાયેલી વાર્તાઓ અને નવલકથાઓ વિપુલ માત્રામાં જોવા મળે છે. અગાઉ ગાંધીવિચારથી પ્રભાવિત મુનશી પ્રેમચંદના ‘ગોદાન’માં માર્ક્સવાદી જીવનદર્શન છે. પ્રેમચંદ પછી યશપાલ કથિત રૂપે માર્ક્સવાદી કથાકાર રૂપે આવે છે. તેમની ‘દિવ્યા’ કે ‘દાદા કૉમરેડ’ જેવી નવલકથાઓ કે ‘પિંજરે કી ઉડાન’ જેવા સંગ્રહોની વાર્તાઓમાં સામાજિક યથાર્થનું ચિત્રણ છે. રાહુલ સાંકૃત્યાયનની ‘વૉલ્ગા સે ગંગા’, ‘નરેન્દ્ર યશ’ આદિ કૃતિઓ પણ આ જીવનદર્શનથી પ્રભાવિત છે.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં પણ હિન્દી કથાસાહિત્યમાં સામાજિક વાસ્તવનું ચિત્રણ કરતી અનેક કળાત્મક નવલકથાઓ – વાર્તાઓ મળે છે. સામંતવાદ કે મધ્યમવર્ગની ભર્ત્સના એમાં જોવા મળે છે. ધરતી સાથેની નિસબતનું એક રૂપ તે આંચલિક કથાસાહિત્ય. નાગાર્જુનની નવલકથાઓ અને પછી ફણીશ્વરનાથ રેણુની ‘મૈલા આંચલ’ જેવી નવલકથા કે ‘ઠૂમરી’ જેવા વાર્તાસંગ્રહો ઘોષણારૂપ બન્યા વિના સામાજિક વાસ્તવ આલેખે છે. નાગાર્જુનની નવલકથાઓમાં ખેડૂતનું એક વિદ્રોહી રૂપ જોવા મળે છે. ‘તમસ’ના લેખક તરીકે જાણીતા ભીષ્મ સાહનીના કથાસાહિત્યમાં પ્રગતિશીલ ચેતનાનો સંસ્પર્શ છે.
હિન્દી કવિતા કે કથાસાહિત્યમાં માર્ક્સવાદીપ્રગતિવાદી વિચારધારા એકદમ લુપ્ત થઈ નથી, તેનું કારણ હિન્દીની પ્રગતિવાદી સમીક્ષા છે. હિન્દીમાં રામવિલાસ શર્મા, કવિ મુક્તિબોધ કે આલોચક નામવરસિંહ જેવાની વિવેચનાએ પ્રગતિવાદી વિચારધારાને જીવંત રાખી છે. એમની સમીક્ષાએ સર્જાતા હિન્દી સાહિત્યને પ્રભાવિત કર્યું છે. આવા સમીક્ષકોની કલમથી ‘પ્રતિક્રિયાવાદી’ ન ગણાઈ જવાની ભીતિ ઘણા સર્જકોને રહી છે. હિન્દીમાં કવિતા, કથાસાહિત્ય અને સમીક્ષા – આ ત્રણેય ક્ષેત્રોમાં પ્રગતિવાદની ઉપલબ્ધિઓ ગણનાપાત્ર છે. પ્રગતિવાદના પ્રભાવથી આજેય હિન્દી સર્જકમાં સામાજિક દાયિત્વબોધની સભાનતા વિશેષ રૂપે જોવા મળે છે.
ભોળાભાઈ પટેલ
રમણ સોની