પ્રકાશીય ખનિજશાસ્ત્ર (optical mineralogy) : ખનિજશાસ્ત્રની એક શાખા. કુદરતમાં મળી આવતાં ખનિજોની પરખ માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશની મદદથી કરવામાં આવતા ખનિજોના અભ્યાસને લગતી ખનિજશાસ્ત્રની શાખાને પ્રકાશીય ખનિજશાસ્ત્ર કહેવાય છે. આ પ્રકારનો અભ્યાસ ધ્રુવીભૂત સૂક્ષ્મદર્શક(polarising microscope)ની મદદથી કરવામાં આવે છે. આ હેતુ બર લાવવા માટે વિશિષ્ટ પદ્ધતિથી ખનિજોના છેદ તૈયાર કરવામાં આવે છે, જેમાં છેદની જાડાઈ સામાન્ય રીતે 0.03થી 0.04 મિમી. હોય છે. પ્રકાશીય ગુણધર્મોમાં રંગ, આકાર, સંભેદ, રંગવિકાર, વક્રીભવનાંક, પરિવર્તન-પેદાશ, આગંતુક ખનિજ, વિલોપ, ધ્રુવીભૂત રંગો, સાવર્તિકતા, યુગ્મતા, વ્યતિકરણ-આકૃતિ, પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation) અને પ્રકાશીય કોણનિર્ધારણનો સમાવેશ થાય છે. પ્રકાશીય ખનિજશાસ્ત્રની મદદથી સમાન ગુણધર્મો બતાવતાં ખનિજોને અલગ પાડી શકાય છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોથી ખનિજોનો અભ્યાસ પૂર્ણ બને છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે