પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation)

February, 1999

પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation) : ખનિજ સ્ફટિકોમાં રહેલી સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષના સ્થાન વચ્ચેનો સહસંબંધ. કોઈ પણ ખનિજ સ્ફટિકમાં સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષ હોય છે. ખનિજ-સ્ફટિકોના પ્રકાશીય ગુણધર્મોના અભ્યાસ પરથી એવું ફલિત થાય છે કે પ્રકાશીય દિકસ્થિતિ આ ગુણધર્મો પર અસર કરે છે. વિવિધ સ્ફટિકવર્ગોના ખનિજ-સ્ફટિકોની પ્રકાશીય દિકસ્થિતિની માહિતી નીચે પ્રમાણે છે :

1. ક્યુબિક વર્ગ : એકસરખાં લક્ષણોવાળી ત્રણ સમાન સ્પંદનદિશાઅક્ષ.

2. ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ વર્ગ : આ વર્ગોના સ્ફટિકોમાં પ્રકાશીય અક્ષ (optic axis) હંમેશા ‘c’ સ્ફટિક-અક્ષને સમાંતર હોય છે. પ્રકાશીય સંજ્ઞા પ્રમાણે આ બંને વર્ગોના સ્ફટિકોમાં પ્રકાશીય અક્ષ સાથે એકરૂપ થતી સ્પંદનદિશા ‘એપેટાઇટ’ ખનિજની જેમ ઝડપી (fast) કિરણની દિશા કે ‘ક્વાર્ટ્ઝ’ ખનિજની જેમ ધીમા (slow) કિરણની દિશા હોઈ શકે.

3. ઑર્થોર્હૉમ્બિક વર્ગ : આ વર્ગનાં ખનિજોમાં a, b અને c સ્ફટિક- અક્ષ X, Y, Z સ્પંદન-દિશાઓ સાથે એકરૂપ બને છે, પરંતુ સ્ફટિક-અક્ષો અને સ્પંદન-દિશાઓ વચ્ચેની સમરૂપતા હમેશાં ઉપર દર્શાવેલા ક્રમમાં થતી નથી.

4. મૉનોક્લિનિક વર્ગ : આ વર્ગના ખનિજ-સ્ફટિકોમાં X અથવા Y કે Z સ્પંદન-દિશા ‘b’ સ્ફટિક-અક્ષ સાથે સમરૂપ બને છે, પરંતુ મોટાભાગના મૉનોક્લિનિક ખનિજ-સ્ફટિકોમાં ‘b’ સ્ફટિક-અક્ષ ‘Y’ સ્પંદન-દિશા સાથે એકરૂપ બને છે. જો આ પ્રમાણે આ વર્ગના સ્ફટિકોમાં ‘Y’ સ્પંદન-દિશા ‘b’ સ્ફટિક-અક્ષ સાથે સમરૂપ થતી હોય તો ‘X’ અને ‘Z’ સ્પંદન-દિશાઓ ‘a’ અને ‘c’ સ્ફટિકઅક્ષવાળા સમતલમાં એકબીજાથી કાટખૂણે કોઈ પણ સ્થાન ધરાવે છે.

5. ટ્રાયક્લિનિક વર્ગ : આ સ્ફટિકવર્ગનાં ખનિજોમાં દરેક ખનિજની આગવી પ્રકાશીય દિકસ્થિતિ હોય છે. ટ્રાયક્લિનિક ખનિજ-સ્ફટિકોમાં સ્ફટિકાત્મક સમમિતિનું કેન્દ્ર પ્રકાશીય સ્પંદન-દિશાઓના કેન્દ્ર સાથે સમરૂપ થતું હોય છે, પરંતુ સ્ફટિક-અક્ષ સ્પંદન-દિશાઓ સાથે સમરૂપ થતી નથી.

વ્રિજવિહારી દીનાનાથ દવે