હૈતી : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 00´થી 20° 00´ ઉ. અ. અને 71° 30´થી 74° 30´ પ. રે.ની વચ્ચેનો 27,750 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 290 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 217 કિમી. છે. દૂરતટીય ટાપુઓની કિનારારેખા સહિત હૈતીના દરિયાકાંઠાની કુલ લંબાઈ 1,081 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આટલાંટિક મહાસાગર, દક્ષિણે કૅરિબિયન સમુદ્ર, પૂર્વમાં પ્યુર્ટો રિકો અને પશ્ચિમે ગોનાવનો અખાત તેમજ ક્યુબા આવેલાં છે. તે વેસ્ટ ઇન્ડિઝના મહાઍન્ટિલિઝ ટાપુસમૂહ પૈકીના ક્યુબા અને પ્યુર્ટો રિકો ટાપુઓ વચ્ચે આવેલા હિસ્પાનિયોલા ટાપુનો પશ્ચિમ તરફનો 2 ભાગ આવરી લે છે. આ ટાપુનો પૂર્વ તરફનો B ભાગ ડોમિનિકન પ્રજાસત્તાકથી બનેલો છે. હૈતી નામ અહીંના ઊંચાણવાળા ભૂપૃષ્ઠ માટે વપરાતો ઇન્ડિયન શબ્દ છે. પૉર્ટ-ઓ-પ્રિન્સ અહીંનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : હૈતીનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ પહાડી હોઈ અસમતળ છે. 2,677 મીટરની ઊંચાઈ ધરાવતું ‘પિક લા સેલી’ અહીંનું સર્વોચ્ચ સ્થળ છે. હિસ્પાનિયોલાનો આ પશ્ચિમ ભાગ ઉત્તર અને દક્ષિણના બે દ્વીપકલ્પીય વિસ્તારોમાં વહેંચાયેલો છે. ઉત્તરનો દ્વીપકલ્પ આટલાંટિક મહાસાગરમાં, ગોનાવના અખાતમાં પશ્ચિમ તરફ આશરે 160 કિમી.ના અંતર સુધી તથા દક્ષિણનો દ્વીપકલ્પ કૅરિબિયન સમુદ્રમાં પશ્ચિમ તરફ આશરે 320 કિમી. સુધી વિસ્તરેલો છે. આ બે દ્વીપકલ્પોની વચ્ચેના ભાગમાં ગોનાવનો અખાત તેમજ ગોનાવનો ટાપુ આવેલાં છે. હૈતીના ઉત્તર અને દક્ષિણ ભાગોને વીંધીને પસાર થતા બે પર્વતો છે, તેમની વચ્ચે આર્ટિબોનાઇટ નદીખીણ આવેલી છે. ઉત્તર તરફ તોર્તુગા ટાપુ છે. હૈતીમાં સિડ્રેલા અને મૅહોગનીનાં જંગલો આવેલાં છે, તો કેટલાક ભાગોમાં અયનવૃત્તીય ફળોનાં વૃક્ષો ઊગે છે.
હૈતી
અહીં મધ્યમસરના તાપમાનવાળી અયનવૃત્તીય આબોહવા પ્રવર્તે છે. કિનારાઓ પર તાપમાનનો ગાળો 21°થી 35° સે., જ્યારે પર્વતો પર તે 10° સે.થી 24° સે. જેટલો રહે છે. ઉત્તર તરફના પર્વતીય ભાગોમાંનાં અયનવૃત્તીય જંગલોમાં વાર્ષિક આશરે 2,000 મિમી. જેટલો, જ્યારે દક્ષિણ કિનારાના ભાગોમાં 1,000 મિમી.થી ઓછો વરસાદ પડે છે; ક્યારેક જૂન અને ઑક્ટોબરમાં આવી જતાં હરિકેનનાં વાવાઝોડાં વિનાશ વેરી જાય છે.
હૈતીનું પાટનગર : પૉર્ટ ઓ પ્રિન્સ
અર્થતંત્ર : હૈતીની 70 % વસ્તી ગ્રામીણ છે, તેઓ મોટે ભાગે ખેડૂતો છે; તેમની પાસે પોતાની માલિકીનાં તદ્દન નાનાં ખેતરો છે, જેમાં તેઓ પોતાનાં કુટુંબો પૂરતી ખેતી કરી જીવનનિર્વાહ કરે છે. પહાડી ઢોળાવો પર વસતા લોકો કૉફી, કોકો અને ફળોની ખેતી કરે છે. આર્ટિબોનાઇટ નદીખીણની કાળી ફળદ્રૂપ જમીનમાં મુખ્યત્વે શેરડીની ખેતી થાય છે. મુલાટો જાતિના કેટલાક લોકો મોટાં ખેતરો ધરાવે છે, તેમાં તેઓ મજૂરો રાખીને કૉફી, શેરડી કે સિસલની ખેતી કરાવે છે. કેટલાક લોકો વર્ષના અમુક ગાળા માટે ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકમાં ખેતીના કામકાજ માટે જાય છે. તાંબું અને બૉક્સાઇટ અહીંની મુખ્ય ખનિજ પેદાશો છે.
હૈતીમાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. કૉફી અને શેરડીની પેદાશોની યુ.એસ., ફ્રાન્સ તેમજ અન્ય દેશોમાં નિકાસ થાય છે. અહીં કાપડની થોડીક મિલો પણ છે. કેટલાક લોકો સિસલ કે મૅહોગનીમાંથી હસ્તકારીગરીની ચીજો બનાવીને પ્રવાસીઓને વેચે છે. કાપડ–કપડાં, અનાજ અને યંત્રસામગ્રી યુ.એસ. ખાતેથી આયાત કરવામાં આવે છે.
કેટલીક આંતરરાષ્ટ્રીય હવાઈસેવાઓનાં વિમાનો અહીં પૉર્ટ-ઓ-પ્રિન્સ ખાતે રોકાય છે. કૅપ-હૈતિયન, લેસ કેયસ અને સેન્ટ માર્ક શહેરો અહીંનાં મહત્વનાં બંદરો પણ છે. કૅપ-હૈતિયન ખાતે સમુદ્રી-પર્યટક વહાણો રોકાય છે, તે દરમિયાન મુસાફરો–પર્યટકો શહેરની મુલાકાત લઈ આવે છે. આ શહેરમાંથી પસાર થતા રેલમાર્ગો પૈકી કેટલાક શેરડીનાં ખેતરો તરફ પણ લંબાયેલા છે. હૈતીના કુલ 4,000 કિમી.ના સડકમાર્ગો પૈકીના માત્ર 600 કિમી.ના માર્ગો જ આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે.
વસ્તી–લોકો : 2000 મુજબ હૈતીની કુલ વસ્તી 82,22,000 જેટલી છે. પશ્ચિમ ગોળાર્ધના ગીચ વસ્તીવાળા દેશોમાં હૈતીની પણ ગણના થાય છે. અહીં દર ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા 232 વ્યક્તિઓની છે. હૈતીની ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 70 % અને 30 %નું છે. મોટા ભાગની વસ્તી અહીં લવાયેલા અશ્વેત આફ્રિકી ગુલામોના વંશજોથી બનેલી છે. ઘણાખરા લોકો ઉપજાઉ જમીનો ધરાવતાં કિનારાનાં મેદાનો અને ખીણભાગોમાં વસે છે, તેથી આ ભાગો ગીચ વસ્તીવાળા બની રહેલા છે. અહીંનાં કુટુંબો ખેતી પર તેમનો જીવનનિર્વાહ ચલાવે છે. તેમની ખોરાકી જરૂરિયાતો માટે તેઓ મકાઈ, ડાંગર અને રતાળુનું વાવેતર કરે છે. ખેતીની સાથે સાથે તેઓ મરઘાં, ભૂંડ કે બકરાં પણ પાળે છે. તેઓ માટીથી બનાવેલી ભીંતોવાળાં તેમજ ઘાસનાં છાપરાંવાળાં ઝૂપડાંમાં રહે છે. હજી આજે પણ તેઓ આફ્રિકાથી વર્ષો પહેલાં આવેલા ગુલામોના વખતના પરંપરાગત રિવાજો પાળે છે અને ગીત-સંગીત માણે છે. આ લોકો પૈકી કેટલાક કૅથલિક તો કેટલાક પ્રૉટેસ્ટંટ છે, પંથભેદને કારણે કેટલાક લોકો મિશ્ર માન્યતાઓ ધરાવે છે, માન્યતાઓને અનુરૂપ ઉત્સવો ઊજવે છે. વળી તેઓ બધા વર્ષા, કૃષિ, યુદ્ધ અને પ્રેમના દેવતાઓમાં પણ માને છે.
હૈતી-નિવાસીઓ પૈકી મુલાટો નામની શ્વેત-અશ્વેત મિશ્ર પ્રજા 5 % જેટલી છે. તેઓ ઉચ્ચ અને મધ્યમ વર્ગના ગણાય છે. તેઓ પૈકી ઘણાખરા ફ્રાન્સમાં શિક્ષણ પામેલા છે. આ ઉપરાંત તેમાં સમૃદ્ધ વેપારીઓ, ડૉક્ટરો, વકીલો પણ છે. કેટલાક અમેરિકનો, યુરોપિયનો અને સિરિયનો પણ છે. મોટા ભાગના હૈતી-નિવાસીઓ હૈતી-ક્રિયોલ ભાષા બોલે છે. આ ભાષા અંશત: ફ્રેન્ચ ભાષા પર આધારિત છે; મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો ફ્રેન્ચ ભાષા પણ જાણે છે અને બોલે છે. હૈતી આ વિસ્તારનો ઓછામાં ઓછો વિકસિત દેશ ગણાય છે. દેશના 80 % લોકો લખી-વાંચી જાણતા નથી; મોટા ભાગના લોકો ખેડૂતો છે. આ દેશમાં હૉસ્પિટલો અને ડૉક્ટરોની તંગી છે. ગ્રામીણ વિસ્તારોમાં પૂરતા પોષણ અને તબીબી-સારવારને અભાવે તેમનો આયુદર માત્ર 50 વર્ષની આજુબાજુનો રહે છે.
પૉર્ટ-ઓ-પ્રિન્સ હૈતીનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશની સત્તાવાર ભાષા ફ્રેન્ચ હોવાથી તેનું સત્તાવાર નામ રિપબ્લિક દ હૈતી (હૈતીનું પ્રજાસત્તાક) છે. હૈતી એ દુનિયાનું સંભવત: જૂનામાં જૂનું અશ્વેત પ્રજાસત્તાક છે. અહીં સૅન્સ સુસી મહેલ આવેલો છે. પશ્ચિમ ગોળાર્ધમાંનું તે બીજા ક્રમે આવતું જૂનામાં જૂનું સ્વતંત્ર રાષ્ટ્ર છે. 1804માં તે સ્વતંત્ર બનેલું છે; પરંતુ તે પછીના ઘણાખરા સમય માટે લોકકલ્યાણમાં રસ ન ધરાવતા આપખુદ લોકોના શાસન હેઠળ તે રહેલું.
ઇતિહાસ : ક્રિસ્ટોફર કોલંબસ 1492માં હિસ્પાનિયોલા ખાતે આવેલો. તેનાં વહાણો પૈકીનું એક વહાણ આજના કૅપ-હૈતિયાનના સાન્ટા મારિયાની ખરાબાની ભૂમિ સુધી આવેલું. વહાણમાં ભરેલાં લાકડાંની મદદથી તેની ટોળીએ એક થાળું બનાવ્યું, જેને કોલંબસે ફૉર્ટ નવીદાદ (Navidad) નામ આપેલું. કોલંબસના અહીંથી ગયા બાદ અહીંના સ્થાનિક આરાવાક ઇન્ડિયનોએ થાળાની જાળવણી માટે રહેલા લોકોને મારી નાખ્યા અને થાળાનો નાશ કર્યો.
કોલંબસે પૂર્વના ડોમિનિકન પ્રજાસત્તાકમાં સોનાની ખોજ કરેલી, તેની જાણ થયા પછી કેટલાક સ્પૅનિશ લોકો હિસ્પાનિયોલા ખાતે ધસી આવેલા. તેમણે અહીંના સ્થાનિક લોકોને તેના ખોદકામની ફરજ પાડેલી અને તેમની સાથે કઠોરતાથી અને નિર્દયતાથી વર્તેલા. આ કારણે 1530 સુધીમાં તો અહીં માત્ર થોડા સેંકડો ઇન્ડિયનો બચવા પામેલા. તે પછીથી આ કામ માટે આફ્રિકામાંથી ગુલામોને લાવવામાં આવ્યા; પરંતુ સ્પૅનિશ વસાહતીઓ તો વધુ સમૃદ્ધ અને ઍશઆરામી જિંદગી જીવવા પેરુ અને મેક્સિકો ખાતે ચાલ્યા ગયા. 1606 સુધીમાં હિસ્પાનિયોલા ટાપુ ખાતે બહુ જ ઓછા સ્પૅનિશ લોકો રહેવા પામેલા. ત્યારપછી ઇંગ્લિશ, ડચ અને ફ્રેન્ચ ચાંચિયાઓએ ઉત્તરના તોર્તુગા ટાપુનો રહેઠાણના મથક તરીકે ઉપયોગ કરીને સોનું લઈ જતાં વહાણો પર હુમલા કરવા માંડ્યા. અહીંના સ્પૅનિશ લોકોએ તેમને હાંકી કાઢવાના અસફળ પ્રયાસો કરેલા. 1697માં ટાપુના પશ્ચિમ ભાગ પર ફ્રેન્ચોએ કબજો મેળવી લીધો.
1804માં તે સ્વતંત્ર થયું. 1844માં હિસ્પાનિયોલાનું હૈતી અને ડોમિનિકન પ્રજાસત્તાકમાં વિભાજન થયું. 1915થી 1934 દરમિયાન તે યુ.એસ.ના નિયંત્રણ હેઠળ રહ્યું. 1956માં ડૉ. ફ્રેન્કોઇસ દુવાલિયરે લશ્કરી મદદથી સત્તા કબજે કરી અને પ્રમુખ બન્યા. 1971માં તેમનું મૃત્યુ થતાં તેમના પુત્ર જીન ક્લૉડ દુવાલિયરે સત્તા સંભાળી.
હૈતી : સૅન્સ સુસી મહેલ
1986માં હૈતી-નિવાસીઓએ આપખુદ શાસક જીન ક્લૉડ દુવાલિયરની સરકારને ઉથલાવી દીધી. નાગરિક અને લશ્કરી નેતાઓથી બનેલી નવી સરકાર રચવામાં આવી. પ્રધાનમંડળ અને ત્રણ સભ્યોની બનેલી નવી રાષ્ટ્રીય સરકાર બની. 1988ના જાન્યુઆરીમાં હૈતી-નિવાસીઓએ સંસદ માટેની ચૂંટણી કરી, પ્રમુખ પણ ચૂંટી કાઢ્યા. આ રીતે ટૂંકા ગાળાના લશ્કરી શાસન બાદ પ્રજાસત્તાક શાસન અસ્તિત્વમાં આવ્યું. 1991માં ચૂંટણીઓ યોજાઈ, તેમાં ઘણી બહુમતીથી અગાઉના પાદરી જીન-બર્ટ્રાન્ડ ઍરિસ્ટાઇડ ચૂંટાઈ આવ્યા. તે પછીથી ઍરિસ્ટાઇડનું વર્ચસ્ ચાલુ રહ્યું અને 2001માં ત્રીજી વાર ઍરિસ્ટાઇડ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.
ગિરીશભાઈ પંડ્યા