હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. આ તાલુકાનો સમાવેશ ધ્રાંગધ્રા વિભાગમાં કરવામાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : 23° 01´ ઉ. અ. અને 71° 11´ પૂ. રે..

તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીંની જમીનો રાતી, રેતાળ અને પાતળા પડવાળી છે. જમીનો હેઠળ રેતીખડકનો થર રહેલો છે. ખાતરોનો ઉપયોગ કરીને અહીં કપાસ, તલ, મગફળી, ઘઉં, બાજરી જેવા પાક લેવાય છે. કૂવા, બોર દ્વારા પાણી મેળવીને ખેતીના પાક લેવાય છે.

અહીંની આબોહવા સૂકી અને સ્વાસ્થ્યપ્રદ છે. કચ્છનો નાના રણનો પ્રદેશ નજીકમાં જ આવેલો હોઈ ક્યારેક વિષમ આબોહવા પણ અનુભવાય છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. હળવદમાં 1989માં નીચામાં નીચું તાપમાન 7° સે. તથા 1993માં ઓછામાં ઓછો વરસાદ 271 મિમી. નોંધાયેલાં છે. તાલુકામાંથી કંકાવટી અને બ્રાહ્મણી નદીઓ વહે છે.

ગાંધીધામ–વિરમગામને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ હળવદમાં થઈને જાય છે. ઝુંડ–કંડલા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું તે મથક છે. રાજ્ય ધોરી માર્ગ 7, 21 અને 22 આ તાલુકા સાથે સંકળાયેલા છે. રાજ્ય પરિવહનની બસો દ્વારા તે જિલ્લામથક સુરેન્દ્રનગર સાથે સંકળાયેલું છે.

હળવદમાં શાળાઓ, દવાખાનું, ચિકિત્સાલય તેમજ તાલુકા વહીવટી કચેરીઓ આવેલાં છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 51 % જેટલું છે. તાલુકામાં કુલ 67 ગામો અને 1 શહેર આવેલાં છે. 2001 મુજબ તાલુકાની વસ્તી 1,44,302; ગ્રામીણ વસ્તી 1,19,979 તથા શહેરી વસ્તી 24,323 જેટલી છે.

આ નગર ઘણું પ્રાચીન હોવાનું કહેવાય છે, ક્યારેક તે મહમ્મદનગર તરીકે પણ જાણીતું હતું. આ નગર નજીકથી 1438 સાલની એક જૈન પ્રતિમા મળી આવી છે. અહીંનાં જાણીતાં સ્મારકો પૈકી સતીના પાળિયા વિશેષ ઉલ્લેખનીય છે; આ પાળિયા પાસે નવપરિણીત યુગલો છેડાછેડી છોડવા આવે છે. પંદરમી સદીમાં કેટલીક સ્ત્રીઓ પતિ પાછળ સતી થયેલી, તેની પાછળ સ્મારક તરીકે આ પાળિયા બનાવેલા છે. આજે તેમની રક્ષિત સ્મારકો તરીકે જાળવણી કરવામાં આવે છે.

હળવદ નજીક સંખ્યાબંધ જૂની વાવો આવેલી છે. તે પૈકી ચાર મોટી અને સાત મજલાવાળી છે. આ વાવનાં પાણીથી ચામડીના રોગ મટે છે એવી માન્યતા પ્રવર્તે છે. આ નગરને ફરતી કોટની દીવાલ હતી, જે આજે ખંડિયેર હાલતમાં જોવા મળે છે. અહીંના સમતસર સરોવરને કાંઠે એક એકદંડિયો મહેલ આવેલો છે, જે તેની સુંદર કલાત્મક કાષ્ઠકોતરણી માટે જાણીતો છે. તેના સ્થાપત્યમૂલ્યને કારણે તેને રક્ષિત રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલો છે. મહેલની નજીકમાં શક્તિમાતાનું મંદિર છે. સમતસર સરોવરને કાંઠે દાઊદી વહોરાના મૌલા કાઝીની મજાર આવેલી છે. ત્યાં દર વર્ષે ઉર્સ ભરાય છે. સૌરાષ્ટ્રના વહોરાઓ માટે આ સ્થાનનું ધાર્મિક મહત્વ વધુ છે.

હળવદની આજુબાજુ આ મસ્જિદો ઉપરાંત મહાદેવનાં મંદિરો આવેલાં છે. વળી અહીં સ્વામિનારાયણનું મંદિર, હનુમાનજીનું મંદિર તથા જૈનોનાં દેરાસર આવેલાં છે. અહીંના સ્મશાનગૃહમાં આશરે 500 વર્ષ જૂનાં ભવાનીમાતા અને ભૂતેશ્વર મહાદેવનાં મંદિરો છે. રાજ્ય સરકારે આ મંદિરોને રક્ષિત સ્મારકો તરીકે જાહેર કરેલાં છે. અહીં દર વર્ષે શ્રાવણ વદ સાતમથી અગિયારશ સુધી ચારદિવસીય મેળો ભરાય છે, તેમાં હિન્દુ–મુસ્લિમો બંને ભાગ લે છે.

હળવદની કુલ વસ્તી પૈકી 50 % એકલા ઔદીચ્ય બ્રાહ્મણોની છે. અહીં જિનિંગ મિલ, મૅંગલોરી નળિયાં બનાવવાનાં કારખાનાં આવેલાં છે. હળવદ મીઠાના વેપાર માટે જાણીતું છે.

અહીંની ખેતપેદાશોમાં કપાસ અને ઘઉં મુખ્ય છે. નગરમાં રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅંકોની સુવિધા છે. અહીં કૃષિવિષયક તાલીમકેન્દ્ર, ચિકિત્સાલયો, પશુચિકિત્સાલય તેમજ શાળાઓ આવેલાં છે. તાલુકામથક હોઈને અહીં વહીવટી કચેરીઓ આવેલી છે.

ઇતિહાસ : હળવદના નામકરણ બાબતે બે-ત્રણ દંતકથાઓ જાણવા મળે છે. ‘હળવદ’ નામ એ ગામના આકાર ઉપરથી નિશ્ચિત થયું હશે એવી વિદ્વાનોએ ધારણા બાંધી છે કે હળવદ હળના આકારે વસેલું હોવાથી એનું નામ ‘હળવદ’ પડ્યું. એક ઉલ્લેખ એવો મળે છે કે ઈ. સ. 1488માં હળવદ વસ્યું ત્યારે હળવદથી ઈશાન કોણમાં જ્યાં હાલમાં ગોળેશ્વર મંદિર છે ત્યાં એક ગામડું હતું. હળવદ ગામ વસવા માટે એક બીજી પણ દંતકથા કહેવાય છે કે કૂવા (કંકાવટી) મુસ્લિમોના હાથમાં ગયા પછી રાજોધરજી જંગલમાં શિકારે ગયા હતા, ત્યારે તેમણે એક સસલાને ઘોડા સામું થતાં જોયું. આથી તેમણે જાણકારોને આ ઘટના વિશે પુછાવ્યું તો તેમણે કહ્યું કે આ વીરભૂમિ છે. એનો પ્રભાવ આ સસલા ઉપર પડેલો છે. જો આ સ્થળે દરબારગઢ બંધાવો તો આપની મહારાણીઓ અને કુમારો મહાપરાક્રમી બને. આથી રાજોધરજીએ એ જગ્યાએ નિશાની કરાવી રાખી અને ત્યાં શહેર વસાવવાનું નક્કી કર્યું. પછી (વિક્રમ સંવત 1544ના મહા વદ સોમવારના રોજ) ઈ. સ. 1488માં હળવદનો પાયો નાખવામાં આવ્યો; પરંતુ એમાં એવું બન્યું કે જે જગ્યાએ સસલું સામું થયું હતું તે નિશાની વાળી જગ્યા બદલાઈ જવાથી દરબારગઢ અન્ય સ્થળે બંધાયો. જ્યારે પેલી જગ્યાએ મોચી લોકોએ મકાનો બંધાવ્યાં તેથી તે ભૂમિના પ્રતાપનો તેમને લાભ મળ્યો. આથી કોઈક વખતે મોચીની કેટલીક સ્ત્રીઓ સતી થઈ, જેના પુરાવારૂપ આજે પણ ઘણા પાળિયા ઊભા છે. ‘મિરાતે સિકંદરી’ નોંધે છે કે હળવદ આસપાસ ચિત્તાઓ વસતા હતા. રાજોધરજીએ ઝાલા રાજવંશની રાજધાની કૂવાથી ખસેડીને હળવદ લાવ્યા હતા. આજે રાજોધરજીના નામની યાદગીરી જાળવતી એક હાઈસ્કૂલ હળવદમાં છે. રાજોધરજીથી માંડીને પૃથ્વીરાજજી સુધી ધ્રાંગધ્રાના ઝાલા વંશની રાજધાની હળવદ રહી હતી અને પછી રાયસિંહજીની રાજધાની હળવદથી બદલીને ધ્રાંગધ્રામાં ફેરવવામાં આવી હતી.

હળવદના રાજાનો મહેલ

 હળવદમાં તળાવને કિનારે કાષ્ઠકલાના નમૂનારૂપ કલા-કારીગરીવાળો જૂનો દરબારગઢ ઊભો છે, જેમાં સંવત 1765નો શિલાલેખ છે. રણમલસિંહજીએ આ દરબારગઢને નવેસરથી બંધાવ્યો હતો. આ દરબારગઢની અંદર વચોવચ ગોળાકાર ચાર માળનો ‘રણમલ ઝાલાવાડ દર્શન’ નામનો માઢમિનારો છે. આ દરબારગઢની અંદર લાકડામાં સુંદર અને બારીક ભૌમિતિક આકૃતિઓ કોતરીને કલાત્મક રચના કરવામાં આવી છે. હળવદમાં શરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેના પટાંગણમાં જ શરણેશ્વર નામની ઉત્તરાભિમુખ વાવ આવેલી છે. તે વાવમાં ઊતરતાં જ પ્રથમ જમણી બાજુના ગવાક્ષમાં 15 લીટીનો (વિક્રમ સંવત 1583 ફાલ્ગુન વદી 13 ગુરુવારનો) 28 ફેબ્રુઆરી, 1527નો સંસ્કૃત ભાષામાં શિલાલેખ છે. આ શિલાલેખમાં ઝાલાકુળની વંશાવળીમાં રાજાઓ સાથે રાણીઓનાં નામ પણ મળે છે, તે રીતે અગત્યનો છે. હળવદમાં શરણેશ્વર સિવાય 12 જેટલાં અન્ય શિવાલયો આવેલાં છે. હળવદને પાળિયાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ આખા સૌરાષ્ટ્રમાં હળવદના પાદરમાં જેટલા પાળિયાઓ ઊભા છે, એટલા પાળિયાઓ બહુ જ ઓછાં શહેર કે ગામમાં હશે. આ પાળિયાઓ મોટે ભાગે ઝાલા રાજવીઓના છે અને તેના ઉપર છતરડીઓ પણ બાંધવામાં આવી છે, તો અમુક પાળિયાઓ મોચી સ્ત્રીઓના પણ છે. હળવદના શાસક જસવંતસિંહજીનો પાળિયો છત્રીસ થાંભલીઓવાળી દેરીમાં ઊભો છે. ધ્રાંગધ્રાના રાજકુટુંબના સભ્યો આ પાળિયાઓના દર્શન કરવા આવે છે. હળવદે ઘણી બધી પ્રખ્યાત વ્યક્તિઓ પણ સમાજને આપી છે; જેમ કે, લેખક તારાચંદ પોપટલાલ અડાલજા હળવદમાં જન્મ્યા હતા. એ જ રીતે મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ તેમજ ખગોળવિજ્ઞાની અને મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમના ડિરેક્ટર ડૉ. જિતેન્દ્રકુમાર જટાશંકર રાવળ, ‘જેસલતોરલ’ ફિલ્મના દિગ્દર્શક રવીન્દ્ર દવે અને ફિલ્મ-તસવીરકાર પ્રતાપભાઈ દવે અને અખબારી તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ હળવદના છે. લાડુ ખાવામાં હળવદના બ્રાહ્મણોની તોલે કોઈ ન આવી શકે એવી માન્યતા સુપ્રચલિત છે. તેઓ લાડુ ખાવાની હરીફાઈ પણ યોજે છે ! હળવદે સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ રસ લીધો હતો, ત્યારે હળવદમાં 70 દિવસની હડતાળ પડી હતી, જે અભૂતપૂર્વ હતી.

નીતિન કોઠારી

પ્રદ્યુમ્ન ભ. ખાચર