હર્ષી આલ્ફ્રેડ ડી. (Hershey Alfred D.)
February, 2009
હર્ષી, આલ્ફ્રેડ ડી. (Hershey, Alfred D.) (જ. 4 ડિસેમ્બર 1908, ઓવોસો, મિશિગન, યુ.એસ.; અ. 22 મે 1997) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને સેલ્વેડોર લ્યૂરિયા સાથેના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને વિષાણુઓની જનીનીય સંરચના (બંધારણ) અને તેમની સસ્વરૂપજનન (replication) અંગે કરેલી શોધ માટે આ માન મળ્યું હતું. વિષાણુઓનાં જનીનો અને તે જનીનો દ્વારા બનેલી તેમની સંરચના(તેમના બંધારણ)ને જનીનીય સંરચના (genetic structure) કહે છે. વિષાણુઓની સંખ્યાવૃદ્ધિની પ્રક્રિયાને સસ્વરૂપજનન કહે છે.
આલ્ફ્રેડ ડી. હર્ષી
તેઓ મિશિગન સ્ટેટ કૉલેજમાં ભણીને સને 1930માં સ્નાતક થયા અને સન 1934માં પીએચ.ડી. થયા. તેમને સન 1967માં શિકાગો યુનિવર્સિટી તરફથી ડી.એસ.સી.ની માનાર્હ ઉપાધિ પણ મળી હતી. સન 1934થી 1950 સુધી તેઓ વૉશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાં જીવાણુવિદ્યા(bacteriology)ના વિભાગમાં શિક્ષણ અને સંશોધન કરતા રહ્યા. સન 1950માં તેઓ ન્યૂયૉર્કની કાર્નેગી ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ વૉશિંગ્ટનમાં જનીનવિદ્યા (genetics) વિભાગમાં જોડાયા તથા સન 1962માં તે તેના નિયામક બન્યા. તેઓ સન 1945માં હેરિએટ ડેવિડસનને પરણ્યા અને તેનાથી તેમને એક પુત્ર થયો.
શિલીન નં. શુક્લ