સંધેસરો (સફેદ ગુલમહોર) : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix elata Gamble syn. Poinciana elata Linn. (સં. સિદ્ધેશ્વર, સિદ્ધનાથ; હિં. ગુલતુર્રા, સફેદ ગુલમૌર; મ. સંખેસર; તે. સંકેસુલા, વટનારાયણા; ત. વડનારાયણા; ક. કેંપુકેન્જીગા). તે 6.0 મી.થી 9.0 મી. ઊંચું ટટ્ટાર વૃક્ષ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વન્ય સ્વરૂપે થાય છે. તે ઉદ્યાનો અને વૃક્ષવીથિ (avenue) માટે ઉગાડવામાં આવે છે. તે દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત પર્ણો ધરાવે છે. 3.7 સેમી. લાંબા પત્રાક્ષ ઉપર લગભગ 1.2 સેમી.ના અંતરે 12થી 15 જોડ લંબગોળાકાર પર્ણિકાઓ સામસામે ગોઠવાયેલી હોય છે. પુષ્પવિન્યાસ કલગી (raceme) પ્રકારનો હોય છે અને 15 સેમી.થી 30 સેમી. લાંબો હોય છે. તેનાં પુષ્પો (3.7 સેમી. પહોળાં) શરૂઆતમાં સફેદ અને સમય જતાં પીળાં બને છે. પુંકેસરો 10 હોય છે અને તેના તંતુઓ લાલ રંગના હોય છે. પુષ્પનિર્માણ ઉનાળામાં કે શરૂઆતના વરસાદ દરમિયાન થાય છે. પુષ્પો ખરી પડે ત્યારે નારંગી રંગમાં ફેરવાય છે. ફળ શિંબ પ્રકારનું, 15 સેમી.થી 20 સેમી. લાંબું અને 2.5 સેમી. પહોળું હોય છે. તે કાચું હોય ત્યારે લીલા-પીળા રંગનું અને પાકે ત્યારે ભૂરા-લાલ રંગનું બને છે. પ્રત્યેક શિંગમાં 4થી 8 જેટલાં લંબગોળ, ચમકતાં, ચપટાં અને ભૂરા રાતા રંગનાં બીજ થાય છે. તેનું પ્રસર્જન ચોમાસા દરમિયાન કટકારોપણ દ્વારા કે બીજ દ્વારા કરવામાં આવે છે. તે ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે અને નદી કે કૅનાલના કિનારે ભૂમિસંરક્ષણ માટે ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ જીવતી વાડ બનાવવામાં પણ થાય છે.

સંધેસરાનું વૃક્ષ

તેનું કાષ્ઠ પીળાશ પડતું સફેદ અને મધ્યમસરનું ભારે (વજન 689થી 720 કિગ્રા./1 ઘમી.), સંવૃત્ત (close) અને સમ(even)-કણિકાઓયુક્ત હોય છે. તે વળી જતું હોવા છતાં ચિરાતું નથી. તેના પર ખરાદીકામ સહેલાઈથી થઈ શકે છે અને તેની સપાટી લીસી બનાવી શકાય છે. તે કૅબિનેટના કામમાં, વલોણાં, કાંસકા અને દીવાસળીની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે.

પર્ણો સંધિવા અને આધ્માન(flatulence)માં વપરાય છે. છાલ જ્વરશામક (febrifuge) અને કાલિક જ્વરરોધી (antiperiodic) ગણાય છે.

સંધેસરાની બે જાતો થાય છે : (1) મૂળની લાલ છાલ, સફેદ ગર્ભ અને નાનાં પુષ્પ ધરાવતી જાત અને (2) મૂળની પીળી છાલ, પીળો ગર્ભ અને મોટાં પુષ્પ ધરાવતી જાત.

આયુર્વેદ અનુસાર, સંધેસરો ગુણમાં શીતળ, સ્નિગ્ધ, સ્વાદે કડવો-તૂરો, ત્રિદોષહર અને ગ્રંથિ (ગાંઠ), નાડીવ્રણ (નાસૂર), આમવાત, સોજા, આફરો, વાતવ્યાધિના ઉપચારરૂપે અને વિષનાશક હોય છે. આ ગુણો સફેદ પુષ્પવાળા સંધેસરાના છે.

ઉપયોગ : (1) વીંછીના ઝેર પર : સંધેસરાના તાજા મૂળના 3થી 4 આંગળ લાંબા ટુકડાને દર્દીને જે સ્થળે ડંખ લાગ્યો હોય તેનાથી ઉપરના ભાગેથી તેના અંગને સ્પર્શ કરાવ્યા વિના ઉપરથી નીચે ડંખ સુધી વારંવાર ફેરવવામાં આવે છે. તે પછી ઝેર ડંખમાં જ રહે ત્યારે તે મૂળને પાણીમાં ઘસીને ડંખ પર લગાવવામાં આવે છે. વીંછીના ડંખ ઉપર આ ખૂબ જ અકસીર ઔષધ ગણાય છે. (2) શ્વેતપ્રદરમાં સંધેસરાનાં પર્ણોનું ચૂર્ણ 3થી 5 ગ્રા. જેટલું સવાર-સાંજ પાણી કે દૂધ સાથે આપવામાં આવે છે. (3) ગાંઠ, નાડીવ્રણ કે જખમ ઉપર તેનાં પર્ણો વાટી તેની લૂગદી બનાવી પાટો બાંધવાથી દર્દ મટે છે. (4) આમવાતમાં સંધેસરાનાં 30 ગ્રા. જેટલાં પર્ણો વાટી એક કપ પાણીમાં ઘૂંટી, ગાળીને દિવસમાં ત્રણ વાર પિવડાવવામાં આવે છે. પીડાની જગાએ તેનાં પર્ણોના ઉકાળાની વરાળ વડે શેકવાથી દર્દમાં સારો લાભ થાય છે. (5) માથાની ઉંદરી (નાની ટાલ) : સંધેસરાનાં પર્ણો પાણી સાથે વાટી દિવસમાં બે વાર ઉંદરી પર લેપ કરવાથી કે તેના પર્ણના રસમાં તલનું તેલ ઉકાળીને લગાવવાથી ઉંદરી (ઇન્દ્રલુપ્ત) મટે છે.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ