હઝારિકા, ભૂપેન (જ. 8 ઑગસ્ટ 1926, સાદિયા, આસામ) : આસામના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર અને વિધાનસભાના સભ્ય. ગુવાહાટીમાંથી ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1944માં તેઓ સ્નાતક અને 1946માં અનુસ્નાતક બન્યા. અનુસ્નાતક કક્ષાએ તેમના અભ્યાસનો મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર હતો. તે પછી અમેરિકા જઈ પાંચેક વર્ષ ત્યાં રોકાઈને કોલંબિયા યુનિવર્સિટીમાંથી સમૂહ-પ્રત્યાયનમાં ડૉક્ટરેટની પદવી મેળવી. શિકાગો યુનિવર્સિટીમાં ‘સિનેમા દ્વારા શૈક્ષણિક વિકાસ’ના અભ્યાસ માટે તેમને ફેલોશિપ મળી હતી. આમ રસ અને રુચિ અનુસાર તેમણે રાજ્યશાસ્ત્ર, સમૂહ-પ્રત્યાયન અને સિનેમાનાં ક્ષેત્રોમાં વિવિધ વિષયોનો અભ્યાસ કર્યો હતો.
ભૂપેન હઝારિકા
તેઓ દેશના અગ્રણી ફિલ્મકર્તા હોવા સાથે આસામી સિનેમાની નામનાને વિશ્વસ્તરે પહોંચાડનાર કલાકાર છે. 1956માં ‘એરા બાતોર સૂર’ નામની પ્રથમ આસામી ફિલ્મ તેમણે બનાવી હતી. ફિલ્મક્ષેત્રે અદાકાર તરીકેની કારકિર્દીનો આરંભ તેમણે તેર વર્ષની નાની વયે કરેલો. ‘ઇન્દ્રમાલતી’ ચલચિત્રમાં તેમણે નાની ભૂમિકા ભજવેલી. દસ વર્ષની નાની વયે તેમણે તેમની કારકિર્દીનું પ્રથમ ગીત રચ્યું, ગાયું અને તે દ્વારા કલાકાર તરીકેની જન્મજાત પ્રતિભાનો પરિચય કરાવ્યો. આ પછી ફિલ્મકલાકાર, દિગ્દર્શક, ગીતકાર અને ફિલ્મકાર તરીકેની તેમની કારકિર્દી સતત વિકસતી રહી. ‘શકુંતલા’ (1960); ‘પ્રતિધ્વનિ’ (1978), ‘લોટિઘોટિ’ (1967), ‘ચકમક બીજલી’ (1971), ‘મૉન પ્રજાપતિ’ (1978), ‘સ્વીકારોક્તિ’ (1986) અને ‘સિરાજ’ (1988) – આ ફિલ્મોમાં કોઈક ને કોઈક સ્વરૂપે તેમણે કામગીરી કરીને, આ ક્ષેત્રમાંના જીવંત રસનો પરિચય કરાવ્યો છે. આસામ ઉપરાંત પડોશી અરુણાચલ પ્રદેશના ફિલ્મક્ષેત્રે પણ તેમણે રસ દાખવ્યો. 1977માં ‘મેરા ધરમ, મેરી મા’ નામનું અરુણાચલ પ્રદેશનું પ્રથમ રંગીન હિંદી ચલચિત્ર તૈયાર કરવામાં તેમણે દિગ્દર્શક અને સંગીત રચનાકાર તરીકે કામગીરી બજાવી. અરુણાચલ પ્રદેશ સરકાર વતી આદિવાસી લોકગીતો અને નૃત્યો માટે તેમણે એક અત્યંત સુંદર દસ્તાવેજી ચિત્ર 1974માં ‘ફૉર હુમ ધ સન શાઇન્સ’ તૈયાર કર્યું હતું. આ ચલચિત્ર દ્વારા આદિવાસી કલ્યાણની દિશામાં પ્રદાન કરવા માટે તેમને અરુણાચલ સરકારે 1977માં સુવર્ણચંદ્રકની નવાજેશ કરી હતી. તદુપરાંત બંગાળી ફિલ્મો, હિન્દી ફિલ્મો એમ વિવિધ ફિલ્મક્ષેત્રે તેમણે વિવિધ કામગીરી બજાવી છે. આમાંની કેટલીક ફિલ્મોમાં લોકસંગીતનો અસરકારક ઉપયોગ કરી કર્ણપ્રિય અને સંવેદનશીલ સંગીત પીરસ્યું છે. હિન્દી ફિલ્મ ‘રૂદાલી’માં તેમનું ‘દિલ હૂમ હૂમ કરે’ ગીત ઊંચી સંવેદનશીલતા અને કર્ણપ્રિયતા વ્યક્ત કરે છે. ‘ગંગા તુમ બહેતી હો ક્યૂં !’ તેમનું અન્ય ગીત છે જે રાષ્ટ્રીય સ્તરે ભારે લોકપ્રિય બન્યું છે. તેમનાં ‘શકુંતલા’, ‘પ્રતિધ્વનિ’ અને ‘લોટિઘોટિ’ આ ત્રણે ચલચિત્રો નૅશનલ ઍવૉર્ડ-વિજેતા ચલચિત્રો હતાં જેને અનુક્રમે 1960, 1964 અને 1967ના નૅશનલ ઍવૉર્ડ દ્વારા સન્માનિત કરાયાં હતાં. એક જ ફિલ્મનિર્માતાનાં ત્રણ ચલચિત્રો અલગ અલગ સમયે ઍવૉર્ડ વિજેતા બને તે ક્વચિત્ બનતી ઘટના છે.
આકાશવાણીના શિલોંગ-ગુવાહાટી રેડિયો સ્ટેશનની સ્થાપના સાથે અસમિયા ગીતરચનાનો નવો પ્રવાહ છલકાયો. તે વેળા સંખ્યાબંધ ગીતસંગ્રહો પ્રકાશિત થયા તેમાં ભૂપેન હઝારિકાના ‘જીલિકાબ લુઇ તારે પાર’નું વિશેષ સ્થાન છે. ભક્તિ, રાષ્ટ્રપ્રેમ, પ્રાકૃતિક સૌંદર્ય જેવા પરંપરાગત વિષયો ઉપરાંત તેઓ તેમાં સ્વતંત્રતા અને સમાનતાના આદર્શોને પામવાના સામાન્ય માનવીના પ્રયાસને નિરૂપે છે. તેમણે અસમિયા ગીતોના સ્વરૂપ અને વિષયનું નવસંસ્કરણ કરી તેમાં પ્રશિષ્ટ સૂરો અને સંગીત પ્રયોજી વિશિષ્ટ શૈલી રચી. વધુમાં રેલવે મજૂરો, પથ્થરફોડાઓ અને પાલખી ઉપાડનારા મહેનતકશોના દારિદ્ય્ર અને દુર્દશા દર્શાવતાં ગીતો દ્વારા માનવીય સંવેદનશીલતાને વાચા આપી છે. આમ અસમિયા સાહિત્યમાં તેઓ વિશેષ નામ અને કામ પામ્યા. આ મૂળ આસામી સાહિત્યકાર દેશની ઘણી ભાષાઓ બોલી શકે છે.
આ પ્રવૃત્તિઓના ઘટાટોપ વચ્ચે પણ તેઓ રાજકીય જીવનમાં સક્રિય છે. 1967–72 તેઓ આસામ વિધાનસભાના અપક્ષ સભ્ય હતા. અલબત્ત, પછીની ચૂંટણીમાં તેમને પરાજયનો સ્વાદ પણ ચાખવા મળ્યો હતો.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રમમાણ રહેતા આ કલાકાર છેલ્લાં 35 વર્ષથી વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લઈ દેશના સાંસ્કૃતિક પ્રતિનિધિની ફરજ બજાવે છે. ભારતના સાંસ્કૃતિક ક્ષેત્રે તેમણે કરેલા અસાધારણ પ્રદાન બદલ 1977માં તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરાયો હતો. બંગાળી ફિલ્મ ‘દંપતી’માં ઉત્તમ સંગીત દિગ્દર્શક તરીકે તેમને 1977માં બંગાલી ચલચિત્ર પ્રસાર સમિતિ દ્વારા અને બંગલા ચલચિત્ર પુરસ્કાર સમિતિ દ્વારા ઍવૉર્ડ સુપરત કરાયા હતા. 1979 અને 1980માં બંગાળી નાટકોમાં શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક તરીકે તેમને ઋત્વિક ઘટક ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. 1979માં ઉત્તમ લોકકલાકાર તરીકે ઑલ ઇન્ડિયા ક્રિટિક ઍસોસિયેશનનો ઍવૉર્ડ પણ તેમને ફાળે ગયો હતો. 1987માં સંગીતની અસાધારણ ઉત્તમ પ્રતિભારૂપે તેમને નૅશનલ સિટિઝન્સ ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. 2000ના વર્ષથી તેઓ ઇન્દિરા ગાંધી સેન્ટર ફૉર આર્ટ્સના પ્રમુખપદે કાર્યરત છે.
રક્ષા મ. વ્યાસ