સવા (સુવા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anethum sowa Roxb ex Flem. syn. A. graveolens Linn. var. sowa Roxb.; A. graveolens Dc., Peucedanum sowa Roxb.; P. graveolens Benth. (સં. શતાહ્વા, શતપુષ્પા; મ. બાળંતશેપ; હિં. સોયા; બં. શુલ્ફા; ક. સબ્બાશિંગે; તે. સદાપા, શતાકુપી; તા. શડાકુપ્પિ; મલ. ચાતકુપ્પા; અં. ઇંડિયનડીલ; સોવા) છે. તે એકવર્ષાયુ, અરોમિલ (glabrous), 1.2 મી. ઊંચી સુગંધિત શાકીય વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં – મુખ્યત્વે પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળમાં વાવવામાં આવે છે. દેશના સવાના કુલ ઉત્પાદનના 45 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 2003-04ના આંકડા મુજબ, ગુજરાત રાજ્યમાં સવાના પાકનો વિસ્તાર 5790 હેક્ટર અને ઉત્પાદન 5480 ટન હતું. ગુજરાતમાં સવાની ખેતી મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૂરત જિલ્લાના ઉચ્છલ અને નિઝર તાલુકામાં કરવામાં આવે છે. કેટલીક વાર તે અપતૃણ (weed) તરીકે મળી આવે છે અને સિંચિત ખેતરોમાં તે પલાયન (escape) તરીકે પણ જોવા મળે છે. પર્ણો પુનર્વિભાજિત (decompound), અંતિમ ખંડો તંતુરૂપ (filiform) અને 8.3 મિમી. લાંબાં હોય છે. પુષ્પો આછાં પીળાં અને સંયુક્ત છત્રક (compound umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ વિભક્ત ફળ (schizocarpic) પ્રકારનું અને બે ફલાંશક(mericarp)માં વિભાજિત થયેલું હોય છે. તે આકારે ઉપવલયી (elliptical), પૃષ્ઠ બાજુએથી ચપટું, 3.0થી 5.0 મિમી. x 1.5થી 2.5 સેમિ., અરોમિલ અને ત્રણ ઊભી ખાંચવાળું અને સપક્ષ (winged) હોય છે. ફલાંશકો સંગૃહીત સ્થિતિમાં પણ પરસ્પર જોડાયેલા રહે છે. તૈલી નલિકાઓ (vitta) તેમની કિનારી તરફ અનિયમિત દીવાલ અને ખૂણાઓ પાસે સ્થૂલન ધરાવે છે.

પ્રજનન અને જાતો (varieties) : સમગ્ર ભારતમાંથી કૃષિજો(cultigens)નું પુષ્કળ સંખ્યામાં એકત્રીકરણ કરી તેમનું વિવિક્તિકર નિરીક્ષણ (screening) કરવામાં આવ્યું છે અને કેટલાંક લક્ષણોમાં જોવા મળતા મોટા તફાવતોની નોંધ કરવામાં આવી છે. કેટલાક આશાસ્પદ પ્રકારો પસંદ કરી તેમનામાંથી શુદ્ધ વંશક્રમ(pure lines)નો ઉછેર કરવામાં આવ્યો છે. આમ ઊંચું ઉત્પાદન આપતી જાતો ઓળખવામાં આવી છે; જેમનું ઉત્પાદન સામાન્ય કરતાં 22 %થી 60 % વધારે હતું. આ પસંદગીમાં ‘N.P. 127’ અને ‘N.P. 179’ની સિંધુ-ગંગાનાં મેદાનોમાં, ‘N.P. 115’ ગુજરાતમાં અને ‘N.P. 15’ પહાડી વિસ્તારોમાં ઉછેરવાની ભલામણ કરવામાં આવી છે. આ જાતોનું સરેરાશ ઉત્પાદન 1.0થી 1.4 ટન/હે. છે.

ભારતીય સવામાં અંતર્જાતીય (intraspecific) વિભિન્નતા જોવા મળી છે. સને 2000માં પિયત અને બિનપિયત પાક તરીકે અનુક્રમે ગુજરાત સવા-1 અને ગુજરાત સવા-2 બહાર પાડવામાં આવેલ છે. પિયત જાત ગુજરાત સવા-1માં સ્થાનિક જાત કરતાં વધારે શાખાઓ, ચક્કર અને ઉપચક્કરો જોવા મળે છે; જેનું સરેરાશ 16.67 % જેટલું વધારે ઉત્પાદન મળે છે. ગુજરાત સવા-2 જાત ઓછી ઊંચાઈ ધરાવતી અને વહેલી પાકતી જાત છે, જેથી બિનપિયત પરિસ્થિતિમાં ભેજનો મહત્તમ ઉપયોગ કરી વધારે ઉત્પાદન આપે છે. આ જાત સ્થાનિક જાત કરતાં 47.01 % અને ગુજરાત સવા-1 કરતાં 41.24 % જેટલું વધારે ઉત્પાદન આપે છે.

સારણી 1 : સવાની પિયત અને બિનપિયત જાતોની વાવણીનો સમય, અંતર, ખાતરનું પ્રમાણ, ઉત્પાદન અને વિશિષ્ટતાઓ

પાક જાત વાવણીનો સમય વાવણીનું અંતર (સેમી.) ના.ફૉ.પો. (કિગ્રા./હે.) ઉત્પાદન કિગ્રા./હે. વિશિષ્ટતાઓ
પિયત ગુજરાત સવા-1 નવેમ્બર પ્રથમ અઠવાડિયું 45 30 : 30 : 00 પાયાનું ખાતર 30 : 00 : 00 વાવણી પછી 30 દિવસે 1594 પિયત વિસ્તાર માટે અનુકૂળ, મોડી પાકતી જાત
બિનપિયત ગુજરાત સવા-2 સપ્ટેમ્બર-ઑક્ટોબર 45 20 : 15 : 00 પાયાનું ખાતર 935 બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ, વામન અને વહેલી પાકતી જાત

વિશાખાપટનમમાંથી ‘વિઝાગ સવા’ નામની જાત ઓળખવામાં આવી છે. ગુજરાતમાંથી બે મુખ્ય જાતો ‘ઘોડા સવા’ અને ‘વરિયાળી સવા’ના બાહ્યાકારવિદ્યાકીય અને રાસાયણિક તફાવતો ઓળખવામાં આવ્યા છે. વરિયાળી સવાના ફળમાં ફલાંશકો પરસ્પર જોડાયેલા રહે છે અને વરિયાળીની નાનાં ફળ ધરાવતી જાત જેવો દેખાવ આપે છે. વરિયાળી સવા આછી અને ઘેરી  એમ બે રાસાયણિક જાતોમાં વિભાજિત થાય છે. ઘોડા સવામાં બંને ફલાંશકો મોટેભાગે એકબીજાથી અલગ રહે છે.

વાવણી : સમગ્ર ભારતમાં સવાનું વાવેતર ઠંડી આબોહવામાં થાય છે. તે રેતાળ ગોરાડુ મૃદામાં સારી રીતે ઊછરે છે. આવી મૃદામાં 14થી 20 ગાડાં ભરી સારી રીતે કોહવાયેલું ફાર્મયાર્ડ ખાતર ઉમેરવામાં આવે છે. બીજ છૂટાં વેરીને પાક ઉગાડવામાં આવે છે અથવા ધરુવાડિયામાં હરોળોમાં બીજ વાવી રોપા તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી રોપા ખેતરમાં વાવવામાં આવે છે. વાવેતરનો સમય જે તે પ્રદેશ પર આધાર રાખે છે. પ્રતિ હેક્ટર 8થી 10 કિગ્રા. બીજ ઉગાડાય છે. હરોળો એકબીજીથી 40 સેમી.ના અંતરે રાખવામાં આવે છે. પાસ પાસેના છોડ વચ્ચેનું અંતર વિરલન (thinning) દ્વારા 12 સેમી. જેટલું રખાય છે. બીજ વાવણી પછી 8 દિવસમાં અંકુરણ પામે છે. અંકુરણનો દર આશરે 32 % જેટલો હોય છે. ચોમાસામાં સવાના બીજનું અંકુરણ 12 દિવસ પછી થાય છે. વૃદ્ધિના પ્રારંભિક તબક્કાઓમાં એકથી બે વાર અપતૃણનાશન (weeding) કરવું જરૂરી છે. મૃદાને મધ્યમસરની ભેજવાળી રાખવામાં આવે છે. તે માટે 3થી 4 વાર હળવી પિયત આપવામાં આવે છે અને વધારે પડતો ભેજ ટાળવામાં આવે છે.

આકૃતિ 1 : સવાની પુષ્પ સહિતની શાખા

રોગો અને જીવાત : સવાને ભૂકીછારા કે છાછિયા(powdery mildew)નો રોગ Erysiphe anethi નામની ફૂગ દ્વારા થાય છે. તે પાક પર અંકુરણ-અવસ્થાની શરૂઆતથી માંડી પુષ્પનિર્માણ-અવસ્થા સુધી આક્રમણ કરે છે. આ વ્યાધિજન (pathogen) છોડના મૂળ સિવાયના બધા ભાગો પર આક્રમણ કરે છે. તેનાથી ચેપગ્રસ્ત અંગ પર પીળાં ધાબાં થાય છે અને ફૂગની સફેદ કવકજાળ અને તેના બીજાણુઓનો થર સફેદ છારી-સ્વરૂપે જોવા મળે છે. ફૂગનું આક્રમણ તીવ્ર હોય તો આખા છોડ પર સફેદ છારી જોવા મળે છે. આવો છોડ ઝાંખો પીળો બની મૃત્યુ પામે છે. રોગિષ્ઠ ફૂલો ખરી પડતાં ઉત્પાદન પર માઠી અસર થાય છે. કમોસમી વરસાદ અથવા વધુ ઝાકળવાળા દિવસોમાં આ રોગ ઝડપથી ફેલાય છે.

બોર્ડો મિશ્રણ અને અન્ય કોપરયુક્ત દવાઓનો 7થી 10 દિવસને આંતરે 3થી 4 વાર છંટકાવ કરવામાં આવે છે. રોગ જણાય કે તરત જ 0.2 % ભીંજક ગંધક કે 0.5 % ટ્રાયડેમેફોનનો છંટકાવ કરવામાં આવે છે.

મૂળનો સડો Fusarium sp. દ્વારા થાય છે અને પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. વૃદ્ધિસમય દરમિયાન પાક આ ફૂગનો સંવેદી છે. શરૂઆતના તબક્કામાં તે આર્દ્ર પતન (damping off) કરે છે, પરંતુ મોટા ચેપી છોડમાં પીતન (yellowing) અને સુકારો (wilting) થાય છે. આ રોગના કોઈ અસરકારક નિયંત્રણ-ઉપાય હજુ જાણમાં નથી.

Ranularia foeniculi શિયાળામાં વરસાદથી વધતા ભેજને કારણે શરૂઆતની અવસ્થામાં આક્રમણ કરે છે. તે વર્ધીબિંદુ પર મેલા-બદામી ત્રાકાકાર વ્રણના સ્વરૂપમાં થાય છે અને અંશત: કે પૂર્ણ વંધ્યત્વમાં પરિણમે છે.

Systole albipennis સવાનાં બીજ ખાઈ જાય છે.

લણણી : ફળો પૂર્ણ વિકસિત અને લીલાં હોવાં જોઈએ (દલપત્રો ખરી પડ્યા પછી 7થી 9 દિવસ બાદ) અને છત્રક બદામી રંગ ધારણ કરે તેમજ ઝાકળને કારણે ફળ ભેજવાળાં રહે અને તેઓ ફાટી ન જાય ત્યારે લણણી કરવામાં આવે છે, જેથી તેલની શ્રેષ્ઠ ગુણવત્તા અને તેનો મહત્તમ જથ્થો મળે છે. લણેલાં ફળો છાંયડામાં સૂકવવામાં આવે છે અને ફળના કદ મુજબ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભારત સવાનો મુખ્ય ઉત્પાદક અને નિકાસ કરનાર દેશ છે. અમેરિકા ભારતમાંથી સવાની આયાત કરતો મુખ્ય દેશ છે. ભારત દ્વારા સવાની નિકાસ જાપાન, જર્મની અને ઇંગ્લૅન્ડ તેમજ અન્ય દેશોમાં પણ કરવામાં આવે છે.

શુષ્ક પાકાં ફળોનું નિસ્યંદન કરતાં બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે, જેના ઉપયોગો યુરોપીય સવાના બીજના તેલ જેવા છે. નિસ્યંદન પૂર્વે ભારે રોલરોની વચ્ચે બીજને કચરવામાં આવે છે. આ કચરેલાં બીજને પાણી સાથે મિશ્ર કરી 10-12 કલાક માટે બાષ્પ-નિસ્યંદન કરવામાં આવે છે. તેલનું ઉત્પાદન લગભગ 1.3 %થી 3.5 % જેટલું હોય છે. તેલ આછું પીળું અને ઝડપથી સ્થાન બદલી શકે તેવું હોય છે, અને મીઠી તેજાનાની વાસ ધરાવે છે. સવાનું તેલ પાર્સિલિના ફળના તેલ જેવું જ હોય છે. ફળના તેલની ભૌતિક-રાસાયણિક લાક્ષણિકતાઓ સારણી 2માં આપવામાં આવેલ છે.

આકૃતિ 2 : સવાનાં બીજ

સારણી 2 : સવાના ફળના તેલની અને છોડના તેલની ભૌતિકરાસાયણિક લાક્ષણિકતાઓ
ફળનું તેલ વિ.ગુ.30° n30°

(વક્રીભવનાંક)

[α]0°

વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન

એસ્ટર મૂલ્ય % કાર્વોન વજન ઇથાઇલ આલ્કોહૉલમાં દ્રાવ્યતા, કદમાં
IS વિનિર્દેશ 0.9380થી -0.9825 1.4905થી

1.5280

+ 40°થી + 60° 35થી 42 20 1 : 05 અને 90 %માં વધારે
કાનપુર 0.9341 1.4854 + 54 37.7 41.7
હલ્દવાની 0.9620થી -0.9892 1.4910થી

1.4951

+ 48°2´ 31.0થી 34.8 1 : 1.09; 1 : 0.85 80 %માં, 19°
છોડનું તેલ :
IS વિનિર્દેશ 0.8725થી -0.9240 1.4860થી

-1.4868

+ 70થી + 85 40થી 45 10 1 : 0.5 અને વધારે 90 %માં
કાનપુર 0.9241 1.4864 + 71° 8´ 43.3 13.5

તેલનું મુખ્ય ઘટક કાર્વોન (19.5 %થી 69.7 %) છે. હલ્દવાનીના બીજના તેલના નમૂનાનું બંધારણ આ પ્રમાણે છે : કાર્વોન 20.7 %, ડાઇહાઇડ્રોકાર્વોન 14.3 %, d-લિમોનિન 21.4 %, d-ફેલેન્ડ્રિન 11.4 %, a-પિનિન 5.0 %, a-ટર્પિનિન 3.6 %, કેર્યોફાઇલિન 3.6 %, યુજીનોલ 3.0 %, મિરિસ્ટિસિન 1.0 %, એપીઓલ 5.7 % અને ડીલ-એપીઓલ 8.6 %. જુદા જુદા દેશો અને એક જ દેશમાં પણ બીજના ઘટકોમાં પુષ્કળ તફાવત જોવા મળે છે. ડીલ-એપીઓલ વિષાળુ ઘટક છે. તેનું જમ્મુના નમૂનામાં 30 % જેટલું અને હલ્દવાનીના નમૂનામાં 8.6 % છે. જોકે કુલ વિષાળુ ઘટકો(મિરિસ્ટિસિન + એપીઓલ + ડીલ-એપીઓલ)નું પ્રમાણ હલ્દવાનીના નમૂનામાં 15.3 % છે. અલ્લાહાબાદના નમૂનામાં 39.6 % ડીલ-એપીઓલ હોય છે. ડીલ-એપીઓલ રહિત સવાનું તેલ પણ પ્રાપ્ય છે.

વિઝાત્ર, ઘોડા અને ઘેરી અને આછી વરિયાળી સવાની જાતોના ફળના તેલમાં રાસાયણિક ઘટકોનું પ્રમાણ અનુક્રમે નીચે મુજબ છે : કાર્વોન 54 %થી 56 %, 35 %, 23 % અને 42 %; ડાઇહાઇડ્રોકાર્વોન 0 %, 15 %, 35 % અને 5 %; લિમોનિન 0 %, 34 %, 24 % અને 39 % અને ડીલ-એપીઓલ 0 %, 12 %, 18 % અને 14 %. આ પૈકી વિઝાત્ર સવા ડીલ-એપીઓલ મુક્ત 5 %થી 6 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે, જે અત્યંત મહત્ત્વનું છે.

બીજ ખાદ્ય છે અને બાષ્પશીલ તેલના નિસ્યંદનમાં વપરાયેલાં બીજ ઢોરોને ખવડાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ વપરાયેલાં બીજમાં પ્રોટીન, કાર્બોદિત અને ખનિજ સારા પ્રમાણમાં હોય છે. જમ્મુના આવા એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.3 %, અશુદ્ધ પ્રોટીન 21.9 %, મેદ 2.4 %, કાર્બોદિતો (ગ્લુકોઝ તરીકે) 31.7 %, અશુદ્ધ રેસો 5.9 % અને ભસ્મ 10.0 %. પ્રોટીનમાં થ્રિયોનિન, એલેનિન, ટાયરોસિન, બ્યુસિન અને આઇસોલ્યુસિન ઍમિનોઍસિડ હોય છે. બીજમાં b-સિટોસ્ટેરોલ ગ્લુકોસાઇડ અને ક્વિર્સેટિન, કૅમ્ફેરોલ અને આઇસોર્હેમ્નેટિન-3-ગ્લુક્યુરોનિડ હોય છે. બીજની ભસ્મનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : કૅલ્શિયમ 498.9 મિગ્રા., આયર્ન 56.3 મિગ્રા., મૅગ્નેશિયમ 196.5 મિગ્રા., પોટૅશિયમ 892.1 મિગ્રા., સોડિયમ 30.2 મિગ્રા., ક્રોમિયમ 0.12 મિગ્રા., ઝિંક 6.05 મિગ્રા., નિકલ 0.3 મિગ્રા., કોબાલ્ટ 0.15 મિગ્રા., કૉપર 0.91 મિગ્રા., વૅનેડિયમ 0.015 મિગ્રા., સેરિયમ 0.003 મિગ્રા., મોલિબ્ડેનમ 0.015 મિગ્રા. અને ટિટેનિયમ 0.008 મિગ્રા./100 ગ્રા..

તાજા કોમળ છોડના 2થી 4 કલાક માટેના અને પરિપક્વ છોડના 8થી 10 કલાક માટેના બાષ્પનિસ્યંદન દ્વારા છોડનું તેલ પ્રાપ્ત થાય છે. પરિપક્વ છોડના તેલમાં કાર્વોન વધારે પ્રમાણમાં હોય છે અને બીજના તેલ સાથે સામ્ય ધરાવે છે. તે બદામી પીળું હોય છે અને વિશિષ્ટ સુગંધ ધરાવે છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો સારણી 1માં દર્શાવવામાં આવ્યા છે. તે બીજના તેલ કરતાં ઓછું કાર્વોન ધરાવે છે. સુગંધના હેતુ માટે ઓછા કાર્વોનવાળું છોડનું તેલ પસંદ કરવામાં આવે છે. પુષ્પ કે ફળ વિનાના અલ્લાહાબાદના લીલા છોડમાં d-a-ફેલેન્ડ્રિન 74.6 %, યુજીનોલ અને થાયમોલ 2.4 %, આઇસોયુજીનોલ 2.0 %, ફેલેન્ડ્રલ 1.7 %, ડીલ-એપીઓલ 0 % અને ઓળખરહિત દ્રવ્ય 11.6 %. અવશેષ 7.7 % હોય છે.

સવાનો શાકભાજી તરીકે ખાસ કરીને પાલખ (Spinacia oleracea) સાથે ઉપયોગ થાય છે. બજારના શાકભાજીના એક મુંબઈના નમૂના(100 ગ્રા. ખાદ્ય દ્રવ્ય)માં પાણી 88.0 ગ્રા., પ્રોટીન 3.0 ગ્રા., મેદ 0.5 ગ્રા., N-મુક્ત નિષ્કર્ષ 5.2 ગ્રા., રેસો 1.1 ગ્રા. અને ખનિજ દ્રવ્ય 2.2 ગ્રા., કૅલ્શિયમ 190.0 મિગ્રા., ફૉસ્ફરસ 42 મિગ્રા., આયર્ન 17.4 મિગ્રા., વિટામિન ‘એ’ 11970 આઇ.યુ., થાયૅમિન 0.03 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.15 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.13 મિગ્રા., વિટામિન ‘સી’ 26 મિગ્રા. અને કૅલરીમૂલ્ય 37 કૅલરી હોય છે. તેમાં બોરૉન(62 પી.પી.એમ.)ની હાજરી નોંધાઈ છે. દિલ્હીના નમૂનામાં વિટામિન ‘કે’ 240 અને વિટામિન ‘પી’ 500 પી.પી.એમ. મળી આવે છે. તે જ નમૂનામાંથી પ્રોટીન(23.3 % શુષ્કતા આધારિત)નું નિર્માણ કરતા આવદૃશ્યક ઍમિનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : લાયસિન 7.1 ગ્રા., ટ્રિપ્ટોફેન 0.4 ગ્રા., ફિનિલએલેનિન 1.9 ગ્રા., મિથિયોનિન 0.3 ગ્રા., થ્રિયોનિન 1.97 ગ્રા., લ્યુસિન 4.6 ગ્રા., આઇસોલ્યુસિન 5.6 ગ્રા. અને વેલાઇન 4.5 ગ્રા./16 ગ્રા. N.

સવાની અથાણા, સૂપ, કચુંબર, મીઠાઈ અને ચામાં સુગંધિત મસાલા તરીકેની ખૂબ માગ છે. તે ઔષધોમાં સુગંધિત વાતાનુલોમક (carminative), જ્વરહર (antipyretic) અને કૃમિનાશક (anthelmintic) તરીકે વપરાય છે. બાળકોમાં આધ્માન (flatulence) માટે અને સવાનું પાણી (ગ્રાઇપ-વૉટર) બનાવવામાં બીજના તેલનો ઉપયોગ થાય છે. પશુઓને વિયાણ બાદ સવા ખવડાવવામાં આવે છે. સાબુને સુગંધિત બનાવવા શાહજીરુંને બદલે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતીય સવાના બીજના તેલનો ઔષધશાસ્ત્રમાં યુરોપીય સવાના તેલની અવેજીમાં ઉપયોગ થાય છે; કારણ કે ડીલ-એપીઓલનું વિભાજક સ્તંભ(fractioning coloumn)માં તે પાણી કરતાં ભારે હોવાથી સરળતાથી અલગ થાય છે અને આ તેલ વધારે સસ્તું છે. જો કે ડીલ-એપીઓલની હાજરી અનિચ્છનીય ગણાય છે. ભારતીય સવાનું તેલ યુરોપીય સવાના તેલ કરતાં ઉંદરના 3 ગ્રા./કિગ્રા. શરીરના વજન પ્રમાણે વધારે વિષાળુ જણાયું નથી. ડીલ-એપીઓલની પાયરેથ્રિન જેવા કીટનાશકો સાથે યોગવાહી (synergistic) અસર માલૂમ પડી છે.

આયુર્વેદ અનુસાર સવા સ્વાદે કડવા, તીખા અને ગુણમાં હળવા, તીક્ષ્ણ, ગરમ, સ્નિગ્ધ, દીપન, કટુવિપાકી, ઉષ્ણવીર્ય, કફ-વાત-દોષશામક, વાતપીડાનાશક, શોષહર, વ્રણપાચનકર્તા, રુચિકર, પાચનકર્તા, વાયુની સવળી ગતિકર્તા, હૃદયોત્તેજક, મૂત્રલ, આર્તવ (માસિક) અને ધાવણ જન્માવનાર, પરસેવો લાવનાર તથા વધુ ખવાય તો વીર્યનાશક છે. સવાના દાણા વાતદોષ, કૃમિ, અરુચિ, કફદોષ, દાહ, નેત્રરોગ, તાવ, શૂળ (કફજ), ઊલટી, વ્રણ (ગૂમડાં), ઝાડા, આમદોષ તથા તરસનો નાશ કરે છે. તે મંદાગ્નિ, અજીર્ણ, આફરો, ઉદરશૂળ, હૃદયની નબળાઈ, ખાંસી, હરસ, શ્વાસ, હેડકી, મૂત્રકષ્ટ, યોનિશૂળ, માસિકનો અવરોધ, કષ્ટાર્તવ, અલ્પધાવણ વગેરેમાં પણ ખાસ લાભપ્રદ થાય છે. સવાનાં તાજાં પાનની ભાજી મધુર, ધાવણવર્ધક, ગરમ, ભૂખવર્ધક, બળપ્રદ, પથ્યકર્તા અને ગોળો, પેટનું શૂળ, વાયુદોષ તથા (વાયુ-કફદોષજ) તાવને મટાડે છે.

સવાના દાણા અને દેવદાર 100100 ગ્રા., સિંધાલૂણ 50 ગ્રા. અને હિંગ 25 ગ્રા.નું ચૂર્ણ કરી તેને આકડાના દૂધથી ભીંજવીને હાડકાના વાની પીડા, કેડનો વા અને સંધિવાત ઉપર રોજ લેપ કરવાથી આ દર્દો મટે છે. પ્રસૂતા સ્ત્રીને વાયુદોષ ન થાય તે માટે અને વાયુના દર્દીને સવા, અજમો અને મેથી કે તલનો હળદર-મીઠાવાળો મુખવાસ આપવામાં આવે છે. નાના છોકરાઓને આફરા, ચૂંક, અપચો અને અતિસારમાં સવાનો અર્ક ચૂનાના પાણી સાથે આપવામાં આવે છે. શરદીના દર્દી સવાના પાનની ભાજી કરી ખાય છે. સવાની ભાજી પેટના વિકારો માટે હિતાવહ છે.

મનુભાઈ નાથુભાઈ પટેલ

બળદેવપ્રસાદ પનારા

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ