સ્વર-1 : વ્યાકરણશાસ્ત્ર અનુસાર સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાતા વર્ણો. છેક પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્વરનો ઉલ્લેખ થયેલો છે. વર્ણોના સાર્થક સમૂહને પદ કહે છે. વર્ણના બે ઘટકો રજૂ થયા છે. તેમાં (1) સ્વર અને (2) વ્યંજનનો સમાવેશ થાય છે. જે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેને સ્વર કહે છે. જે સ્વરની મદદ વગર સ્વતંત્ર રીતે ઉચ્ચારી ન શકાય તેને વ્યંજન કહે છે. क्, ख વગેરે વ્યંજનો છે. क् માં अ સ્વર મૂકીને ‘क’ એવો ઉચ્ચાર થઈ શકે છે. માટે क् વગેરે વ્યંજનો છે. अ, इ, उ વગેરે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય છે માટે તેને સ્વર કહે છે. પાણિનીય વ્યાકરણમાં આરંભનાં ચાર શિવસૂત્રોમાં સ્વરો આપવામાં આવ્યા છે. પાણિનિ સ્વરોને ‘अच’ એવી સંજ્ઞાથી ઓળખાવે છે. પ્રાતિશાખ્યોમાં ‘સ્વર’ શબ્દ ‘ઉચ્ચારભાર’ એવા અર્થમાં વપરાયો છે.
વ્યાકરણશાસ્ત્રમાં अ, इ, उ, ऋ અને लृ એ પાંચ સાદા સ્વરો ગણાયા છે, જ્યારે ए, ऐ, ओ અને औ એ ચાર સંધ્યક્ષરો પણ સ્વર ગણાયા છે. એટલે આ પાંચ સાદા સ્વરો અને ચાર સંધ્યક્ષરો મળીને કુલ નવ સ્વરો થાય છે.
હવે કોઈ સ્વરને ઉચ્ચારવામાં જે સમય (માત્રા) લાગે તે પ્રમાણે તેના ત્રણ પ્રકારો થાય છે : હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. એક માત્રા કે નિમેષ સુધી બોલાય તે હ્રસ્વ સ્વર કહેવાય. બે માત્રા સુધી બોલાય તે દીર્ઘ સ્વર કહેવાય. ત્રણ માત્રા કે તેથી વધુ સમય માટે બોલાય તે પ્લુત સ્વર કહેવાય. આ રીતે ઉચ્ચારણસ્થાન મુજબ સ્વરના બીજા ત્રણ પ્રકારો પડે છે. ઉચ્ચારણસ્થાનના છેક ઉપલા ભાગમાંથી સ્વર બોલાય તે ઉદાત્ત સ્વર કહેવાય. એ જ ઉચ્ચારણસ્થાનના નીચલા સ્થાનમાંથી જે સ્વર બોલાય તેને અનુદાત્ત સ્વર કહેવાય અને ઉચ્ચારણસ્થાનના ઉપલા ભાગમાંથી અડધી કે એક માત્રા બોલાય અને બાકીનો ભાગ ઉચ્ચારણસ્થાનના નીચલા ભાગમાંથી બોલાય તે બંને ભાગમાંથી બોલાતા સ્વરને સ્વરિત કહેવાય. આ બંનેના મિશ્રણથી (1) હ્રસ્વ ઉદાત્ત, (2) દીર્ઘ ઉદાત્ત, (3) પ્લુત ઉદાત્ત, (4) હ્રસ્વ અનુદાત્ત, (5) દીર્ઘ અનુદાત્ત, (6) પ્લુત અનુદાત્ત, (7) હ્રસ્વ સ્વરિત, (8) દીર્ઘ સ્વરિત અને (9) પ્લુત સ્વરિત મળીને કુલ નવ પ્રકારો થાય છે. આ નવે પ્રકારોના સાનુનાસિક અને નિરનુનાસિક મળીને 9 + 9 = 18 પ્રકારો થાય. આમ अ, इ, उ અને ऋ એ ચાર સ્વરો પ્રત્યેક 18 પ્રકારના થાય તેથી 18 4 = 72 પ્રકારો થાય. છેલ્લો સાદો સ્વર लृ નો દીર્ઘ (લુપ્ત થયો) હોવાથી અને ए, ऐ, ओ અને औ એ ચાર સંધ્યક્ષરોમાં હ્રસ્વ સ્વર ન હોવાથી પ્રત્યેકના 18માંથી 6 ઓછા થઈ કુલ 12 પ્રકારો થાય અને તેથી लृ, ए, ऐ, ओ અને औ એ પાંચના 12 5 = 60 પ્રકારો થાય. આમ अ, इ, उ, ऋ ના 72 તથા लृ, ए, ऐ, ओ, औ ના 60 મળીને 72 + 60 = 132 પ્રકારના સ્વરો થાય છે. આ ઉપરાંત વેદમાં जात्य, क्षैप्र વગેરે સ્વરિતના નવ પ્રકારો પણ રજૂ થયા છે તેથી ઉચ્ચારણની બાબતમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર ખૂબ સૂક્ષ્મ વિચાર કરે છે એ સ્પષ્ટ છે.
સ્વર-2 : ભારતીય સંગીતશાસ્ત્ર મુજબ શબ્દ કાને પડ્યા પછી સંભળાતો અનુરણનાત્મક અને આહલાદક સુંદર ધ્વનિ. સંગીતશાસ્ત્ર સામવેદમાંથી સૂર કે સ્વર ઉત્પન્ન થયા છે એમ માને છે. વળી નાદ વગર સ્વર હોઈ શકે નહિ એવો સંગીતશાસ્ત્રનો સિદ્ધાન્ત છે. સા રે ગ મ પ ધ ની – એ સાત સંજ્ઞાઓથી વ્યક્ત થતા અનુક્રમે ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો સંગીતશાસ્ત્ર માને છે. એમાંના નિષાદ અને ગાંધાર એ બે ઉદાત્ત સ્વર છે. ઋષભ અને પંચમ અનુદાત્ત સ્વરો છે અને બાકીના ષડ્જ, મધ્યમ અને ધૈવત એ સ્વરિત સ્વરો છે. આમ સંગીતના સ્વરોનો સંબંધ વૈદિક સ્વર સાથે છે, ષડ્જ નાભિસ્થાનમાંથી ઉત્પન્ન થતો ચતુ:શ્રુતિ સ્વર છે. ઋષભ નાસિકાસ્થાનમાંથી ઉત્પન્ન થતો ત્રિશ્રુતિ સ્વર છે. ગાંધાર ગાલમાંથી ઉત્પન્ન થતો દ્વિશ્રુતિ સ્વર છે. મધ્યમ હૃદયમાંથી ઉત્પન્ન થતો ચતુ:શ્રુતિ સ્વર છે. પંચમ ગળામાંથી ઉત્પન્ન થતો ચતુ:શ્રુતિ સ્વર છે. ધૈવત કપાળમાંથી ઉત્પન્ન થતો ત્રિશ્રુતિ સ્વર છે. નિષાદ તાલુમાંથી ઉત્પન્ન થતો દ્વિશ્રુતિ સ્વર છે. સંક્ષેપમાં, સંગીતશાસ્ત્રના સ્વરોનો આધાર સામવેદ અને ઉદાત્ત વગેરે વ્યાકરણશાસ્ત્રનો જ છે તે સ્પષ્ટ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી