સ્પિત્ઝ માર્ક
January, 2009
સ્પિત્ઝ, માર્ક (જ. 10 ફેબ્રુઆરી 1950, મોર્ડસ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકી તરણવીર. પૂરું નામ માર્ક એંડ્ર્યૂ સ્પિત્ઝ. પિતા આર્નોલ્ડ તથા માતા લેનોરેએ બાળપણમાં જ તરવાનું શિખવાડ્યું હતું. અમેરિકાના પ્રખ્યાત તરણના પ્રશિક્ષક શેરમાન સાબૂરે માર્ક સ્પિત્ઝને આઠ વર્ષની ઉંમર પછી પોતાની દેખરેખ હેઠળ સ્પર્ધાત્મક તરણની તાલીમ આપવાની શરૂઆત કરી હતી અને નવમા વર્ષે માર્કે અમેરિકાના 17મા રાષ્ટ્રીય રમતના જુનિયર તરણના વિક્રમો પોતાના નામે કર્યા હતા.
માર્ક સ્પિત્ઝ
1961માં સ્પિત્ઝ પરિવારે બલનર ક્રીક શહેરમાં સ્થળાંતર કર્યું. બલનર ક્રીક શહેરમાં તરવાની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી સ્પિત્ઝનાં ત્રણ વર્ષ બરબાદ થયાં. 1964માં સાંતા કાલરા સ્વિમિંગ ક્લબના પ્રશિક્ષક જ્યૉર્જ હાઇસની દેખરેખ હેઠળ માર્ક સ્પિત્ઝ તરવાની તાલીમ લેતા રહ્યા. 1965માં તેલ અવીવના મહાબિયસ રમતોત્સવમાં ચાર સુવર્ણચંદ્રકો જીત્યા હતા. 1967 સુધીમાં માર્ક સ્પિત્ઝે તરણના પાંચ વિશ્વવિક્રમોની બરાબરી કરી હતી અને ચાર વિશ્વવિક્રમ પોતાના નામે કર્યા હતા. 1967ના વર્ષે તેમને વિશ્વના ઉત્તમ તૈરાક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
1968ના મૅક્સિકો ઑલિમ્પિક રમતોત્સવમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્યચંદ્રક જીત્યા હતા; પરંતુ 1972નો મ્યૂનિકમાંનો ઑલિમ્પિક રમતોત્સવ માર્ક સ્પિત્ઝના નામે યાદગાર બની રહ્યો; કારણ કે માર્ક સ્પિત્ઝ સાત સુવર્ણચંદ્રકો જીત્યા હતા અને સાતેય રમતોમાં વિશ્વવિક્રમો તેમના નામે કર્યા હતા. ત્યાર બાદ તે વ્યાવસાયિક ખેલાડી બની ગયા અને સ્વિમિંગ સૂટ બનાવતી કંપનીના મોડેલ તરીકે કામ કરીને ખૂબ આર્થિક ઉપાર્જન કર્યું હતું.
હર્ષદભાઈ પટેલ