સ્પાર્ટા
January, 2009
સ્પાર્ટા : પ્રાચીન ગ્રીસનું એક વખતનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : 37° 05´ ઉ. અ. અને 22° 27´ પૂ. રે.. લૅકોનિયાનું પાટનગર. તે લૅસેડીમૉન નામથી પણ ઓળખાતું હતું. તે તેના લશ્કરી સત્તા-સામર્થ્ય તેમજ તેના વફાદાર સૈનિકો માટે ખ્યાતિ ધરાવતું હતું. દેશના રક્ષણ કાજે મરી ફીટવા તૈયાર રહેતા સ્પાર્ટનોને ખૂબ માન મળતાં. સહિષ્ણુતા, મોજશોખ પ્રત્યે અણગમો અને બદલાની ભાવના વગરની ઢતા એ સ્પાર્ટનોના ગુણ ગણાતા.
ભૂપૃષ્ઠ : સ્પાર્ટા યુરોટસ નદીના કાંઠાની ખીણમાં રમણીય સ્થળે આવેલું હતું. તે ત્રણ બાજુએથી પર્વતો દ્વારા રચાયેલું હતું. તેની આબોહવા નરમ હતી, જમીનો ફળદ્રૂપ હતી અને સિંચાઈની સુવિધા પણ હતી. સ્પાર્ટામાં ખનિજસંપત્તિ તદ્દન ઓછી હતી. નજીકના માઉન્ટ તાયગેટસમાંથી આરસપહાણ અને થોડુંક લોહઅયસ્ક મળતું.
સ્પાર્ટા : પ્રાચીન ગ્રીસનું સમર્થ નગર-રાજ્ય. પાટનગર : લૅકોનિયા
લોકો : સ્પાર્ટામાં ત્રણ વર્ગના લોકો રહેતા હતા. સ્પાર્ટનો પોતે ઈ. પૂ. 12મી સદીમાં ગ્રીક દ્વીપકલ્પ પર જેમણે આક્રમણ કરેલું તે દોરિયન લોકોના વંશજો હતા. તેઓ સ્પાર્ટાના શાસનકર્તા વર્ગના ગણાતા હતા. તેમને જ ત્યાંના નાગરિકત્વનો સંપૂર્ણ હક હતો. તેઓ લૅકોનિયા, ઍકિયન (Achaeans) અને આયોનિયન જેવા ગ્રીક લોકોને ગુલામો તરીકે રાખતા. હેલોટ તરીકે ઓળખાતા ગ્રીક લોકો સ્પાર્ટનો કરતાં સંખ્યામાં વધુ હતા. સ્પાર્ટનો સિવાય કેટલાક ગ્રીક લોકો ગુલામીમાં નાસી ગયેલા. તેઓ નાગરિક ન હતા; પરંતુ સ્પાર્ટામાં તેઓ મુક્ત રીતે રહેતા. આ લોકો પેરિયોસી નામથી ઓળખાતા હતા. સ્પાર્ટાના લાંબા ઇતિહાસકાળ દરમિયાન આ ત્રણે વર્ગના લોકોની સંખ્યા જુદી જુદી રહેલી. કેટલાક નિષ્ણાતો એવો અંદાજ મૂકે છે કે સ્પાર્ટા જ્યારે તેના સામર્થ્યની ટોચ પર હતું ત્યારે ત્યાં આશરે 25,000 નાગરિકોની વસ્તી હતી, 2,50,000 હેલોત હતા, જ્યારે પેરિયોસીની સંખ્યા જાણી શકાઈ નથી.
ઇતિહાસ : સ્પાર્ટા નગર પ્રાચીન ગ્રીસની ચાર જાતિઓમાંની એક ડોરિયને વસાવેલું. ડોરિયનો ઉત્તરે ઇલિરિયા અને થિસલીથી સ્થળાંતર કરીને કોરિંથનો અખાત અને પેલોપોનીસસના મેદાનને વીંધીને લૅકોનિયામાં વસ્યા હતા (ઈ. પૂ. 1104). અહીં વસતા ઍકિયન ગ્રીકો અને ક્રીટનોને ખસી જવાની ફરજ પાડી હતી. બારેમાસ વહેતી યુરોટસ નદીને કાંઠે વસેલું સ્પાર્ટા વિશાળ ખીણપ્રદેશમાં આવેલું હતું. પૂર્વમાં પારનોન પર્વતમાળા, પશ્ચિમે બરફાચ્છાદિત શિખરોવાળો ટેજીટસ પર્વત આવેલો છે. ફળદ્રૂપ ખેતરો, ઓલિવનાં જંગલો, ફળોની વાડીઓ, ઢોળાવો પર દ્રાક્ષથી સમૃદ્ધ હતાં. લૅકોનિયાની પશ્ચિમે મિસેનિયા અને ઉત્તરે આર્કેડિયા અને આર્ગોલિસનાં રાજ્યો હતાં. સમગ્ર વિસ્તાર દ્વીપકલ્પ હતો.
સ્પાર્ટાના ડોરિયનો ઊંચા, કદાવર, લડાયક, અભણ અને અસંસ્કૃત હતા. પ્રથમથી જ સ્પાર્ટામાં લઘુમતી યોદ્ધા-વર્ગની સરમુખત્યારી હતી. અન્ય ગ્રીક નગરોમાં લોકશાહી શાસન હતું, ત્યારે સ્પાર્ટામાં રાજાશાહી હતી અને બે રાજાઓ દ્વારા શાસન ચાલતું. સ્પાર્ટા વસાવ્યા પછી તરત જ તેમણે લડાયક પ્રવૃત્તિ શરૂ કરી હતી. એમ કહેવાય છે કે ક્રીટો-મિસિનીઅન સંસ્કૃતિનો વિનાશ ડોરિયનોએ કર્યો હતો. લાંબા સંઘર્ષને અંતે સ્પાર્ટનોએ મિસેનિયા જીતી લીધું હતું. (ઈ. પૂ. 720) અને આર્ગોલીસ પાસેથી પૂર્વ લૅકોનિયાના કિનારાનો ભાગ પણ સ્પાર્ટાને મળ્યો હતો.
સ્પાર્ટા પરંપરાવાદી અને રૂઢિચુસ્ત હતું. સ્થાપનાથી માંડીને તેણે વહીવટી સંસ્થાઓ અને સામાજિક સંગઠનો જાળવી રાખ્યાં હતાં, ઊલટાં વધારે દૃઢ કર્યાં હતાં. અહીં બે રાજાઓનું શાસન હતું. તેમને મદદ કરવા 28 સભ્યોની સમિતિ (Gerousia) હતી અને સામાન્ય પ્રજાજનોની સભા (Apela) હતી. પાછળથી (ઈ. પૂ. 8મી સદીમાં) પાંચ ‘ઍફોર’ નીમાતા, જેઓ રાજકાજના નિરીક્ષકો અને ન્યાયાધીશ હતા. પ્રાચીન સામાજિક સંગઠનમાં લૅકોનિયામાં પ્રજાના ત્રણ વર્ગો હતા : (1) શાસક ડોરિયનોનો વર્ગ જેઓ સાચા માલિકો અને પૂર્ણ અધિકાર ધરાવતા હતા. (2) કાંઠા-વિસ્તારમાં રહેતા જેઓ સ્પાર્ટનોને અધીન રહીને તેમની જમીનો ખેડતા અને કર ભરતા (Ferioikoi). (3) ખેતમજૂરોનો વર્ગ ‘હીલોટ’. બીજા વર્ગના સ્વતંત્ર નાગરિકો હતા અને વેપાર-ઉદ્યોગ કરતા, કારણ કે ડોરિયનો વેપારધંધાને તુચ્છ ગણતા હતા.
સ્પાર્ટામાં લોખંડી શિસ્તવાળું લશ્કરી સંગઠન અને જીવનશૈલી ગોઠવનાર નેતા લાયકરગસ (ઈ. પૂ. 6ઠ્ઠી સદી) હતો. તેણે ગોઠવેલી વ્યવસ્થાએ સ્પાર્ટાને ગ્રીક જગતમાં સૌથી શક્તિશાળી અને અજેય બનાવ્યું હતું. પુરુષ નાગરિકોએ સાત વર્ષની ઉંમરથી સાઠ વર્ષ સુધી ફરજિયાત લશ્કરી છાવણીઓમાં રહીને તાલીમ લઈને યોદ્ધા બનવું પડતું. બધા સમૂહમાં રહેતા અને જાહેર રસોડે જમતા. કૌટુંબિક સંબંધોનો કોઈ અર્થ નહોતો. બાળક કુટુંબનું નહિ પણ સમૂહનું ગણાતું અને ઊછરતું. બાલ-શિક્ષણનો અભાવ હતો. કન્યાઓની તાલીમ પણ એવી ગોઠવાયેલી કે તેઓ તંદુરસ્ત સંતાનોને જન્મ આપી શકે. આ જ કારણથી સ્પાર્ટામાં પરપુરુષગમન અને પરસ્ત્રીગમનની છૂટ હતી. સ્ત્રીપુરુષના ઉછેર, તાલીમ, લગ્નજીવન બધું જ લાયકરગસના લશ્કરી કાયદા દ્વારા અંકુશિત હતું. એક જ મુખ્ય ધ્યેય હતું શક્તિશાળી યોદ્ધાઓ તૈયાર કરવા. તેમાં સ્પાર્ટા સફળ થયું, પણ અન્ય બાબતોમાં વિકાસ રૂંધાયો. સાહિત્ય, કલા, સંગીત, તત્વજ્ઞાનમાં વિકાસ ન થયો. લશ્કરવાદે માનસિક વિકાસને રૂંધી નાખ્યો.
સ્પાર્ટા લગભગ બે સદી સુધી શક્તિશાળી અને અજેય રહ્યું. ‘ગ્રીક-ઈરાન યુદ્ધો’ (ઈ. પૂ. 492–479) દરમિયાન સ્પાર્ટાએ ગ્રીસને બચાવ્યું. તેના સેનાપતિઓ લિયોનિડસ તથા પોસાનિયસે કીર્તિમાન સ્થાપિત કર્યા. ત્યાર બાદ ગ્રીક નગરોના ‘આંતરવિગ્રહ’(ઈ. પૂ. 458–404)ને અંતે એથેન્સનું પતન થયું અને સ્પાર્ટાએ ગ્રીસનું નેતૃત્વ કર્યું; પરંતુ અન્ય સંસ્કૃતિના સંપર્કથી સ્પાર્ટામાં પરિવર્તન આવ્યું. તેના જ લશ્કરમાં બળવા થયા. કોરિન્થિયન-યુદ્ધમાં તે હાર્યું. અંતે મેસિડોનિયાના ફિલીપ અને એલૅક્ઝાન્ડર સામે સ્પાર્ટા પ્રભાવહીન સાબિત થયું અને યુરોટસ ખીણપ્રદેશમાં પાછું આવી ગયું (ઈ. પૂ. 335) અને લાયકરગસના આદર્શો ભૂતકાળની બાબત બની ગયા.
ગિરીશભાઈ પંડ્યા
મોહન વ. મેઘાણી