સ્નૂકર-1 : પશ્ચિમમાં વિકસેલી દડાની એક રમત. તે બહુ ખર્ચાળ હોય છે. સ્નૂકરની રમત ખાનાવાળા બિલિયર્ડ્ઝ ટેબલ ઉપર રમાય છે. સ્નૂકરની રમતમાં કુલ 22 દડાઓનો ઉપયોગ કરાય છે. ભાગ લેનાર ખેલાડી દડાઓને ખાનામાં નાખીને ગુણ મેળવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સ તેમજ ટીમો વચ્ચે પણ રમાય છે.

ટેબલ : લંબાઈ 3.66 મી., પહોળાઈ 1.83 મી. અને જમીનથી ટેબલ ઉપરની સપાટી 0.86 મી. હોય છે. ટેબલ ઉપર ખાસ પ્રકારનું કાપડ લગાડવામાં આવેલું હોય છે. ટેબલના ચાર ખૂણાઓ પર તેમજ લંબાઈની મધ્યમાં બે એમ કુલ 6 ખાનાં હોય છે.

દડાઓ : 15 લાલ, 6 રંગીન અને 1 સફેદ દડો મળીને કુલ 22 દડાઓ રમતમાં રાખવામાં આવે છે. દડાઓનો વ્યાસ 3.5 સેમી. અને વજન એકસરખું 3 ગ્રામ હોય છે.

સ્નૂકરની રમત

લાકડી (કપુ) : દડાઓને રમવા માટે વિવિધ લંબાઈ–વજનની લાકડીઓ હોય છે. જેની લંબાઈ 91 સેમી.થી ઓછી ન હોવી જોઈએ. લાકડીઓ આગળથી અણીવાળી તેમજ પાછળથી જાડી હોય છે.

ત્રિકોણ પેટી : રમતની શરૂઆતમાં લાલ દડાઓની ગોઠવણી માટે ત્રિકોણાકાર પેટીનો ઉપયોગ કરવામાં આવે છે.

રમત : રમત રમવા માટેનો ક્રમ ચિઠ્ઠીઉપાડ દ્વારા કરવામાં આવે છે.

નિયમો : જ્યાં સુધી લાલ દડો ટેબલ ઉપર હોય ત્યાં સુધી દરેક વારીનો પ્રથમ ફટકો સફેદ બૉલ દ્વારા લાલ બૉલને વાગવો જોઈએ. જો લાલ બૉલ ખાનામાં જાય તો ખેલાડી એક ગુણ મેળવે છે. પછીના ફટકા વડે રંગીન બૉલમાંથી કોઈ પણ બૉલને રમી શકશે. રંગીન બૉલ રમવાની જાણ રમતાં પહેલાં કરવામાં આવવી જોઈએ. જાણ કરેલ રંગીન દડો ખાનામાં મોકલી આપે તો બૉલ ઉપર લખેલા ગુણ ખેલાડી પ્રાપ્ત કરે છે. લાલ દડાઓ ખાનામાં જાય પછી ફરીથી ટેબલ ઉપર પાછા મૂકવામાં આવતા નથી જ્યારે રંગીન દડાઓ ટેબલ ઉપર પાછા મૂકવામાં આવે છે. ખેલાડી જ્યારે ગુણ પ્રાપ્ત કરવાનું ચૂકી જાય છે ત્યારે તેની રમવાની વારી પૂરી થાય છે અને પ્રતિસ્પર્ધી દાવ આગળ ચલાવે છે; અને સફેદ બૉલ જ્યાંથી અટકી ગયો હોય ત્યાંથી દાવ ચાલુ કરવામાં આવે છે. બધા જ લાલ દડાઓ ખાનામાં જાય ત્યાર બાદ રંગીન દડાઓને ચઢતા ક્રમની કિંમત મુજબ રમીને ખાનામાં મોકલવાના હોય છે.

દડાઓની કિંમત : લાલ દડો 1 ગુણ, પીળો 2, લીલો 3, કથ્થાઈ 4, વાદળી 5, ગુલાબી 6 અને કાળો દડો 7 ગુણ ધરાવે છે.

વિજેતા : ટેબલ ઉપરના બધા જ 21 દડાઓ ખાનામાં જાય તે વખતે જે ખેલાડીના ગુણ વધારે થયા હશે તે વિજેતા ગણાય છે. જ્યારે છેલ્લો કાળો દડો ટેબલ ઉપર હોય તે વખતે પ્રથમ ગુણ અથવા શિક્ષાથી રમતનો અંત આવે છે. સિવાય કે બંનેના ગુણ સરખા થયેલા હોય. એમ થાય ત્યારે કાળા દડાને ફરીથી ટેબલ ઉપર મૂકવામાં આવે છે અને ચિઠ્ઠી ઉપાડથી રમવાનો ક્રમ નક્કી કરીને કાળા દડાને રમવામાં આવે છે.

અમદાવાદના જાણીતા રમતવીર ગીત સેઠીએ આ રમતમાં (1985–86માં) ચૅમ્પિયનશિપ મેળવી હતી.

હર્ષદભાઈ પટેલ