સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia)

January, 2009

સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia) : સ્તરભંગક્રિયાથી ઉદભવેલો ખડકપ્રકાર. સ્તરભંગ થતી વખતે સ્તરભંગસપાટી પરની સામસામી ખડક-દીવાલો ઘસાઈને સરકે છે, ઘર્ષણથી ખડકો ભંગાણ પામે છે, ખડક ટુકડાઓ તૈયાર થાય છે, સાથે સાથે તૈયાર થતું સૂક્ષ્મ ખડકચૂર્ણ તે ટુકડાઓને સાંધે છે, અરસપરસ એકબીજામાં સંધાઈને જડાઈ જાય છે. આ રીતે તૈયાર થતો નવજાત ખડક સ્તરભંગક્રિયાથી બનતો હોવાથી સ્તરભંગ-બ્રેક્સિયા કહેવાય છે. આબુરોડ નજીક પૂર્વ તરફ આવેલી ટેકરીઓમાં થયેલા સ્તરભંગને પરિણામે સ્તરભંગ-બ્રેક્સિયા તૈયાર થયેલો જોવા મળે છે.

આ પ્રકારનો બ્રેક્સિયા થવા માટે સ્તરભંગસપાટીની દીવાલોના ખડકો સખત હોવા જરૂરી છે, જેથી તૂટે ખરા પણ ચૂર્ણ ઓછું થાય. ઘર્ષણક્રિયામાં તૈયાર થતી સિલિકા કે ચૂનાયુક્ત ચૂર્ણદ્રવ્યથી તે સંધાઈ જાય. આ ક્રિયામાં ક્યારેક ખનિજીકરણ થવાની પણ શક્યતા રહે છે. જો ખડકો જ નરમ-મૃદુ હોય તો બ્રેક્સિયા થવાને બદલે ચૂર્ણ વધુ થાય, ઘર્ષણ ગરમીથી શેકાઈ જાય છે અને સખત બની રહે છે, તેને ‘ગૉજ’ (gouge) કહે છે. સ્તરભંગસપાટી પર કોઈ પણ કારણે વિકૃતિના સંજોગો ભળે તો માયલોનાઇટ તૈયાર થાય છે.

ગિરીશભાઈ પંડ્યા