સ્તરભંગ-થાળું : સ્તરભંગને કારણે રચાતું થાળું. પૃથ્વીના પોપડાનો એવો વિભાગ જે તેની બંને બાજુઓ પર બે સ્તરભંગોથી બનેલી સીમાઓવાળો હોય, વચ્ચેનો ભાગ સરકીને ઊંડે ઊતરી ગયો હોય તથા આજુબાજુના બંને વિભાગો સ્થિર રહ્યા હોય કે ઉપર તરફ ઓછાવત્તા કે સરખા ઊંચકાયા હોય. બંને બાજુના સ્તરભંગ ઘણી લંબાઈ સુધી વિસ્તરેલા હોય તો વચ્ચેનો ભાગ ખીણ આકારનું ભૂમિસ્વરૂપ રચે છે, તેને ફાટખીણ કહે છે. સામાન્ય રીતે આવી ફાટખીણ તેની પહોળાઈ કરતાં લંબાઈમાં વધુ વિસ્તરેલી હોય છે. સ્તરભંગનો ખસેડ થોડાક સેમી.થી ઘણા મીટરનો અને લંબાઈ થોડા કિમી.થી અનેક કિમી. સુધીની હોઈ શકે છે. વચ્ચેના વિભાગ તરફ સીમાંત સ્તરભંગોનું નમન 50°થી 70°નું હોય છે, જે દર્શાવે છે કે સ્તરભંગો ગુરુત્વ (સામાન્ય) પ્રકારના છે.

સ્તરભંગ-થાળું

ભારતની દામોદર, મહા, ગોદાવરી, કૃષ્ણા નદીઓના ખીણવિસ્તારો આ પ્રકારનાં સ્તરભંગ-થાળાં છે. રહાઇન નદી, કૅલિફૉર્નિયાની સાન એન્ડ્રિયાસ ફાટ, આફ્રિકાની મહાફાટખીણ, રાતો સમુદ્ર પણ મોટા પાયા પરનાં સ્તરભંગ-થાળાંનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા