સ્ટીવન્સ, વૉલેસ (જ. 2 ઑક્ટોબર 1879, પેન્સિલ્વેનિયા; અ. 2 ઑગસ્ટ 1955, હાર્ટફૉર્ડ) : અમેરિકન કવિ. ન્યૂયૉર્કની લૉ સ્કૂલમાંથી કાયદાના સ્નાતક થઈને અમેરિકાની બાર કાઉન્સિલના સભ્ય બન્યા પછી હાર્ટફૉર્ડ એક્સિડન્ટ ઍન્ડ ઇન્ડેમ્નિટી કંપનીમાં તેમણે નોકરી સ્વીકારી અને 1934માં તેના વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા સુધી પહોંચ્યા. 1914ના નવેમ્બરના ‘પોએટ્રી’ માસિકના યુદ્ધકવિતા વિશેષાંકમાં તેમની ચાર કાવ્યરચનાઓ સ્થાન પામી અને સ્ટીવન્સની ખ્યાતિ કવિ તરીકે જામી. વીમા કંપનીના વ્યાપારી કામ સાથે કવિતાનું સર્જન કરનાર આ કવિ તે સદીના એકમાત્ર તે પ્રકારના કવિ છે. તેમના સહકાર્યકરોને તેમના કવિતાસર્જનની જાણ થઈ ત્યારે તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલા. ઑફિસે જતાં અને ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં તથા સાંજના સમયે કે ઑફિસમાં નવરાશની પળોમાં તે કવિતાના સર્જનમાં ગરકાવ થઈ જતા. 50ની ઉંમર પછી કવિતાનું વિપુલ સર્જન થયું. સમગ્ર જીવન શાંત, કોઈ અણધારી ઘટનાઓ વિનાનું અને વીમાના ધંધાદારી કામકાજમાં પસાર થયું; પણ આજે તેમની ગણના એ જમાનાના મહત્વના અમેરિકન કવિઓમાં થાય છે તે સાહિત્યજગતનો એક મોટો ચમત્કાર છે. પોતાની કવિતાઓનો સંગ્રહ ‘કલેક્ટેડ પોએમ્સ’ પોતાના મૃત્યુ પૂર્વે માત્ર એક વર્ષ અગાઉ પ્રસિદ્ધ થયો ત્યાં સુધી મોટા કવિ તરીકેની ઝાઝી પ્રસિદ્ધિ તેમને મળેલી નહિ.
વૉલેસ સ્ટીવન્સ
પ્રારંભિક કાવ્યરચનાઓમાં શબ્દોની રમત અને રમતિયાળપણાને લીધે વાચકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયેલું. વિવેચકો માને છે કે સ્ટીવન્સ ઍબ્સ્ટ્રેક્ટ કવિતાના સર્જનમાં નિપુણ છે. તેમની ‘ધ મૅન વિથ ધ બ્લૂ ગિટાર’ કવિતામાં ઊર્મિઓને પ્રતીકો દ્વારા વ્યક્ત કરવાની સ્ટીવન્સની કળા સ્પષ્ટ આગળ તરી આવે છે. સ્ટીવન્સની કવિતામાં કલ્પનોની વિપુલતા છે અને તેને લીધે કશું સીધેસીધું તેમાં વ્યક્ત થતું નથી. અહીં કવિતા પ્રતીકો દ્વારા સૌંદર્યાભિમુખ અભિવ્યક્તિ પામીને જ પ્રકટે છે. તેમની કવિતામાં કોઈ એક ભાવ પકડવો કઠિન છે. સ્ટીવન્સની કવિતા માત્ર તેની અભિવ્યક્તિની શૈલીની દૃષ્ટિએ જ નહિ, પણ તેના ચિંતનમાંય આધુનિક છે. સ્ટીવન્સ સુસંસ્કૃતતાના આગ્રહી કવિ છે. કવિતા લખવાના પ્રયાસમાં તે તત્વજ્ઞાનની ખોજ કરે છે. તેમનો પ્રયાસ હંમેશાં બૌદ્ધિક કવિતા રચવાનો રહ્યો છે. 1923માં પ્રગટ થયેલ કાવ્યરચનાઓનું પ્રથમ પુસ્તક ‘હાર્મોનિયમ’માં તેમની કવિતા ઉપર અંગ્રેજી રોમૅન્ટિક અને ફ્રેંચ પ્રતીકવાદી કવિઓનો પ્રભાવ જોવા મળે છે. કાવ્યરચનાઓની મૌલિક શૈલી અને સંવેદના તથા છાયાવાદી ચિત્રકળાના પ્રકાશ અને રંગના મિશ્રણને કારણે સ્ટીવન્સ અન્ય આધુનિક કવિઓ કરતાં નોખા તરી આવે છે. તેમની કવિતામાં માર્કસ, ફ્રૉઇડ વગેરેની વિચારધારાનાં ઝરણાં કવિતાની સપાટી નીચે વહેતાં પામી શકાય છે. સ્ટીવન્સની મુખ્ય કૃતિઓમાં ‘આઇડિયાઝ ઑવ્ ઑર્ડર’ (1935), ‘ધ મૅન વિથ ધ બ્લૂ ગિટાર’ (1937), ‘નોટ્સ ટુવર્ડ્ઝ અ સુપ્રીમ ફિક્શન’ (1942) અને કાવ્ય ઉપરના નિબંધોનું પુસ્તક ‘ધ નેસેસરી એંજલ’ (1951) ગણી શકાય.
પંકજ જ. સોની