સ્ટિયરિક ઍસિડ (stearic acid) : લાંબી સરળ શૃંખલાવાળા ચરબીજ ઍસિડો પૈકી સૌથી વધુ સામાન્ય એવો સંતૃપ્ત (saturated) ચરબીજ ઍસિડ. તેને ઑક્ટાડેકાનૉઇક (octadecanoic) ઍસિડ પણ કહે છે. રાસાયણિક સૂત્ર C18H36O2 અથવા CH3(CH2)16COOH. ટેલો (tallow) અર્થ ધરાવતા ગ્રીક શબ્દ ઉપરથી તેનું નામ સ્ટિયરિક ઍસિડ પડ્યું છે. કુદરતમાં તે મુખ્યત્વે લાંબી શૃંખલાવાળા અન્ય ઍસિડો અને ચરબીજ આલ્કોહૉલના એસ્ટર (ester) રૂપે મિશ્ર ટ્રાઇગ્લિસેરાઇડ અથવા ચરબી તરીકે મળી આવે છે. મોટા ભાગની પ્રાણીજ અને વનસ્પતિજ ચરબી તથા તેલો [દા. ત., પશુ-વસા (tallow), વૃક્ક-વસા (ગૌ-વસા – suet), માખણ, તાડતેલ (palm oil), ઑલિવ તેલ, માછલીનું તેલ વગેરે] લગભગ સંપૂર્ણપણે ટ્રાઇગ્લિસેરાઇડોનાં બનેલાં હોય છે. આ ગ્લિસેરાઇડો પામિટિક (palmitic), સ્ટિયરિક અને ઑલિક (oleic) ઍસિડના ગ્લિસેરાઇડ એસ્ટરો છે અને તેમને ટૂંકમાં

ટ્રાઇપામિટિન (tripalmitin) [C3H5(OCOC15H31)3],

ટ્રાઇસ્ટિયરિન (tristearin) [C3H5(OCOC17H35)3] અને

ટ્રાઇઓલીન (triolein) [C3H5(OCOC17H33)3] તરીકે ઓળખવામાં આવે છે. સૂકર-વસા (lard) અને પશુ-વસામાં સ્ટિયરિક ઍસિડનું પ્રમાણ 30 % જેટલું હોય છે.

ઉત્પાદન : ચરબીયુક્ત પદાર્થો અથવા તેલોના જળવિભાજનથી ચરબીજ ઍસિડો મળે છે. ચરબીનું આલ્કલાઇન જળવિભાજન [સાબૂકરણ (saponification)] કરવાથી ચરબીજ ઍસિડના સોડિયમ અથવા પોટૅશિયમ લવણો (સાબુ) મળે છે. આ રીતે પ્રાપ્ત થયેલા મિશ્રણમાંથી મુશ્કેલીથી સ્ફટિકીકરણ, નિર્વાત-નિસ્યંદન (vacuum distillation) અથવા ઍસિડો કે તેમના યોગ્ય વ્યુત્પન્નની વર્ણલેખિકી (chromatography) વિધિ વડે શુદ્ધ સ્ટિયરિક ઍસિડ મેળવી શકાય છે.

કપાસિયા તેલ જેવાં વનસ્પતિ-તેલોની હાઇડ્રોજનીકરણ (hydrogenation) પ્રક્રિયા કરવાથી તેમાં રહેલા અસંતૃપ્ત ઍસિડોનું સંતૃપ્ત ઍસિડમાં રૂપાંતર થાય છે.

(C17H33COO)3C3H5 + 3H2    (C17H35COO)3C3H5

  ઑલિક ઍસિડ                         સ્ટિયરિક ઍસિડ

વ્યાપારી ધોરણે સ્ટિયરિક ઍસિડ મેળવવા માટે પ્રાણીજ ચરબીને પાણી સાથે ઊંચા દ્બાણે અને તાપમાને પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. હાલમાં ચરબીના વિપાટન (splitting) માટે સતત પ્રતિધારા (counter current) પ્રવિધિનો ઉપયોગ થાય છે. લોખંડના પાત્રમાં દબાણ હેઠળ વરાળ અને ચરબીને ગરમ કરવાથી ચરબીનું જળવિભાજન થાય છે અને ચરબીજ ઍસિડોનું મિશ્રણ મળે છે. મિશ્રણમાંથી નિર્વાત-નિસ્યંદન વડે ઍસિડોને અલગ પાડવામાં આવે છે.

(C17H35COO)3C3H5 + 3H2O →

                  3C17H35COOH + C3H5(OH)3

                       સ્ટિયરિક ઍસિડ       ગ્લિસેરોલ

બજારુ સ્ટિયરિક ઍસિડ મોટે ભાગે 45 % પામિટિક ઍસિડ, 50 % સ્ટિયરિક ઍસિડ અને 5 % ઑલિક ઍસિડનું મિશ્રણ હોય છે.

ગુણધર્મો : સ્ટિયરિક ઍસિડ મીણ જેવો રંગવિહીન ઘન પદાર્થ છે. તેની વાસ અને તેનો સ્વાદ સાધારણ પ્રમાણમાં પશુવસાને મળતાં આવે છે. તે આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય પરંતુ પાણીમાં અદ્રાવ્ય છે. તેની ઘનતા 0.8390 (80/4C) છે. ગ.બિં. 69થી 70° સે.; ઉ.બિં. 360° સે. (વિઘટન સાથે); વક્રીભવનાંક 1.4299 (80C) છે. તે દહનશીલ પદાર્થ છે અને તેનો પ્રજ્વલનાંક 196° સે. છે.

શુદ્ધ સ્ટિયરિક ઍસિડ કાર્બનિક ઍસિડો માટેની લાક્ષણિક પ્રક્રિયાઓ આપે છે.

ઉપયોગ : મુક્ત (free) સ્ટિયરિક ઍસિડ મીણબત્તીના ઉત્પાદનમાં તેમજ સાબુની બનાવટમાં વપરાય છે. સ્ટિયરેટ સંયોજનો તરીકે તે શુષ્કકો(driers)માં, ઔષધોમાં, શૃંગાર-પ્રસાધનોમાં, પ્રવેગક/સક્રિયકારક તરીકે, રબર-સંયોજનોમાં પરિક્ષેપક (dispersing) પદાર્થ અને મૃદુકારક (softener) તરીકે તેમજ બૂટ-પૉલિશમાં, ધાતુને પૉલિશ કરવામાં, અસ્તરોમાં, ખાદ્યચીજોના સુવેષ્ટન(packaging)માં, સપોઝિટરી (suppositories) અને મલમોમાં વપરાય છે. ચહેરા માટેના પાઉડર(face powder)માં મૅગ્નેશિયમ સ્ટિયરેટ, જલપ્રતિકર્ષીઓ તથા જલસહ (waterproof) વસ્ત્રો અને દીવાલો માટે કૅલ્શિયમ અથવા ઍલ્યુમિનિયમ, સાબુ, ગ્રીઝમાં એક ઘટક તરીકે લિથિયમ સ્ટિયરેટ, કાગળના છિદ્રપૂરક દ્રવ્ય (sizing agent) તરીકે રેઝિન-સાબુ, જ્યારે ઝિંક સ્ટિયરેટ મલમો અને ડસ્ટિંગ પાઉડરમાં મૃદુ ચેપરોધક તરીકે વપરાય છે. સપોઝિટરીઝ માટે ઉપયોગમાં લેવાતા ગ્લિસરીનના કઠોરીભવન માટે તેમજ વૅનિશિંગ ફેસ ક્રીમ અને શેવિંગ ક્રીમમાં સોડિયમ સ્ટિયરેટ ઉપયોગમાં લેવાય છે. ઍસિડના કૉપર સાબુઓ (કૉપર સ્ટિયરેટ) ઉત્તમ ફૂગનાશકો છે.

પ્રહલાદ બે. પટેલ