સ્ક્લેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની 200 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 28 અને ગુજરાતમાં 3 જાતિઓ નોંધાઈ છે. તે ભૂમિગત ગાંઠામૂળી ધરાવતી 0.25 મી.થી 2.0 મી. ઊંચી શાકીય જાતિઓની બનેલી છે; જે ચોમાસામાં ભેજવાળાં સ્થળોએ – ખાસ કરીને પડતર ભૂમિ ઉપર ઊગી નીકળે છે. તેનું પ્રકાંડ ત્રિકોણાકાર અને ગાંઠઆંતરગાંઠવાળું હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, ત્રિપંક્તિક (tristichous), સાંકડાં, લાંબાં અને રેખીય હોય છે. પર્ણનાં તલભાગે આવરક (sheath) જોવા મળે છે. પુષ્પવિન્યાસ કક્ષીય કે અગ્રસ્થ અને લઘુ પુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે. તેના ઉપર શૂકિકા(spikelet)-સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. શૂકિકાઓ એકલિંગી હોય છે. નર-શૂકિકા 1થી 3 પુંકેસરો અને માદા-શૂકિકા બીજાશય અને ત્રિશાખી લાંબી પરાગવાહિની ધરાવે છે. કાષ્ઠફળ (nut) સફેદ રંગનું અને આડા ખરબચડા પટ્ટાવાળું હોય છે.
Scleria biflora Roxb. આસામ, બંગાળ, બિહાર, ઓરિસા અને મહારાષ્ટ્રમાં થતું 30 સેમી.થી 60 સેમી. ઊંચું પ્રતૃણ (sedge) છે. તેના કુમળા સુગંધિત છોડ ભાત સાથે કાચા કે બાફીને ખવાય છે.
levis Retz. syn. S. habecarpa Nees બહુવર્ષાયુ મજબૂત, અરોમિલ 60 સેમી.થી 90 સેમી. ઊંચું પ્રતૃણ છે અને 1,500 મી.ની ઊંચાઈ સુધી લગભગ સમગ્ર ભારતમાં થાય છે. તેના પુષ્પવિન્યાસ અને બીજ કૅરેક્સિડિન નામનું ઘેરા કિરમજી રંગનું રંજકદ્રવ્ય ધરાવે છે. તેનાં ફળો કફ અને ગાંઠામૂળી જઠરના રોગોમાં ઉપયોગી છે.
lithosperma Sw. નાજુક, 50 સેમી.થી 90 સેમી. ઊંચું પ્રતૃણ છે અને ભારતમાં 900 મી. ઊંચાઈ સુધી (પશ્ચિમના શુષ્ક વિસ્તારો સિવાય) બધે જ થાય છે. મૂળનો ક્વાથ બાળકના જન્મ પછી આપવામાં આવે છે. છોડ વૃક્કશોથનાશક (antinephritic) ગુણધર્મો ધરાવે છે. તેની કોમળ ટોચો બાળકોને પહોળા થઈ ગયેલા જઠર માટે આપવામાં આવે છે.
આકૃતિ 1 : સ્ક્લેરિયા : સમગ્ર છોડ
આકૃતિ 2 : સ્ક્લેરિયા : (અ) નર-શૂકિકા, (આ) માદા-શૂકિકા
S. pergracilis (Nees) Kunth હિમાલયમાં ગરેવાલથી આસામ સુધી 1,500 મી.ની ઊંચાઈએ અને બિહાર, પશ્ચિમ બંગાળ અને ડેક્કન દ્વીપકલ્પ(peninsula)માં થાય છે. તેનો ક્વાથ કફમાં, ઢોરના મોંઢા-ખરવાના રોગમાં અને તાવમાં લાભદાયી છે. તે કીટનાશક ગુણધર્મો ધરાવે છે. લીંબુની સુગંધીવાળાં પર્ણો કીટકોને દૂર કરે છે.
S. poaeformis Retz. syn. S. oryzoides Precel. 0.9 મી.થી 1.8 મી. ઊંચું બહુવર્ષાયુ અને મજબૂત પ્રતૃણ છે. તે આસામ અને અગ્નિ ભારતમાં થાય છે. તેનાં પર્ણો કેટલીક વાર સાદડીઓ બનાવવામાં અને કાષ્ઠ પૉલિશ કરવા માટે તથા ફળવાળો પુષ્પગુચ્છ પોટીસ બનાવવામાં વપરાય છે.
scrobiculata Nees બહુવર્ષાયુ પ્રતૃણ છે. તે આંદામાનમાં થાય છે. તેની કુમળી ટોચો અને ફળો ખાવામાં ઉપયોગી છે.
મીનુ પરબિયા
દીનાઝ પરબિયા
બળદેવભાઈ પટેલ