સ્કૅલ્કોટાસ નિકોસ (Skalkottas Nikos)
January, 2009
સ્કૅલ્કોટાસ, નિકોસ (Skalkottas, Nikos) (જ. 1904, ચાલ્કીસ, ગ્રીસ; અ. 1949, ઍથેન્સ, ગ્રીક) : આધુનિક ગ્રીક સંગીતનિયોજક અને વાયોલિનવાદક. આ પ્રતિભાશાળી સ્કૅલ્કોટાસને એક કલાપ્રેમીએ સંગીતનું ઉચ્ચ શિક્ષણ લેવા માટે સત્તર વરસની ઉંમરે 1921માં જર્મની મોકલ્યા. ત્યાં જેર્નાખ (Jarnach), વિલી હેસ, કુર્ટ વીલ અને શોઅન્બર્ગ પાસે તેમણે 1933 સુધી વાયોલિનવાદન તથા સંગીતનિયોજનની તાલીમ પ્રાપ્ત કરી.
નિકોસ સ્કૅલ્કોટાસ
ગુરુ શોઅન્બર્ગ સાથે ગહન દોસ્તી થતાં 1927થી 1931 સુધી તેઓ એમની સાથે જ રહેલા. આર્થિક મુશ્કેલીઓના પ્રતાપે સ્કૅલ્કોટાસે નછૂટકે 1933માં માદરે વતન ગ્રીસ પાછા ફરવું પડ્યું. પછીનાં સોળ વરસ સુધી એટલે કે મૃત્યુપર્યંત તેમણે ઍથેન્સના એક ઑર્કેસ્ટ્રામાં એક સામાન્ય સંગીતકાર તરીકે નોકરી કરી આજીવિકા રળી; પરંતુ આ સોળ વરસમાં તેમણે 150 જેટલી અદભુત સંગીતરચનાઓ રચી, જે તેમના મૃત્યુ પછી તેમના ઘરમાંથી મળી આવેલી. આ રચનાઓ તેમણે અન્ય કોઈને પણ બતાવી હોવાનું જણાતું નથી. આ કૃતિઓની ગુણવત્તા જોઈ તેમના સૌથી ઘનિષ્ઠ મિત્રો પણ વિસ્મય પામેલા. એમની આ રચનાઓ ઍટોનલ (atonal) પદ્ધતિએ એટલે કે સપ્તકના તેર સ્વરોને કોમળ-તીવ્ર ભેદ પાડ્યા વિના સમકક્ષ ગણવાની પદ્ધતિએ રચાઈ છે. એમની રચનાઓ સાંભળતાં એવું લાગે છે કે એમણે પોતાના નિષ્ક્રિય તબક્કાઓ વચ્ચે સર્જનાત્મકતાના ઊભરાઓને વશ થઈને સર્જન કર્યું હોવું જોઈએ. એમના સંગીતમાં એલ્બાન બર્ગના સંગીતની હૂંફ, વેબર્નના સંગીતની ઋજુતા, સ્ટ્રાવિન્સ્કી અને બાર્તોકના સંગીતનો બળૂકો લય તથા ભૂમધ્ય કાંઠાના લોકસંગીતની પ્રવાહિતા એકસાથે જોવા મળે છે.
સ્કૅલ્કોટાસે મોટા ઑર્કેસ્ટ્રા માટે બાર રચનાઓ લખી છે. તેમાં બે રચનાઓ વિશેષ નોંધપાત્ર છે : ‘ધ રિટર્ન ઑવ્ યુલિસિસ’ ઓવર્ચર તથા ‘સિમ્ફનિક સ્વીટ નં. 2’. તેમણે ઑર્કેસ્ટ્રા અને એકલ (Solo) વાદ્ય માટે કુલ ચૌદ કન્સર્ટો લખ્યા છે. તેમાં વાયોલિન માટે એક, ચેલો માટે એક, બે વાયોલિન માટે એક, વાયોલિન અને વાયોલા માટે એક તથા પિયાનો માટેની ત્રણ રચનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાનકડા ઑર્કેસ્ટ્રા માટેની ચેમ્બર-રચનાઓ, થોડાં બૅલે, ગાયકવૃંદો માટેની રચનાઓ, ગીતો અને કૅન્ટાટા પણ તેમણે લખ્યાં છે. આ ઉપરાંત ઑર્કેસ્ટ્રા માટે એક ભાષ્ય પણ તેમણે લખ્યું છે.
મૃત્યુ પછી અભૂતપૂર્વ પ્રસિદ્ધિ પામનાર સ્કૅલ્કોટાસ એક અગ્રણી આધુનિક સંગીતકાર ગણાય છે.
અમિતાભ મડિયા