સ્કૉટ, ડેવિડ (જ. 6 જૂન 1962, સાન ઍન્ટૉનિયો, ટૅક્સાસ, યુ.એસ.) : અમેરિકાનો અંતરીક્ષયાત્રી અને ચંદ્રયાત્રાના ઍપૉલો-15 અંતરીક્ષયાનનો મુખ્ય ચાલક (commander).

ડેવિડ સ્કૉટ

અમેરિકાની લશ્કરી સંસ્થા, વેસ્ટ પૉઇન્ટ, N.Y.માંથી 1954માં સ્નાતક થયા પછી સ્કૉટની ભરતી હવાઈદળમાં થઈ હતી, જ્યાં તેણે વૈમાનિકી ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, કેમ્બ્રિજમાંથી એમ.એસ.ની ડિગ્રી મેળવી હતી અને એડવર્ડ ઍરફોર્સ બેઝમાં ટેસ્ટ-પાઇલટની તાલીમ લીધી હતી. 1963માં અમેરિકાના અંતરીક્ષયાત્રીઓના ત્રીજા જૂથમાં તેની પસંદગી થઈ હતી.

સ્કૉટ અને નીલ આર્મસ્ટ્રૉન્ગે અમેરિકાના અંતરીક્ષયાન જેમિની-8(માર્ચ 6, 1966)માં અંતરીક્ષયાત્રા કરી હતી. તેમણે ‘એજીના’ નામના માનવરહિત અંતરીક્ષ-વાહન સાથે જોડાણ કર્યું હતું; પરંતુ વિદ્યુતતંત્રની મુશ્કેલીને લીધે ‘એજીનાજેમિની’ સંયુક્ત વાહન અનિયંત્રિત રીતે ડોલવા લાગ્યું હતું. આથી જેમિની યાનને એજીનાથી અલગ કરી દેવામાં આવ્યું હતું અને પુન: નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું; પરંતુ ત્યાર બાદ ‘જેમિની’નું ઉડ્ડયન અટકાવી દેવાયું હતું. બંને અંતરીક્ષયાત્રીઓને 10 કલાક, 42 મિનિટ પછી પૃથ્વી પર પાછા ફરવાનું થયું હતું.

ત્યાર પછી 3 માર્ચ, 1969ના રોજ પ્રક્ષેપિત થયેલા ઍપૉલો-9ના અંતરીક્ષ-ઉડ્ડયનમાં સ્કૉટ અન્ય બે યાત્રીઓ  જેમ્સ મૅક્સડેવિટ અને રસેલ શ્વીકાર્ટ – સાથે કમાન્ડ-મૉડ્યૂલનો પાઇલટ હતો. પૃથ્વીની કક્ષામાં ઉડ્ડયન દરમિયાન આ યાત્રીઓએ કમાન્ડ-મૉડ્યૂલનું જોડાણ લ્યુનર-મૉડ્યૂલ સાથે કર્યું હતું અને ચંદ્ર પર ઉતરાણ કરવા માટેનાં બધાં તંત્રોની સંપૂર્ણ ચકાસણી કરી હતી.

જુલાઈ 26, 1971ના રોજ પ્રક્ષેપિત કરાયેલા ઍપૉલો-15માં સ્કૉટની સાથે અન્ય બે યાત્રીઓ–જેમ્સ ઇરવિન અને આલ્ફ્રેડ વર્ડન–હતા. 31 (સાડા ત્રણ) દિવસના અંતરીક્ષ-ઉડ્ડયન પછી સ્કૉટ અને ઇરવિને ચંદ્ર પરના ઍપેનાઇન (Apenine) પર્વત નજીકની હેડલી રીલ (Hadley Rille) નામે ઓળખાતી મોટી ખીણમાં ઉતરાણ કર્યું હતું. લ્યુનર રોવિંગ વ્હિકલ–ચંદ્રગાડીની મદદથી તેમણે ચંદ્રની ધરતી પર ત્રણ જુદી જુદી દિશામાં 28 કિમી. અંતરનો પ્રવાસ કર્યો હતો અને 17 કલાક સુધી ‘લ્યુનર મૉડ્યૂલ’ની બહાર રહ્યા હતા. ઍપૉલો-15ની ચંદ્ર-યાત્રા ઑગસ્ટ 7, 1971ના રોજ પૂરી થઈ હતી અને તેઓ પૃથ્વી પર પાછા આવ્યા હતા.

ત્યાર પછી 1972–1975 દરમિયાન સ્કૉટ ‘ઍપૉલો-સોયુઝ ટેસ્ટ પ્રોજેક્ટ’ના વહીવટી ખાતામાં જોડાયા હતા અને ત્યાર બાદ ‘ડ્રાયડેન ફ્લાઇટ સેન્ટર’(એડવર્ડ ઍરફોર્સ બેઝ, કૅલિફૉર્નિયા)ના નિયામક બન્યા હતા. 1977માં તેમણે અંતરીક્ષ-ક્ષેત્રનું કામ છોડીને ખાનગી વેપાર-ક્ષેત્રનું કાર્ય શરૂ કર્યું હતું.

પરંતપ પાઠક